સુરતના પાટીદાર યુવકનું કેનેડામાં મોત, 12 દિવસ બાદ વતન આવશે મૃતદેહ
Gujaratis In Canada : મિત્રો સાથે કેનેડા ડેની ઉજવણી કરતા સમયે સુરતનો જશ પટેલ નામનો યુવક નદીમાં ડૂબ્યો હતો, મૃતદેહને ભારત મોકલવા વિદ્યાર્થીઓએ દાખવી માનવતા
Trending Photos
Canada News : અમેરિકા બાદ સૌથી વધુ ગુજરાતીઓ કેનેડામાં સ્થાયી થયા છે. ત્યારે જ્યારે જ્યારે વિદેશની ધરતી પર સંકટ આવ્યું છે, ત્યારે ત્યારે ગુજરાતીઓ એક થયા છે. 1 જુલાઈના રોજ સુરતના જશ પટેલ નામના યુવકનું કેનેડાની નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. ત્યારે મૃતદેહને ભારત મોકલવા વિદ્યાર્થીઓએ માનવતા દાખવી હતી. યુવકના મૃતદેહને ભારત પરત લાવવા કેનેડામાં વિદ્યાર્થીઓએ ક્રાઉડ ફન્ડિંગની મદદ લીધી. એટલું જ નહિ, તેના માટે ભંડોળ એકઠું કરવા રેલી પણ કાઢવામાં આવી હતી. પૈસા ભેગા કર્યા અને હવે મૃતદેહ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડામાં ગુજરાતી સમુદાયમાં એકતાની ભાવના ફરી એકવાર ચમકી છે કારણ કે કેનેડા ડે પર ડૂબી ગયેલા 23 વર્ષીય વિદ્યાર્થી જશ જીતેનકુમાર પટેલના મિત્રોએ તેના સ્વદેશ પરત આવવા માટે ભંડોળ એકત્ર કરવા સાથે મળીને રેલી કાઢી હતી.
ગુજરાતી સમુદાય એક થયો
સુરત નજીકના મકના ગામનો વતની જશ પીટરબરોમાં ફ્લેમિંગ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતો હતો અને વોલમાર્ટમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો. 1 જુલાઈના રોજ, ઓટોનાબી નદી પાસે મિત્રો સાથે કેનેડા ડેની ઉજવણી ચાલી રહી હતી. તે સમયે નદીમાં કરંટ આવતા તે પાણીમાં ડૂબ્યો હતો. જશ નાના તળાવના છેડેથી પાણીમાં પ્રવેશ્યો હતો અને થોડી જ મિનિટોમાં કરંટ તેને પકડી લીધો હતો. મદદ માટે તેની બૂમો સાંભળીને, જશના મિત્રો નજીકના રેલ્વે બ્રિજ પર દોડી ગયા અને તેમાંથી બે તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરતા નદીમાં ડૂબકી મારી, પરંતુ તે વહી ગયો.
જશના મિત્રોએ પ્રયાસ કર્યો, પણ ન બચાવી શકાયો
જશના મિત્રોએ તરત જ સ્થાનિક પોલીસને ફોન કર્યો. પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો. બીજા દિવસે ડાઇવર્સની મદદથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
મિત્રોએ મદદ શરૂ કરી
જશ પટેલના મિત્રોએ ઝડપથી GoFundMe પર ક્રાઉડ ફંડિંગ ઝુંબેશ શરૂ કરી, જેને ગુજરાતી સમુદાય અને સ્થાનિક કેનેડિયન બંને તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. 10 દિવસોની અંદર, તેઓએ 48,000 CAD એકત્ર કર્યા, જેથી તેનો મૃતદેહ સુરતમાં તેના વતનમાં મોકલી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે