ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા, પેટાળમાં થઈ રહી છે મોટી હલચલ

સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં ગુજરાતમાં 9 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા. જોકે આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા, પેટાળમાં થઈ રહી છે મોટી હલચલ

ઝી બ્યુરો/સુરત: તૂર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપે અનેક નિર્દોષ જિંદગીઓ વેરણછેરણ બનાવી દીધી છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના સમાચાર મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો ભારતનો 57 ટકા હિસ્સામાં ભૂકંપ આવવાની શક્યતાઓ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અને આજે બપોરે (શનિવાર) 1.51 કલાકે કચ્છમાં ભૂકંપ અનુભવાયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે, પરંતુ ગુજરાતમાં એક જ દિવસમાં સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર દરિયામાં નોંધાયું હતું. જ્યારે હાલ બપોરે (શનિવાર) 1.51 વાગ્યે કચ્છના દૂધઈ ખાતે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દુધઈથી 25 કિલોમીટર દૂર નોર્થ વેસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ ભૂકંરની રિક્ટર સ્કેલ પર 3.7 ની તીવ્રતા નોંધાઈ છે. જેના કારણે ગુજરાતની જનતામાં ભૂકંપનો ડર બેસી રહ્યો છે. 

મહત્વનું છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે સુરત અને કચ્છમાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.  સૌરાષ્ટ્રના અમરેલીમાં આવેલા 3 ભૂકંપના આંચકાઓને લઈને બે અઠવાડિયાં પહેલાં મીતિયાળા ગામે સિસ્મોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતિયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.

તમને જણાવી દઈએ કે, સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં ગુજરાતમાં 9 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા. જોકે આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે.

તુર્કીના ભૂકંપની આગાહી કરનાર સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે હવે ભારત વિશે પણ આવો જ દાવો કર્યો છે. એક વીડિયોમાં ફ્રેન્ક કહે છે, 'આવનારા થોડા દિવસોમાં એશિયાના જુદા જુદા ભાગોમાં ભૂગર્ભ ગતિવિધિની સંભાવના છે. આ હિલચાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને હિંદ મહાસાગરની પશ્ચિમ બાજુએ થઈ શકે છે. 

ભારત તેમની વચ્ચે હશે. એટલે તુર્કી જેવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા છે. આગામી થોડા દિવસોમાં ચીનમાં ભૂકંપ આવી શકે છે. જોકે તેની આગાહીમાં ફ્રેન્કે ન તો ભૂકંપની તીવ્રતા અને ન તો તારીખ જણાવી છે. નીચે જુઓ તેમની આગાહીનો વીડિયો...

— Muhammad Ibrahim (@miqazi) February 6, 2023

ભૂકંપના જોખમમાં છે ભારતના 59% વિસ્તાર
ભારતનો 59% વિસ્તાર ભૂકંપની સંભાવનાના કારણે ખતરામાં છે. આનો અર્થ એ થયો કે દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપની ઉચ્ચ સંભાવના ધરાવતા ચાર ઝોનમાં સામેલ છે. તેમાંથી 11 ટકા વિસ્તારો ભૂકંપ-પ્રોન ઝોન-5માં આવે છે એટલે કે સૌથી વધુ સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં આવે છે. તેમાંથી 18 ટકા વિસ્તારો ભૂકંપ ગ્રસ્ત ઝોન-4માં આવે છે, જ્યારે 30 ટકા ઝોન-2 અને ઝોન-3માં આવે છે. આવી સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે આપણા દેશમાં વિનાશક ભૂકંપનો ખતરો કેટલો છે.

કયું રાજ્ય કયા ભૂકંપ ઝોનમાં આવે છે?
ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ ખતરો હિમાલયના પ્રદેશોમાં છે. ભારતીય માનક બ્યુરોએ ભૂકંપના સંકટના સંદર્ભમાં દેશને 5 અલગ-અલગ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે. પાંચમો ઝોન દેશમાં સૌથી ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે. આ ઝોનમાં આવતા રાજ્યો અને વિસ્તારોમાં વિનાશનો ખતરો સૌથી વધુ છે.

ભૂકંપ ઝોન-5: આ ઝોન ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. આ ઝોનમાં કાશ્મીર ખીણ, પશ્ચિમ હિમાચલ, પૂર્વ ઉત્તરાખંડ, ગુજરાતનો કચ્છ પ્રદેશ, ઉત્તર બિહાર, ઉત્તરપૂર્વના તમામ રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.

ભૂકંપ ઝોન-4: જમ્મુ અને કાશ્મીરના ભાગો, ઉત્તરાખંડના ભાગો, લદ્દાખ, હિમાચલ અને હરિયાણા, પંજાબ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાત, પશ્ચિમ ઘાટ પર મહારાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારો આ ઝોનમાં સમાવેશ થાય છે.

ભૂકંપ ઝોન-3: ઉત્તર પ્રદેશ, લક્ષદ્વીપ, કેરળ, ગોવા, હરિયાણાના કેટલાક ભાગો, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના કેટલાક વિસ્તારો, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારો, પશ્ચિમ રાજસ્થાન અને ઝારખંડનો ઉત્તરીય ભાગ આ ઝોનમાં સામેલ છે. છે. મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોને પણ આ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

ભૂકંપ ઝોન-2: મધ્યપ્રદેશ, હરિયાણા, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક ભાગો આ ઝોનમાં આવે છે.

ભૂકંપ ઝોન-1: આ એવો ઝોન છે જેમાં ભૂકંપની શક્યતા ઘણી ઓછી હોય છે. દેશના બાકીના વિસ્તારો આમાં આવે છે.

દિલ્હીમાં આવી શકે છે 7ની તીવ્રતાનો ભૂકંપ 
દિલ્હીને જે ઝોનમાં રાખવામાં આવ્યું છે તેના કારણે અહીં 7 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે જો આમ થશે તો રાજધાનીમાં ભારે વિનાશ થશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રિપોર્ટ અનુસાર, જો દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર 6 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે. દિલ્હીમાં અડધાથી વધુ ઈમારતો ભૂકંપના જોરદાર આંચકાને સહન કરવામાં સક્ષમ નથી. જ્યારે, ઘણા વિસ્તારોમાં ગીચ વસ્તીને કારણે, મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news