એક સમય એવો આવશે કે દરિયો ગુજરાતને ગળી જશે... સરકારે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

Gujarat Sinking : સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતનો દરિયા કિનારો ધોવાયો..... 28 વર્ષોમાં ગુજરાતના દરિયા કિનારાનો 27.60 ટકા ભાગ ધોવાયો...... કેન્દ્ર સરકારે સંસદમાં આપી માહિતી....

એક સમય એવો આવશે કે દરિયો ગુજરાતને ગળી જશે... સરકારે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

Gujarat Sinking : દેશમાં સૌથી વધુ ગુજરાતનો દરિયા કિનારો ધોવાયો છે. છેલ્લા 28 વર્ષમાં ગુજરાતના દરિયા કિનારાનો 27.60% હિસ્સો ધોવાયો છે. રાજ્યસભામાં ડો.સી.એમ. રમેશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખુલાસો થયો છે. મંત્રી અશ્વિની ચોબેએ 1990થી 2018ના ડેટા પ્રમાણે જવાબ આપ્યો હતો. ડેટા અનુસાર, 28 વર્ષમાં દેશમાં દરિયા કિનારાનો 33.60% હિસ્સો ધોવાયો છે. દેશના દરિયા કિનારાનો 39.60% હિસ્સો સ્થિર છે જ્યારે 26.90 ટકા હિસ્સો વધ્યો છે. 

મહત્વનું છે કે, રાજ્યસભાના સત્ર દરમિયાન સાંસદ ડો.સી.એમ.રમશે મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને દેશના દરિયા કિનારાના ધોવાણ અંગે પ્રશ્ન કર્યો હતો. આ દરમિયાન વર્ષ 1990થી 2018ના સેટેલાઇટ ડેટા પ્રમાણે મંત્રીએ જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, 28 વર્ષમાં દેશમાં દરિયા કિનારાનો 33.60% હિસ્સો ધોવાયો છે. જ્યારે 39.60% હિસ્સો સ્થિર તેમજ 26.90% હિસ્સો વધ્યો છે. દેશમાં વિસ્તારની દ્રષ્ટીએ સૌથી વધુ ગુજરાતનો તટ 537.50 કિલોમીટર ધોવાયો છે...જ્યારે 422.94 કિલોમીટર સાથે તમિલનાડુ બીજા ક્રમે, 323.07 કિલોમીટર સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા ક્રમે, 294.89 કિલોમીટર સાથે આંધ્રપ્રદેશ ચોથા ક્રમે અને 275.33 કિલોમીટર સાથે કેરળ પાંચમા ક્રમે છે...

ગુજરાતમાં જમીન સંકટ પણ છે 
ઉત્તરાખંડના જોશીમઠમાં ઠેર ઠેર ધસી રહેલી જમીનથી સમગ્ર શહેરના અસ્તિત્વ પર સંકટ સર્જાયું છે. ઈસરોની સેટેલાઈટ તસવીરોમાં જોશીમઠના એક મોટા વિસ્તાર પર ધસી પડવાનું જોખમ હોવાની સ્પષ્ટતા કરાઈ છે. વાત અસરગ્રસ્તોના પુનર્વસન સુધી પહોંચી ગઈ છે. ત્યારે ઈસરોનાં અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરે શહેરને લગતો આંખો ઉઘાડતો રિપોર્ટ જાહેર કર્યો છે...રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારો દર વર્ષે અનેક સેન્ટીમીટર સુધી ધસી રહ્યા છે. જેનું કારણ છે દરિયાઈ ધોવાણ અને ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ.

આ પણ વાંચો : 

ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતેશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ મળીને આ સંશોધન રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર છે...110 કિલોમીટર લાંબા દરિયાકિનારાનું ધોવાણ થઈ ચૂક્યું છે, જ્યારે 49 કિલોમીટરના દરિયાકાંઠા પર ધસવાની પ્રક્રિયાની ઝડપ વધી છે. 

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિક રાકેશ દુમકાના અભ્યાસનું માનીએ તો અમદાવાદ દર વર્ષે 12થી 25 મીમી એટલે કે 1.25 થી 2.5 સેમી જેટલું ડૂબી રહ્યું છે. ભૂગર્ભ જળનું અનિયંત્રિત રીતે દોહન તેનું મુખ્ય કારણ છે. આ માટ ભૂગર્ભ જળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવવા પણ અપીલ કરાઈ છે. ઈસરોનાં અહેવાલનું માનીએ તો સમુદ્રનું વધતું જળસ્તર અને જળવાયુ પરિવર્તનથી જમીનોના બંધારણ બદલાઈ રહ્યા છે. 

આ પણ વાંચો : 

સંશોધન મુજબ ગુજરાતના 10 જિલ્લામાં દરિયાઈ ધોવાણ થઈ રહ્યું છે. કચ્છ, જામનગર, ભરૂચ અને વલસાડમાં જમીનનાં ધોવાણનું પ્રમાણ વધુ છે. કચ્છમાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે. જેનું કારણ દરિયાની જળસપાટીના તાપમાનમાં થયેલો વધારો છે. ખંભાતના અખાતની દરિયાઈ સપાટીના તાપમાનમાં 1.50 ડિગ્રી, સૌરાષ્ટ્રના દરિયાના પાણીનું તાપમાન 1 ડિગ્રી અને કચ્છના અખાતનું તાપમાન 0.75 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. તાપમાનમાં આ વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે. એક તરફ જ્યાં કાંપને કારણે ગુજરાતની જમીનમાં 208 હેક્ટરનો વધારો થયો છે. જો કે દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે 313 હેક્ટર જમીન ગુમાવી પણ છે.  

અમદાવાદમાં જમીનનું ધોવાણ વધુ થઈ રહ્યું છે. આ માટે રિપોર્ટમાં ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે. રિપોર્ટનું માનીએ તો 1969માં અમદાવાદ જિલ્લાનાં માંડવીપુરા ગામના આઠ હજાર અને ભાવનગરનાં ગુંદાળા ગામના 800 લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. ખેતીની જમીન અને ગામના કેટલાક ભાગો દરિયાના પાણીમાં સમાઈ જતાં લોકોને સ્થળાંતરની ફરજ પડી હતી..આટલું જ નહીં ખંભાતના અખાતનાં પશ્વિમ કાંઠે આવેલા અમદાવાદ અને ભાવનગરનાં કેટલાક ગામો પર પણ આવું જ જોખમ તોળાય છે. આ ગામોમાં બાવલયારી, રાજપુર, મિંગળપુર, ખુન, ઝાંખી, રાહતળાવ, કમા તળાવ અને નવાગામનો સમાવેશ થાય છે. ચોમાસામાં પૂર અને દરિયાના પાણીને કારણે આમાંથી મોટાભાગનાં ગામો રહેવા લાયક નથી રહેતાં.

આ પણ વાંચો : 

હવે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, વલસાડ અને નવસારીનાં ઘણા ગામમો પર આવું જોખમ તોળાય છે. દરિયાનું પાણી મકાનોમાં ઘૂસી જતાં ઉમરગામ તાલુકાનાં ઓછામાં ઓછા 15 હજાર લોકો પર જીવન અને રોજગારીનું જોખમ સર્જાય તેમ છે.  

રિપોર્ટમાં આ સ્થિતિનો ઉકેલ પણ સૂચવવામાં આવ્યો છે. રિપોર્ટનું માનીએ તોજમીનનું ધોવાણ અટકાવવા દમણની જેમ ગુજરાત સરકારે પણ ઉમરગામના દરિયાકાંઠે 22 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વૉલ બનાવવી જોઈએ. દમણના દરિયા કાંઠે 10 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂરતી માત્રામાં ભૂસપાટી પરનું પાણી ઉપલબ્ધ કરાવવા અને ભૂગર્ભ જળ ખેંચવા પર પ્રતિબંધ મૂકવાની પણ નિષ્ણાતોએ સલાહ આપી છે. જો આમ નહીં કરાય તો જોશીમઠનું ઉદાહરણ આપણી સામે જ છે..

ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમીનો વિસ્તાર ઓછા જોખમની શ્રેણીમાં છે. આ વિસ્તારો એવા છે જ્યાં દરિયાના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news