નીતિન પટેલે ‘તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે’ એવું કહેતા જ ગૃહમાં ભડકી કોંગ્રેસ 

નીતિન પટેલે ‘તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે’ એવું કહેતા જ ગૃહમાં ભડકી કોંગ્રેસ 
  • અમિત ચાવડાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટકોર કરીને કહ્યું હતું કે, તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે
  • પરેશ ધાણાનીએ કહ્યું કે, નીતિન પટેલ જેવા સિનિયર્સ સભ્ય આ પ્રકારે શબ્દો બોલે તે યોગ્ય નથી. તેમણે માફી માંગવી જોઇએ

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભામાં આજે ફરી એકવાર હોબાળો થયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના પ્રવચનમાં ભાજપ રાજમાં શહેરો ગુંડાઓના નામે ઓળખાય છે તેવું કહ્યું હતું. જેના બાદ વાતાવરણ ગરમાયુ હતું. જેના બાદ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે. આ મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. તો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વેલમાં બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. 

અમિત ચાવડાના નિવેદન બાદ હોબાળો 
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં લતીફ તથા અન્ય ગુંડાઓનું નામ લીધા બાદ ગૃહમાં હોબાળો થયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમાં કહ્યું હતું કે, ભાજપ અવારનવાર કહે છે કે અમદાવાદ લતીફના નામે ઓળખાતું હતું. તો ભાજપના શાસનમાં શહેરા, કુતિયાણા સહિતના વિસ્તારો કોના નામે ઓળખાય છે એ બધા જાણે છે. ત્યારે અમિત ચાવડાના નિવેદન બાદ શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે ઊભા થઈને વિરોધ કર્યો હતો. જેઠા ભરવાડ ઊભા થતાં જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની જેઠા ભરવાડને ‘બંધબેસતી પાઘડી કેમ કરો છો...’ તેવી ટકોર કરી હતી. આ બાદ વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો હતો. 

તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે - નીતિન પટેલ 
આ વચ્ચે વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટકોર કરીને કહ્યું હતું કે, તમે અને તમારા દાદાઓએ ગપ્પા મારીને ચલાવ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીની ટકોર બાદ કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘નીતિન પટેલ માફી માગે’ના સૂત્રોચ્ચારથી હોબાળો કર્યો હતો. ગૃહમાં ઉગ્ર હોબાળો થતા સાર્જન્ટને બોલાવવાની ફરજ પડી. તે છતાં કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગુંડાગીરી બંધ કરો...’ ના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ, ભાજપના ધારાસભ્યોએ વળતા સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના ધારાસભ્યોએ ‘કોંગ્રેસની તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી...’ નો સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, મેં કોઈ વ્યક્તિ કે તેમના દાદાના નામનો ઉલ્લેખ નથી કર્યો. આણંદ જિલ્લો નવો નથી, તેમની પેઢીઓ ચાલતી આવે છે. આણંદ જિલ્લો સમૃદ્ધ જિલ્લો છે. વર્ષોથી સમૃદ્ધ જિલ્લો છે. સરદાર પટેલ વખતે પણ સમૃદ્ધ હતો. મેં કોઈ વ્યક્તિ કે કોઈ મહાનુભાવ વિશે કોઇ ઉલ્લેખ કર્યો નથી. અધ્યક્ષને મારા શબ્દો ચકાસવા વિનંતી છે. 

ગેનીબેન વેલમાં બેસી ગયા 
આ બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ કહ્યું કે, નીતિન પટેલ જેવા સિનિયર્સ સભ્ય આ પ્રકારે શબ્દો બોલે તે યોગ્ય નથી. તેમણે માફી માંગવી જોઇએ. અમારી ઉંમર જેટલી સમયથી નાયબ મુખ્યમંત્રી આ ગૃહમાં છે. આ બાદ, વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પોતાની જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર જતા જતા પણ ‘દાદાગીરી બંધ કરો’ના સૂત્રોચ્ચારો કર્યા હતા. તો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વેલમાં બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news