ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે, 2017ની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠક મળી હતી, જુઓ રસપ્રદ આંકડા...

Gujarat Assembly Election 2022: આખરે  ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી રાજકીય સંગ્રામ બનેલા ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો યોજાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે, 2017ની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠક મળી હતી, જુઓ રસપ્રદ આંકડા...

અમદાવાદ: ગુજરાતમાં 2017ની જેમ આ વખતે પણ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે તેની વચ્ચે તમારે એ જાણવું જોઈએ કે બીજા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન થવાનું છે અને 2017માં આ બેઠકો પર કયા પક્ષે કેટલી બેઠકો જીતી હતી.

બીજા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન યોજાશે તેની વાત કરીએ તો.
બનાસકાંઠાની 9 બેઠક            
સાબરકાંઠાની 4 બેઠક
અરવલ્લીની 3 બેઠક  
પાટણની 4 બેઠક     
મહેસાણાની 7 બેઠક  
ગાંધીનગરની 5 બેઠક 
અમદાવાદની 21 બેઠક       
ખેડાની 6 બેઠક           
પંચમહાલની 5 બેઠક        
દાહોદની 6 બેઠક          
આણંદની 7 બેઠક           
વડોદરાની 10 બેઠક        
છોટાઉદેપુરની 3 બેઠક     
મહીસાગરની 2 બેઠક પર મતદાન યોજાશે.

1. બનાસકાંઠા જિલ્લાની 9માંથી કોંગ્રેસે વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર અને દિયોદર બેઠક જીતી હતી. જ્યારે ભાજપના ફાળે થરાદ, ડીસા અને કાંકરેજ બેઠક આવી હતી. જ્યારે વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાણીની જીત થઈ હતી.

2. સાબરકાંઠાની 4 બેઠકમાંથી ત્રણ બેઠક ભાજપે જીતી હતી. જ્યારે ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના અશ્વિન કોટવાલનો વિજય થયો હતો.

3. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક ભિલોડા, મોડાસા અને બાયડ બેઠક પર કોંગ્રેસે હેટ્રિક મારી હતી.

4. પાટણ જિલ્લાની રાધનપુર, પાટણ અને સિદ્ધપુર બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી. જ્યારે ભાજપને સમ ખાવા પૂરતી ચાણસ્મા બેઠક મળી હતી.

5. મહેસાણાની 7 બેઠકમાંથી ભાજપે 5 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે ઉંઝા અને બેચરાજી બેઠક જીતી હતી.

6. ગાંધીનગર જિલ્લાની 5 બેઠકમાંથી દહેગામ અને ગાંધીનર દક્ષિણ બેઠક ભાજપે જીતી. જ્યારે કોંગ્રેસે ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલ બેઠક જીતીને ભાજપને ચિત્ત કરી દીધું.

7. અમદાવાદની 21માંથી ભાજપે 15 બેઠક જીતી લીધી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર વિરમગામ, દરિયાપુર, બાપુનગર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા અને ધંધુકા એમ 6 બેઠકો મળી હતી.

8. ખેડા જિલ્લાની 7 બેઠકમાંથી 4 બેઠક મહુધા, ઠાસરા, કપડવંજ અને બાલાસિનોર બેઠક કોંગ્રેસે જીતી હતી.  જ્યારે ભાજપના ફાળે માતર, નડિયાદ અને મહેમદાવાદ બેઠક આવી હતી.

9. આણંદ જિલ્લાની 7 બેઠકમાંથી ખંભાત, ઉમરેઠ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસે બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠક જીતીને વિજયી પંજો લહેરાવ્યો હતો.

10. પંચમહાલની 5 બેઠકમાંથી ભાજપે શહેરા, ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક જીતી હતી. જ્યારે મોરવા હડફ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.

11. દાહોદ જિલ્લાની 6માંથી ફતેપુરા બેઠક, લીમખેડા અને દેવગઢબારિયા ભાજપે જીતી હતી. તો કોંગ્રેસે પણ ઝાલોદ, દાહોદ અને ગરબાડા બેઠક જીતીને ભાજપની બરોબરી કરી હતી.

12. વડોદરાની 10 બેઠકમાંથી કોંગ્રેસે માત્ર પાદરા અને કરજણ બેઠક જીતી હતી. જ્યારે અન્ય 8 બેઠકો ભાજપે મોટા માર્જીનથી જીતી લીધી હતી.

13. છોટા ઉદેપુરની 3 બેઠકમાંથી છોટા ઉદેપુર અને જેતપુર કોંગ્રેસે જીતી. જ્યારે સંખેડા બેઠક પર ભાજપના અભેસિંહ તળવીની જીત થઈ હતી.

14. મહીસાગર જિલ્લાની બે બેઠકોમાંથી લુણાવાડા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે રતનસિંહ રાઠોડની જીત થઈ હતી. જ્યારે સંતરામપુર બેઠક પર ભાજપના કુબેરસિંહ ડિંડોરનો વિજય થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news