યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેરાતની અમદાવાદમાં ઉજવણી
ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે યુનેસ્કોની 'અમૂર્ત ધરોહર'ની યાદીમાં દેશના ઉત્સવો, મેળાઓ,પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિ વિરાસતનો સમાવેશ થયો છે.
Trending Photos
અમદાવાદઃ યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાસ ગરબાના વિવિધ પ્રકારોને સમાવેશ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.
બૉત્સ્વાના ખાતે આજે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકેની જાહેરાતનું રાજ્યભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે ભદ્રકાળી મંદિર પરિસર સહિત બનાસકાંઠામાં અંબાજી મંદીર પરિસર, પંચમહાલમાં પાવાગઢ મંદિર પરિસર અને મહેસાણા ખાતે બહુચરાજી મંદિર પરિસરમાં મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ, રાજ્યના અન્ય તમામ જિલ્લામાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવતા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સ્થાનિક લોકો કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજયકક્ષા મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, વિશ્વના ખૂણેખૂણે વસતા ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ છે. ગુજરાતની શેરીઓ/નગરોમાં યોજાતા પરંપરાગત ગરબાથી લઈને રાજ્યભરમાં યોજાતા આધુનિક ગરબા દેશભરમાં ગુજરાતીઓની સાંસ્કૃતિક વિરાસત તરીકે જાણીતા બન્યાં છે. યુનેસ્કોની ઐતિહાસિક જાહેરાત દ્વારા હવે ગુજરાતનો ગરબો વિશ્વમાં પહોંચશે અને દુનિયાભરમાં હવે ગુજરાતીઓ અને ગુજરાતના ગરબા જાણીતા બનશે.
વધુમાં વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એક ગુજરાતી તરીકે દુનિયાના કોઈપણ ખૂણે ગરબાની ધૂન વાગે એટલે આપણા પગ ચાલવા માંડે છે, એ આપણી ગરબા પ્રત્યેની અતૂટ લાગણી અને અખૂટ પ્રેમ દર્શાવે છે.
માં અંબાના પ્રખર ઉપાસક અને દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેલા. તેમના માર્ગદર્શન હેઠળ નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં મોટી પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે