Gujarat State Waqf Board Property: ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે, જાણો વિગતો

Gujarat State Waqf Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. ત્યારે શુ ંતમે જાણો છો કે ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે? વાંચો અહેવાલ....

Gujarat State Waqf Board Property: ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે, જાણો વિગતો

કેન્દ્ર સરકાર હવે વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. પ્રસ્તાવિત સંશોધનો હેઠળ વક્ફ બોર્ડના દાવાઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરાવવામાં આવશે. આ સાથે જ વક્ફની વિવાદિત સંપત્તિઓની પણ ખરાઈ કરાવવાની જરૂરી રહેશે. સંશોધન દ્વારા કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની અમાપ તાકાતને ખતમ કરવા માંગે છે. કોઈ પણ સંપત્તિને પોતાની સંપત્તિ કહેવાના તેના 'અનિયંત્રિત' અધિકારમાં કાતર ફરી શકે છે. હાલના અધિનિયમમાં 40 સંશોધનનો પ્રસ્તાવ છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે આ વક્ફ બોર્ડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે અને આ સાથે જ ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે?

દેશભરમાં કેટલી સંપત્તિ?
જમીન મામલે વક્ફ બોર્ડ સેના અને રેલવે બાદ ત્રીજી સૌથી મોટી સંસ્થા છે. શરૂઆતમાં મૂળ રીતે સમગ્ર ભારતમાં વક્ફ બોર્ડ પાસે લગભગ 52 હજાર સંપત્તિઓ હતી. ગત વર્ષ ફેબ્રુઆરીમાં અલ્પસંખ્યક મંત્રાલયે લોકસભામાં વક્ફ બોર્ડની સંપત્તિઓની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે મુસ્લિમોની આ સંસ્થા પાસે ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 8,65,646 અચલ સંપત્તિ હતી. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ 13 વર્ષમાં જ વક્ફ બોર્ડની સંપત્તિ બમણી થઈ ગઈ. ભારતમાં વક્ફ બોર્ડ પાસે 2009 સુધીમાં ચાર લાખ એકર જમીન પર 3 લાખ રજિસ્ટર્ડ સંપત્તિઓ હતી અને આજની તારીખમાં આઠ લાખ એકરથી વધુ જમીન પર 8,72,292 સંપત્તિઓ છે. 

ગુજરાતમાં કેટલી છે સંપત્તિ?
એક પ્રશ્ન એ પણ થાય કે આખરે ગુજરાતમાં વક્ફ બોર્ડની કેટલી સંપત્તિ છે? ત્યારે તમને જણાવી દઈએ કે જે માહિતી ઉપલબ્ધ છે તે મુજબ ગુજરાતમાં તેની સંપત્તિની સંખ્યા 45 હજાર કરતા વધારે છે. જેમાં સ્થાવર સંપત્તિ જ 39,000 કરતા વધુ છે. જ્યારે બાકી જંગમ છે. આ મિલકતની જો કિંમત આંકીએ તો કરોડોમાં જાય. વક્ફ બોર્ડની આ સંપત્તિમાં માત્ર કબ્રસ્તાન, મદરેસા, મસ્જિદ જેવી સંપત્તિઓ જ નહીં પરંતુ રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે પણ સામેલ છે. ગુજરાતમાં વક્ફ બોર્ડની કુલ સંપત્તિ જોઈએ તો 39,940 છે જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 15425 સંપત્તિ, ત્યારબાદ સુરતમાં 8453, પછી ભરુચ 4163 મિલકત ધરાવે છે. જમીનની વાત કરીએ તો સૌથી વધુ ખેતી લાયક જમીન 918 વક્ફ બોર્ડ ભરૂચ જિલ્લામાં ધરાવે છે. 

સંપત્તિનું વિવરણ
ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે કુલ જે સંપત્તિ છે તેનું વર્ગીકરણ જોઈએ તો 12,395 ઘર, ખેતીલાયક જમીન 3,264, બિલ્ડિંગ 653, દરગાહ કે મકબરા 1,734, ધાર્મિક શિક્ષણ પૂરું પાડતા દારૂલ ઉલુમ 19, ઈદગાહ 168, કબ્રસ્તાન, 983, મદરેસા 392, મસ્જિદ 2,999, પ્લોટ 2,235, શાળા 22, દુકાન, 6,841 અને અન્ય મિલકતો જેમ કે તળાવ સહિત કુલ 39,940 સંપત્તિ ગુજરાત વક્ફ બોર્ડ પાસે છે. 

રાજ્યમાં 5 તળાવ, 2200 પ્લોટ, 12000 ઘર છે બોર્ડ પાસે?
મળતી માહિતી મુજબ વક્ફ બોર્ડ હેઠળ ગુજરાતના 5 તળાવ છે જેને તેના દ્વારા મેનેજ થાય છે. આ 5માંથી 3 તળાવ અમદાવાદમાં જ્યારે 2 તળાવ સુરતમાં આવેલા છે. ગુજરાતભરમાં થઈને બોર્ડ પાસે 12,395 રહેઠાણો છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં છે અને ત્યારબાદ સુરત, ભરૂચ અને કચ્છમાં છે. જ્યાં ક્રમશ: 6451, 3373, 851, 424 રહેઠાણ છે. પ્લોટની વાત કરીએ તો વક્ફ બોર્ડ અધિકૃત રીતે ગુજરાતમાં 2,235 પ્લોટ ધરાવે છે. જેમાં સૌથી વધુ સુરતમાં 700 પ્લોટ છે. ત્યારબાદ 694 ભરૂચમાં અને વડોદરામાં 293 પ્લોટ છે. 

સૌથી વધુ અમદાવાદમાં
અમદાવાદમાં વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ 15,425 સંપત્તિ નોંધાયેલી છે જેમાં 6,451 ઘર, ખેતીલાયક જમીન 125, બિલ્ડિંગ 499, મકબરા કે દરગાહ 464, 4 દારૂલ ઉલુમ, ઈદગાહ 5, 49 મદરેસા, 808 મસ્જિદ, 143 પ્લોટ, 7 શાળા, 4,450 દુકાનો અને અન્ય 2,301 થઈને કુલ 15,425 સંપત્તિ છે. જ્યારે સુરતમાં જે 8453 સંપત્તિ છે તેમાં 3373 ઘર, 354 મસ્જિદ, 700 પ્લોટ, ખેતીલાયક જમીન 714, બિલ્ડિંગ 65, દરગાહ અને મકબરા 179, કબ્રસ્તાન 165, 700 શાળાઓ સામેલ છે. 

ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ બોર્ડની સંપત્તિ ભરૂચમાં છે. વક્ફ બોર્ડ ભરૂચમાં 4163 સંપત્તિ ધરાવે છે જેમાં 918 ખેતીલાયક જમીન, 851 ઘર, મકબરા અને દરગાહ 59, જ્યારે 64 મદરેસા, 87 કબ્રસ્તાન, 21 બિલ્ડિંગ, એક દારૂલ ઉલુમ, 694 પ્લોટ, 7 શાળાઓ, 211 દુકાન સહિત સંપત્તિ સામેલ છે. 

સ્થાવર મિલ્કતમાં આઠમા ક્રમે
દેશભરમાં વક્ફ બોર્ડની જે સ્થાવર  મિલ્કતો છે તેમાં ગુજરાત 39940 મિલ્કતો સાથે આઠમા ક્રમે છે. પ્રથમ ક્રમે 232547 સંપત્તિ સાથે યુપી છે. જ્યારે 80480 મિલકતો સાથે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. 75965 મિલ્કતો સાથે પંજાબ ત્રીજા ક્રમે, 66092 મિલકતો સાથે તમિલનાડુ ચોથા ક્રમે, ત્યારબાદ 62830 મિલકતો સાથે કર્ણાટક આવે છે. 53279 મિલકતો સાથે કેરળ છઠ્ઠા ક્રમે, 45682 મિલકતો સાથે તેલંગણા સાતમે ક્રમે અને ગુજરાત 39940 મિલકતો સાથે આઠમા ક્રમે આવે છે. 

જંગમ સંપત્તિમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે
વક્ફ બોર્ડની જંગમ મિલ્કત જોઈએ તો ગુજરાત દેશભરમાં બીજા નંબરે આવે છે. જેમાં સૌથી વધુ 8605 મિલ્કત તમિલનાડુમાં છે જ્યારે 5418 મિલ્કતો ગુજરાતમાં છે. ત્યારબાદ કર્ણાટકમાં 1801 મિલ્કત છે. સમગ્ર દેશમાં વક્ફ બોર્ડ કુલ 16712 જંગમ સંપત્તિ ધરાવે છે. 

વક્ફનો અર્થ શું છે?
વક્ફ એક અરબી શબ્દ છે જે વકુફાથી બનેલો છે અને તેનો અર્થ છે 'થોભવું'. ઈસ્લામમાં વક્ફનો અર્થ પોતાની કોઈ ચીજ લોકોની મદદ માટે આપી દેવું એમ થાય છે. આ એક પ્રકારનું દાન હોય છે. જે લોકો ઈસ્લામ ધર્મમાં માને છે જેમ કે કોઈ મુસલમાન પોતાની જમીન કે ઘર લોકોની ભલાઈ માટે આપી શકે છે. આ ચીજો પછી વક્ફ બોર્ડ પાસે જતી રહે છે અને બોર્ડ આ ચીજોથી આવનારા પૈસાથી ગરીબો કે જરૂરિયાતવાળાને મદદ કરે છે. 

ક્યારે થઈ હતી રચના?
ભારતમાં વક્ફ બોર્ડની રચના એક તબક્કાવાર પ્રક્રિયા રહી છે અને તેના માટે કોઈ એક નિશ્ચિત વર્ષ જણાવી શકાય નહીં. તે વિવિધ રાજ્યોમાં અલગ અલગ સમય પર થઈ હતી. ભારતમાં કેન્દ્રીય સ્તર પર વક્ફ પરિષદની રચના 1964માં થઈ હતી. જે અલ્પસંખ્યક મંત્રાલય હેઠળ કામ કરે છે. વિવિધ રાજ્યોમાં વક્ફ બોર્ડોની રચના અલગ અલગ કાયદા અને સમય મુજબ થઈ છે. મોટાભાગના રાજ્યોમાં વક્ફ બોર્ડની રચના 1950 અને 1960ના દાયકામાં થઈ હતી. 

કેમ થઈ રચના?
વક્ફ બોર્ડની રચના ભારતમાં મુસ્લિમ સમુદાય માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. વક્ફ બોર્ડ એક સરકારી સંસ્થા છે જે મુસ્લિમ સમુદાયના હિતોની રક્ષા કરે છે. વક્ફ બોર્ડની રચના મુસ્લિમ સમુદાય દ્વારા દાન કરાયેલી સંપત્તિને વ્યવસ્થિત રીતે મેનેજ કરવા માટે કરાઈ હતી. વક્ફ બોર્ડનો હેતુ વક્ફ સંપત્તિને અતિક્રમણ અને દુરઉપયોગથી બચાવવા માટે, વક્ફ સંપત્તિથી થનારી આવકને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં લગાવવાનો છે. વક્ફ બોર્ડનું કામ વક્ફ સંપત્તિથી સંબંધિત વિવાદોની પતાવટનું છે. વક્ફ બોર્ડ સમયાંતરે વિવાદોમાં પણ રહે છે, ખાસ કરીને વક્ફ સંપત્તિ સંલગ્ન વિવાદો અંગે હંમેશા વિવાદ રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news