રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોજગાર મેળવવો હોય તો આ કોર્સમાં જોડાઓ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'ડિપ્લોમા ઈન ટૂરીઝમ' નામનો એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેના દ્વારા યુવાનો ક્વાલિફાઈડ ગાઈડ તરીકે નોકરી મેળવી શકશે 
 

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોજગાર મેળવવો હોય તો આ કોર્સમાં જોડાઓ

અતુલ તિવારી/ અમદાવાદઃ ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ આજે પુરબાહરમાં ખીલી ઉઠ્યો છે અને દેશ-વિદેશના સહેલાણીઓ મોટી સંખ્યામાં ગુજરાતમાં ફરવા આવતા થયા છે. રાજ્યમાં અનેક સાઈટ સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક વારસાનો દરજ્જો ધરાવે છે, તો કેટલાક મંદીરો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. આ જોઈને સરકારે હવે પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે રોજગાર પેદા કરવા માટે એક અનોખી યોજના બનાવી છે.  

રાજ્યમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થાય અને વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ રોજગારી મળી રહે તેના ભાગરૂપે રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત યુનીવર્સીટી દ્વારા આ વર્ષથી 'ડિપ્લોમા ઈન ટુરીઝમ' નામનો કોર્સ શરુ કરવા જઈ રહી છે. આ અભ્યાસ માટે ફી પેટે વિદ્યાર્થીએ માત્ર રૂપિયા 10,000 જ ભરવાના રહેશે. આ અભ્યાસ કરેલા યુવાનોને રાજ્યમાં ક્વોલીફાઈડ ગાઈડ તરીકેની નોકરી સરળતાથી મળી જશે. 

'ડિપ્લોમા ઈન ટુરીઝમ' નામના કોર્સની યુનિવર્સિટીની ફી તો રૂ.45,000 નક્કી કરવામાં આવી છે, પરંતુ તેમાંથી સરકાર વિદ્યાર્થીદીઠ રૂ. 35,000 ભોગવશે. જ્યારે વિદ્યાર્થીએ આ અભ્યાસ કરવા માટે ગુજરાત યુનીવર્સીટીને માત્ર રૂ. 10,000 જ ચુકવવાના રહેશે. 

આ કોર્સ શરુ કરવા અંગે ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, અમદાવાદને હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, રાજ્યમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને સાથે જ અનેક વિશ્વવિખ્યાત ધાર્મિક સ્થળો આવેલા છે. રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે, જેની સામે વિદેશી પ્રવાસીઓ માટે યોગ્ય ગાઈડની અછત છે. જેને આ કોર્સના માધ્યમથી પૂરી કરી શકાશે અને યુવાનો માટે રોજગારનો એક નવો વિકલ્પ ઊભો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news