શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાનો નિયમ શાળાઓ ઘોળીને પી ગઈ

રાજ્ય ભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ સાથે જ શિક્ષણ બોર્ડ તરફથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરીનો નિયમ લાગુ કરાયો છે... છતાં ઘણી શાળાઓમાં હાજરી પુરવાને લઈ ધાંધિયા જોવા મળી રહ્યા છે
 

શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાનો નિયમ શાળાઓ ઘોળીને પી ગઈ

અતુલ તિવારી/ અમદાવાદઃ રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ શિક્ષણ બોર્ડ તરફથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરીનો નિયમ લાગુ કરાયો છે. છતાં ઘણી શાળાઓમાં હાજરી પુરવા અંગે ધાંધિયા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની શાળાઓમાં શિક્ષકો હાજરી નહિં પૂરતા હોવાનું ધ્યાને આવતાં જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમોનું પાલન કરવા અમદાવાદની 20 શાળાઓના આચાર્યોને નોટિસ ફટકારી છે. રાજ્યમાં 400 જેટલા શિક્ષકો ઓનલાઈન હાજરી નથી ભરી રહ્યા. એવું લાગી રહ્યું છે, જાણે શાળાઓ ઓનલાઈન હાજરી પુરવાનો નિયમ ઘોળીને પી ગઈ છે.

ભૂતિયા વિદ્યાર્થીઓ બતાવી સરકારી લાભો મેળવતી શાળાઓ પર લગામ કસવા સરકાર દ્વારા નવા સત્રથી રાજ્યની શાળાઓમાં ઓનલાઈન હાજરી પુરવાનો નિયમ લાગુ કરાયો હતો. જોકે સત્ર શરુ થયાને 20 દિવસ બાદ પણ ઘણી શાળાઓ ઓનલાઈન હાજરી ન ભરતી હોવાનું ધ્યાને આવ્યું છે. જે શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન નથી ભરવામાં આવી રહી તેવી શાળાઓની જિલ્લા શક્ષણાધિકારીએ યાદી બનાવી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરની આવી 20 સ્કૂલના આચાર્યને ઓનલાઇન હાજરી ભરવા તાકીદ કરી છે. રાજ્યભરમાં 400 જેટલા શિક્ષકો ઓનલાઈન હાજરી નહિં ભરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે.

હાજરી પુરવાની વેબસાઈટમાં ખામી
સામે પક્ષે હાજરી પુરવાની વેબસાઈમાં ખામી હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે. વેબસાઇટ વાંરવાર હેંગ થઈ જવી, તેમજ હાજરી પૂરતા સમયે લોડ ન થતી હોવાની શાળાના આચાર્યો તરફથી ફરિયાદ કરવામાં આવી છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ હજુ તેમના નામ વેબસાઈટમાં અપલોડ કરાયા નથી, જેના કારણે ઓનલાઈન હાજરી પૂરી શકાઈ ન હોવાનું પણ શાળાઓએ એક કારણ જણાવ્યું છે. 

શાળાઓમાં 31 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોવાથી અને ઓનલાઈન હાજરી માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હોવાથી સંચાલકો ઓનલાઈન ભરવા વધુ એક મહિનાનો સમય માગી રહ્યા છે. જેથી સરળતાથી નિયમોનું પાલન કરી શકાય. 

શાળાઓ દ્વારા એવી માગ કરવામાં આવી છે કે હાજરી પુરવાના ઓનલાઈન તંત્રને હજુ થોડું વ્યવસ્થિત કરવાની જરૂર છે. શાળાઓમાં પણ આ અંગેની વ્યવસ્થા કરવા તેમણે સમય માગ્યો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news