સીમકાર્ડની જેમ વિદ્યાર્થીઓ કરી શકશે કોલેજની પોર્ટેબિલીટી! સરકારી યુનિવર્સિટીઓ વચ્ચે ગઠબંધન

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે બહુ મોટો નિર્ણય કર્યો છે. જેને કારણે વિદ્યાર્થીઓને પડતી મોટી અગવડતામાંથી હવે રાહત મળશે. 

સીમકાર્ડની જેમ વિદ્યાર્થીઓ કરી શકશે કોલેજની પોર્ટેબિલીટી! સરકારી યુનિવર્સિટીઓ વચ્ચે ગઠબંધન

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યના શૈક્ષણિક ઇતિહાસમાં પહેલીવાર રાજ્ય સરકાર એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો સ્વીકાર કરશે. આ ટેનિકલ ભાષા છે પણ જો આપણે તેને એકદમ સરળ રીતે સમજવું હોય તો આ પ્રક્રિયા બિલકુલ મોબાઈલના સીમકાર્ડની કંપની ચેન્જ કરવા જેવું જ છે. જેને આપણે મોબાઈલ પોર્ટેબિલીટી કહીએ છીએ. એક પ્રકારે વિદ્યાર્થી મોબાઈલની જેમ જ કોલેજ કે યુનિવર્સિટી ચેન્જ કરી શકશે. એકેડમીક બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત વિદ્યાર્થી એક સેમેસ્ટર બાદ રાજ્યની કોઈપણ અન્ય સરકારી યુનિવર્સિટીમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી શકશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિની મળેલી બેઠકમાં ABC નો સંવૈધાનિક રીતે સ્વીકાર કરાયો છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યુંકે, આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો અમલ કરાશે. એકેડમીક બેંક ઓફ ક્રેડિટની મદદથી વિદ્યાર્થી એક કરતા વધુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી શકશે. પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવ્યા બાદ અન્ય કોઈપણ સેમેસ્ટરમાં અભ્યાસ માટે બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. એકવાર અભ્યાસ શરૂ કર્યા બાદ અંગત કારણસર અભ્યાસ અધૂરો રહી જાય તેવા વિદ્યાર્થીઓ થોડા વર્ષ બાદ ફરી અભ્યાસ શરૂ કરી શકશે. 

ખાસ વાત એ પણ છેકે, એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો સાત વર્ષ સુધી વિદ્યાર્થીને લાભ મળી શકશે. સમગ્ર યુનિવર્સિટીઓનું પોતાનું ક્રેડિટનું માળખું હશે. તમામ યુનિવર્સિટીમાં 80 ટકા કોર્ષ સમાન હશે, 20 ટકા કોર્ષ સ્થાનિક વૈવિધ્ય મુજબ રાખવાનો રહેશે. વિદ્યાર્થી એકથી બીજી ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માગે તો ABC નો લાભ મેળવી શકશે.

જે તે યુનિવર્સિટીમાં જે ફેકલ્ટીમાં અભ્યાસ ચાલતો હશે, એ વિષય મુજબ ક્રેડિટ તૈયાર થશે. રાષ્ટ્રીય સ્તરે UGC માં રાજ્યની 9 યુનિવર્સિટીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એકવાર અભ્યાસ છોડ્યા બાદ 7 વર્ષ સુધી વિદ્યાર્થી એકેડમીક બેંક ઓફ ક્રેડિટની મદદથી અભ્યાસ ફરી શરૂ કરી શકશે. અલગ અલગ યુનિવર્સિટીઓની સ્ટ્રેંથનો વિદ્યાર્થીઓ લાભ મેળવી શકશે. AICTE નાં કોર્ષ માટે પણ ક્રેડિટ ટ્રાન્સફરનો સ્વીકાર કરાયો છે.

વિદ્યાર્થીનાં પ્રથમ એનરોલમેન્ટ મુજબ અંતમાં જે તે યુનિવર્સિટી ખાતેથી તેને ડિગ્રી આપવામાં આવશે. ડ્યુઅલ અને ડિગ્રી કોર્સીસમાં પણ એકેડમીક બેંક ઓફ ક્રેડિટને કારણે લાભ થશે. નોકરીમાં જે વાલીઓની બદલી થતી હોય છે એવા વાલીઓના બાળકોને સીધો લાભ થશે. એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવા માટે લેવું પડતું માઇગ્રેશન સર્ટીફીકેટથી વિદ્યાર્થીઓને મુક્તિ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news