ડુંગળીમાં નિકાસની રામાયણ અને ભાવની મહાભારતમાં સરકાર સબસિડી નહીં આપે તો મરી જશે ખેડૂતો!

જગતનો તાત સતત થઈ રહ્યો છે પાયમાલ. ડુંગળી પકવતા ખેડૂતોના હાલત સાવ કફોડી બની ગઈ છે. વચોટીયા મલાઈ ખાઈ જાય છે અને ખેડૂતોની હાલત કફોડી ગઈ છે. હાલની સ્થિતિમાંં ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને વીઘે 50 હજાર કરતા વધારે નુકસાની થઈ રહી છે.

ડુંગળીમાં નિકાસની રામાયણ અને ભાવની મહાભારતમાં સરકાર સબસિડી નહીં આપે તો મરી જશે ખેડૂતો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો હાલમાં ડુંગળીના ખેડૂતોની છે. સરકાર મલમ લગાવવાને બદલે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે.  હાલમાં મણે 300 રૂપિયાનું સીધું નુક્સાન જતાં ખેડૂતોને પ્રતિ વીધે 50 હજારનું નુક્સાન થઈ રહ્યું છે. ગુજરાતના માર્કેટયાર્ડોમાં ડુંગળીની ખરીદી બંધ વચ્ચે ખેડૂતો પાયમાલ થઈ જશે કારણ કે નવેમ્બરથી એપ્રિલ સુધી બજારમાં આવતી ડુંગળીની શેલ્ફલાઇફ ૧૫થી ૨૦ દિવસની જ હોય છે. આ ડુંગળી પાકે એટલે ખેડૂત સીધી બજારમાં વેચાણ કરે છે. ત્યારે ખેડૂતોએ જે ભાવ હોય તે ભાવે વેચાણ કરવી પડે છે.

કારણ કે તે બગડી જાય છે. આ સનાતન સત્ય છે. નવેમ્બરથી એપ્રિલ સુધીમાં દેશના કોઇપણ વિસ્તારમાં પાકેલી ડુંગળી ખેડૂતના ખેતરમાંથી નીકળ્યા બાદ વધુમાં વધુ ૨૦ દિવસમાં ગ્રાહક સુધી પહોંચવી જરૃરી છે. સરકાર જલદી નહીં જાગે તો હજારો ટન ડુંગળી બગડી જશે અને ગુજરાતના ખેડૂતો ખોટના ખાડામાં ઉતરી જશે. આ વિરોધ પણ એમને ભારે પડશે. ગુજરાતમા ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ કરી રહ્યાં છે. સરકાર તાત્કાલિક આ બાબતે પગલાં નહીં ભરે તો ગુજરાતના ખેડૂતો બરબાદી નોંતરશે એ પાક્કું છે. 

આશરે ૧30 કરોડ જેટલી દેશની જનતાને રડાવતી ડુંગળીનું પણ એક રોટેશન રચાયેલું છે. ચોમાસાના અંતને નવા વર્ષની શરૃઆત ગણીએ તો ઓક્ટોમ્બરમાં મહારાષ્ટ્રના પુના, ધુલીયા, અહમદનગર, કોલ્હાપુર વિસ્તારમાં નવો પાક નીકળે છે. જે સમગ્ર દેશમાં પહોંચી વળે છે. ત્યારબાદ નવેમ્બરમાં રાજસ્થાનના ખેરથલ, અલ્વરનો પાક બજારમાં આવે છે. ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ સહિતના મોટા વિસ્તાર સાથે મધ્યપ્રદેશમાં પાકતી ડુંગળી એપ્રિલ સુધી દેશને ડુંગળી પૂરી પાડે છે.  દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે.

જેમાં મહારાષ્ટ્રમાંથી 13.3 મિલિયન ટન, મધ્યપ્રદેશમાંથી 4.7 મિલિયન ટન, કર્ણાટકમાંથી 2.7 મિલિયન ટન અને ગુજરાતમાંથી 2.5 મિલિયન ટન ડુંગળીનો જથ્થો આવે છે. દેશના કુલ ઉત્પાદનમાં આ ચાર રાજ્યોનો હિસ્સો 75 ટકા છે.  હાલ માર્કેટમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ખરીફ ડુંગળી આવે છે. ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

ડુંગળીનું વાવેતર રવિ અને ખરીફ એમ બંને સીઝનમાં થાય છે. આ પાક મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં મે અને નવેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ જાય છે. આ સિવાય મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં આ પાક આગળ-પાછળ તૈયાર થાય છે. ખરીફ સિઝનમાં જુલાઇ-ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ખરીફ સિઝનમાં વાવેલી ડુંગળીનો પાક ઓક્ટોબર-ડિસેમ્બરમાં માર્કેટ યાર્ડમાં આવે છે. ડુંગળીની વાવણી અને બજારમાં તેના પાકના આગમનના આ ક્રમમાં મે મહિના બાદ ડુંગળીનો આગામી પાક ઓક્ટોબર માસમાં આવે છે. ત્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીની આવકમાં ઘટાડો થાય છે. જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો થાય છે. તો બીજી તરફ નવો પાક બજારમાં આવતાં નવેમ્બર મહિના સુધીનો સમય લાગે છે. ત્યાં સુધીમાં તો ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે.

ભારત પાસે માત્ર 2 ટકા ડુંગળી સંગ્રહિત કરવાની ક્ષમતા છે. તો 98 ટકા ડુંગળી ખુલ્લામાં સંગ્રહી રાખવામાં આવે છે, આ ડુંગળી ચોમાસામાં ભેજના કારણે સડવા લાગે છે. ભારત સરકારના આંકડા પ્રમાણે, ભારતમાં દર એક હજાર લોકોમાંથી 908 લોકો ડુંગળી ખાય છે, એટલે કે 100 કરોડથી વધુ લોકો ડુંગળી ખાય છે. આ આંકડો જોતાં ભારતમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું છે. ભાવની વાત કરીએ તો હાલમાં મહુવામ માર્કેટયાર્ડમાં પ્રતિ મણ ડુંગળીનો ભાવ 400થી 450 રૂપિયા છે. જે ખેડૂતોને થોડા દિવસો પહેલાં 750ની આસપાસ મળતો હતો. આમ એક ખેડૂતને પ્રતિ મણ 300 રૂપિયાનું નુક્સાન છે. ખેડૂતને વીધે 200 મણ ડુંગળી પાકતી હોવાથી કેડૂતને હાલમાં સીધું 50 હજારનું નુક્સાન થઈ રહ્યું છે.  સરકાર ફદિયાની જેમ સબસિડીની જાહેરાત કરશે. ગત વર્ષે પણ 303 કરોડનું ડુંગળી બટાટાનું પેકેજ જાહેર કરાયું હતું. જેમાં ઘણા ખેડૂતોને સહાય ન મળી હોવાની બુમરાણ છે. 

ગુજરાત ભારતમાં ડુંગળીના ઉત્પાદન કરતા અગ્રણી રાજ્યોમાંનું એક છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુજરાતે વર્ષ 2020-21માં લગભગ 2.8 મિલિયન ટન ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું, જે ભારતના કુલ ડુંગળીના ઉત્પાદનના 18% જેટલું હતું. ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા મુખ્ય જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, સાબરકાંઠા અને સુરતનો સમાવેશ થાય છે. રાજ્ય લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને પીળી ડુંગળી જેવી ડુંગળીની વિવિધ જાતોના ઉત્પાદન માટે જાણીતું છે. 

ગુજરાત ડુંગળીનો મુખ્ય ઉત્પાદક હોવા ઉપરાંત અન્ય દેશોમાં પણ ડુંગળીનો મોટો નિકાસકાર છે. જો કે, તાજેતરના વર્ષોમાં, રાજ્યમાં ડુંગળીના ઉત્પાદન પર કમોસમી વરસાદ, પાકના રોગો અને બજાર ભાવમાં વધઘટ જેવા પરિબળોને કારણે અસર થઈ છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીની કિંમત 58% વધી છે. ત્યારે  એક વર્ષમાં ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. એક કિલો ડુંગળીની કિંમત 28 રૂપિયા જેટલી વધી.  જ્યારે ડિસેમ્બર 2022માં ડુંગળીની પ્રતિ કિલો સરેરાશ કિંમત 28.22 રૂપિયા થયા. ડિસેમ્બર 2023માં ડુંગળીની પ્રતિ કિલો સરેરાશ કિંમત 56.82 રૂપિયા થયો હતો. ડુંગળીની કિંમત ઘટાડવા માટે સરકારે 28 ઓક્ટોબરે ન્યૂનતમ નિકાસ કિંમત (MEP) $800 નક્કી કરી છે. સરકારનું કહેવું છે કે આ લાદવામાં આવેલી ડ્યૂટીને કારણે સૌથી વધુ કિંમતમાં 5 થી 9 ટકાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 4.5 ટકાનો ઘટાડો થયો છે. જૂનથી સપ્ટેમ્બર સુધીના નબળા ચોમાસાએ મહારાષ્ટ્ર અને કર્ણાટક એમ બે મુખ્ય સપ્લાયરોમાં ખરીફ ડુંગળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. તેના કારણે લણણીમાં વિલંબ થયો છે, જ્યારે શિયાળુ પાકનો સ્ટોક લગભગ ખતમ થઈ ગયો છે અને ભાવમાં ફરી વધારો થયો છે. 

8 લાખ મેટ્રિક ટન ડુંગળી ખરીદશે સરકાર-
મંત્રાલય સાથે સંકળાયેલા લોકોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું કે સરકારે 5.07 લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળી ખરીદી છે અને આગામી દિવસોમાં 3 લાખ મેટ્રિક ટન વધુ ખરીદશે. ત્યાર બાદ ડુંગળીની કિંમત કન્ટ્રોલમાં આવી શકે છે.

એક્સપોર્ટ પર 40% ડ્યુટી લાગશે-
કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં ડુંગળીના એક્સપોર્ટ પર 40% ડ્યુટી લગાવી હતી, જેથી ડુંગળીની આવક મોડી થાય તો કિંમત નિયંત્રણમાં રાખી શકાય. ઓગસ્ટ પહેલા ડુંગળીના એક્સપોર્ટ પર કોઇ ટેક્સ વસુલવામાં આવતો નહીં. સરકારનો આ આદેશ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે-
કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય સ્થાનિક બજારોમાં ડુંગળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.

વિદેશ વેપાર મહાનિદેશાલય - DGFT એ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે આજથી લાગુ થશે. જાહેરનામા મુજબ, જો આ જાહેરાત પહેલાં જહાજ પર ડુંગળીનું લોડિંગ શરૂ થઈ ગયું હોય અને જ્યાં શિપિંગ બિલ ફાઈલ થઈ ગયું હોય અને જહાજો આવી ગયા હોય અને ભારતીય બંદરો પર ડુંગળી લોડ કરી હોય, તો ડુંગળીના કન્સાઈનમેન્ટને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ અપવાદો માટે નિકાસનો સમયગાળો આવતા વર્ષે 5 જાન્યુઆરી સુધીનો રહેશે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે અન્ય દેશોને તેમની સરકારોની વિનંતીનાઆધારે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પરવાનગી મુજબ અન્ય દેશોમાં ડુંગળીની નિકાસની મંજૂરી આપવામાં આવશે.  

સરકાર બે લાખ ટન ડુંગળીની ખરીદી કરશે-
સરકાર ડુંગળીનો જથ્થો બજારમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી આ ખરીફ સીઝન દરમિયાન બે લાખ ટન ડુંગળીની ખરીદી કરશે.
નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે, સરકારે વર્તમાન ઉત્પાદન સ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં આવતા વર્ષે 31મી માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ પગલાથી ડુંગળીના ભાવમાં ઘટાડો થશે.  રોહિત કુમાર સિંઘે કહ્યું કે, છેલ્લા મહિનામાં ડુંગળીના છૂટક કિંમતમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news