ગુજરાત યુનિવર્સીટી બન્યું ખિસ્સા ભરવાનું ખુલ્લું ખેતર, ખેડો અને લણી લો રૂપિયા

Gujarat University Scam : ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોનો બીજો ધડાકો આ રહ્યો... ગુજરાત યુનિવર્સિટી કેવી રીતે કમાણી કરવાનો અડ્ડો બની ગઈ છે તેના આ પુરાવા પર નજર કરવા જેવી છે

ગુજરાત યુનિવર્સીટી બન્યું ખિસ્સા ભરવાનું ખુલ્લું ખેતર, ખેડો અને લણી લો રૂપિયા

Gujarat Education System Fail અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીના કારસ્તાનોનો એક બાદ એક પીટારો ખૂલી રહ્યો છે. જે નેતા આવે એ ખુલ્લું ખેતર સમજીને ખેડીને રૂપિયા લણી રહ્યો છે. એટલા કૌભાંડો થયા છે કે તેની ગણતરીઓ ઓછી પડે. ગુજરાત યુનિ. એ કમાણીનો ધીકતો ધંધો છે. એમાં થતા કામો અને એના કમિશનોમાં અનેક નેતાઓએ બંગ્લા બાંધી દીધા છે. મળતિયાઓને નોકરી અને લાખોના પગારો અહીં સામાન્ય બની ગયા હોવાની પણ ચર્ચાઓ છે. ઘણા લોકોએ અહીંના ભથ્થાઓ થકી વિદેશમાં પણ સ્થાયી થવાનાં સપનાં જોઈ લીધા છે. હવે ધીમે ધીમે આ યુનિ.ના કૌભાંડો ખૂલતાં સરકાર પણ સતર્ક બની છે. આગામી દિવસોમાં ગુજરાત યુનિ.માં ચાલતા ગોરખધંધાઓ સામે મોટા પગલાં ભરાય તો પણ નવાઈ નહીં.

બિલ પાસ કરાવવા સાહેબને ટકાવારી તો આપવી પડશે, નહીં તો બીલની ફાઈલ શોધતા રહેજો...
ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વડાથી નાનામાં નાનો કર્મચારી પરેશાન. ગુજરાત યુનિવર્સિટીના આ સાહેબ પાસે નાનામાં નાના બિલો પર સહી કરવાની સત્તા. પરંતુ એક સમયે એવો એહસાસ થાય કે, આ સત્તાનો તેઓ ખૂબ જ યોગ્ય રીતે ઉપયોગ કરતા હશે. જો કે કર્મચારીઓ સાથે વાત કરો એટલે તમામ ભ્રમ દૂર થઈ જાય. સિક્યોરિટી ગાર્ડ પણ કહી દે તમને કે 100 રૂપિયાનું બિલ પાસ કરાવવું હોય તો તમારે 10 ટકા તો આપવા જ પડશે સાહેબને નહીં તો ફાઇલ શોધો. જો તમે સાહેબને સહી કરવા માટે જલ્દીથી ટકાવારી આપી દો તો ફાઇલ ઝડપથી ચાલે, નહીં તો ફાઈલને શોધવી પડે, એ વાત નક્કી. એકવાર ફાઇલ ખોવાય એટલે કર્મચારી સમજી જાય કે ફાઈલ ટકાવારી વગર બહાર નહીં આવે. આ સાહેબ લાખોનો પગાર લેવા છતાં નાનામાં નાના કર્મચારી પાસેથી ટકાવારી વસૂલી લે છે. જે અંગે સમગ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ હસતા હસતા બધુ જ કહી દે. સાહેબના આ વ્યવહારને કારણે ગુજરાત યુનિવર્સીટીના કર્મચારીઓમાં ખૂબ અસંતોષ છે પણ સત્તા સામે કોણ બોલે. કર્મચારીઓ ધીરેથી કહેતા હોય છે કે, જો બીલની સહિમાં ભાગ ના મળે તો સાહેબના પેનની ઈંક સૂકાઈ જાય છે, ભાગ મળતા જ તમારું બિલ તરત જ પાસ થઈ જાય.

ગુજરાત યુનિવર્સિટીનો એ વિભાગ જે લાખોનો હપ્તો ચૂકવતો હોય તેવી ચર્ચાઓ ગુજરાત યુનિવર્સિટીમાં તેજ
ગુજરાત યુનિવર્સીટીમાં ખૂબ જાણીતો એક વિભાગ છે. આ વિભાગમાંથી સમયાંતરે યુવા સિન્ડિકેટને હપ્તો ચુકવવામાં આવે છે તેવી ચર્ચા ગુજરાત યુનિવર્સીટીમાં કામ કરતા કર્મચારીઓમાં ચર્ચાઈ રહી છે. આ હપ્તો હજારોમાં નહીં પરંતુ લાખોમાં ચુકવવામાં આવતો હોવાની વાત સાંભળવા મળે છે. 20 લાખ રૂપિયાનો હપ્તો ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં ચાલતા આ વિભાગમાંથી એવા તો કયા દબાણને વશ થઈને આપવામાં આવે છે એ પણ ચર્ચાનો વિષય બન્યું છે. આ યુવા સિન્ડિકેટ એવી તો કેવી ક્ષમતા ધરાવે છે કે, એક વિભાગ તેમને લાખોનો હપ્તો આપવા મજબૂર બન્યું છે. ગુજરાત યુનિવર્સીટીના આ યુવા સિન્ડિકેટને કોઈપણ જાતની બીક ના હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. 20 લાખ રૂપિયા જો એકમાત્ર વિભાગ ચૂકવતો હોય તો આ વિભાગની આવક શુ હશે અને અન્ય આર્થિક વ્યવહારો કેવી રીતે થતા હશે એ પણ ગુજરાત યુનિવર્સીટીમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વિદેશથી યુવાનોને ગુજરાતમાં અભ્યાસ માટે લાવવા કરોડોનો ખર્ચ થાય પરંતુ ગુજરાત યુનિવર્સીટીએ IELTS ચલાવવા ખાનગી સંસ્થાને લાયસન્સ આપી દીધું, નવા કુલપતિએ બ્રેક લગાવી દીધી...
રાજ્ય સરકાર વિદેશમાં રોડ શો કરે છે, ઉદેશ હોય છે કે વધુમાં વધુ વિદેશી યુવાનો ગુજરાતમાં અભ્યાસર્થે આવે. પરંતુ રાજ્યની સૌથી જૂની અને મોટી ગુજરાત યુનિવર્સીટી એ તો ગુજરાતી યુવાનોને જ વિદેશ મોકલવા માટે અભ્યાસ કરવાની શરૂઆત કરી દીધી. IELTS નો કોર્સ ખાનગી એજન્સીને ચલાવવાનો પરવાનો આપવામાં પણ યુવા સિન્ડિકેટ સભ્યે મોટી ભૂમિકા ભજવી હતી. જેની મદદથી કેમ્પસમાં ખાનગી સંસ્થાને જગ્યા અપાઈ અને વિદ્યાર્થીઓ પાસેથી 10 હજાર ફી વસૂલવાની શરૂઆત થઈ. આ કોર્સ ચલાવવા પાછળ પણ ખાનગી એજન્સી સાથે યુવા સિન્ડિકેટ સભ્ય જોડાયેલા હોવાની ચર્ચાઓ સતત સાંભળવા મળે છે. IELTS નો અભ્યાસ શરૂ થયો છે એ અંગે 100 થી વધુ સાઈન બોર્ડ એ સમયે સમગ્ર કેમ્પસમાં લગાવી દેવાયા હતાં. હજુય કેટલાક બોર્ડ નજરે પડે છે. આ બોર્ડ કોણે લગાવ્યા, ગુજરાત યુનિવર્સિટીએ કેમ IELTS નો કોર્ષ શરૂ કરવો એ અંગે તત્કાલિન કુલપતિને પૂછતાં તેઓ કાંઈ ના જાણતા હોવાનું કહ્યું હતું તો એસ્ટેટ અધિકારી પોતે પણ IELTS ના બોર્ડ કોણે લગાવ્યા છે એ વાતથી અજાણ હોવાનું રટણ કરતા હતા. જો કે આ કોર્ષ હવે કેમ્પસમાં ના ચલાવવાનો નિર્ણય નવા કુલપતિએ કર્યો છે. પરંતુ ત્યાં સુધીમાં યુવા સિન્ડિકેટ સભ્યની મદદથી ખાનગી સંસ્થાએ સરકારી કેમ્પસમાં IELTS નો કોર્ષ શરૂ કરી એક બેચની ફી વસૂલી લીધી છે.

 

ખાનગી સંસ્થાઓને ગુજરાત યુનિવર્સીટીમાં લાવવા ચાલુ બેઠકમાં એજન્ડા મૂકીને પાસ કરાવી દબદબો બનાવવામાં આવ્યો 
ગુજરાત યુનિવર્સીટીમાં શૈક્ષણિક અથવા વહીવટી નિર્ણયો કરવા માટે એક્ઝિક્યુટિવ તેમજ એકેડેમિક કાઉન્સિલની બેઠક મળતી હોય છે. આ બેઠકમાં છેલ્લા કેટલાક સમયથી યુવા સભ્યોનો દબદબો જોવા મળ્યો છે. આ દબદબાને કારણે વિદ્યાર્થી કે સરકારને લાભ થયો હોય તો સારી વાત કહેવાય. પરંતુ આ યુવા સભ્યોએ તો ગુજરાત યુનિવર્સીટીને ખેતર સમજી લીધું હોય એમ ખેતી કરતા હોવાનું ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સીટીમાં બેઠક મળે એ પહેલાં જ એજન્ડા નક્કી થતા હોય છે પણ આ યુવા સિન્ડિકેટ ચાલુ બેઠક દરમિયાન એજન્ડા બદલી પોતાના મુદાઓનો સમાવેશ બેઠકમાં કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ એવા એજન્ડા હોય છે, જે અંગે અગાઉ કોઈ ચર્ચા થઈ હોતી નથી અને બેઠકમાં એજન્ડાને પાસ કરાવી લેવામાં આવે છે. જેમાં માત્ર આર્થિક લાભ જ જોવાતા હોય છે. આ યુવા સિન્ડિકેટ સભ્ય પોતાનું કામ સીધી અથવા તો દબાણ કરીને પોતાની મરજી મુજબ બેઠકમાં કરાવી લે છે. સમગ્ર તંત્ર વિરોધ હોય તોય મૌન થઈને યુવા સિન્ડિકેટને સમર્થન આપી દે છે. વિરોધ હોય તોય સમયની રાહ જોયા સિવાય કોઈ પાસે વિકલ્પ જ રહ્યો ના હોવાનું કેટલાય સભ્યો સાથે વાત કરો એટલે કહેતા સાંભળવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news