ગુજરાત પોલીસ કેમ બિઝનેસમેનોની બને છે ગુલામ? 2 SP, 3 DySP સહિત 19 સામે ફરિયાદ

પોલીસ પૈસાની લાલચમાં ઉદ્યોગપતિઓની સેવામાં લાગી જાય છે. સામાન્ય માણસને ન્યાય મેળવવા કોર્ટના ધકકા ખાવા પડે તેનાથી મોટો અન્યાય કેવો હોઈ શકે. આ કેસમાં સુપ્રીમના આદેશ બાદ ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલશ ભંડારી અને અનુરાગ ભંડારી સહિત 2 DSP, 3 DySP અને એક PSI સહિત 19 સામે સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધી છે.

ગુજરાત પોલીસ કેમ બિઝનેસમેનોની બને છે ગુલામ? 2 SP, 3 DySP સહિત 19 સામે ફરિયાદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ શરમ કરો હવે ગુજરાત પોલીસ કાર્યવાહી કરવાને બદલે મોટા બિઝનેસમેનોની જી હજૂરી કરી રહી છે. હર્ષ સંઘવી ભલે પોલીસતંત્રની પીઠ થપથપાવે પણ ગુજરાતમાં બહાર આવી રહેલા કેસો પોલીસતંત્રની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યાં છે. કેડિલાના સીએમડી રાજીવ મોદીના કેસમાં પોલીસ સામે આક્ષેપો ઓછા હોય તેમ આજે ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓ સહિત 19 સામે ફરિયાદ નોંધાઈ છે. 7-7 વાર પોલીસ સ્ટેશનના ધક્કા અને ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં ઇલેક્ટ્રોથર્મના માલિકને છાવરતી સરકાર અને ગુજરાત પોલીસને આખરે સુપ્રીમ કોર્ટે લપડાક આપી છે. એક ફરિયાદીએ ન્યાય મેળવવા માટે છેક સુપ્રીમ સુધી લડવું પડે એનાથી વધુ શરમજનક બાબત બીજી શું હોઈ શકે. 

પૈસાની લાલચમાં પોલીસ આ શું કરી રહી છે?
પોલીસ પૈસાની લાલચમાં ઉદ્યોગપતિઓની સેવામાં લાગી જાય છે. સામાન્ય માણસને ન્યાય મેળવવા કોર્ટના ધકકા ખાવા પડે તેનાથી મોટો અન્યાય કેવો હોઈ શકે. આ કેસમાં સુપ્રીમના આદેશ બાદ ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલશ ભંડારી અને અનુરાગ ભંડારી સહિત 2 DSP, 3 DySP અને એક PSI સહિત 19 સામે સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધી છે. 300 કરોડની લોન લઈ પૂરા પરિવારને પતાવી દેવાના અને ફરિયાદીને ગોંધી રાખીને તેની પાસેથી ગાડીઓ, પૈસા, જમીન અને ડમ્પર સહિતની ચીજવસ્તુઓ લખાવી લેવાના આ કેસમાં સૌથી મોટી બાબત એ છે કે એક પીએસઆઈ ફરિયાદીના પત્નીના લમણે બંદૂક મૂકીને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરે તેનાથી મોટો અન્યાય કયો હોઈ શકે.

2 SP, 3 DySP અને એક PSI પણ આ કેસમાં આરોપી બની ગયા...
આ કેસ એટલો મોટો છે કે 2 SP, 3 DySP અને એક PSI પણ આ કેસમાં આરોપી બની ગયા છે. ગુજરાત પોલીસે આ કેસમાં શૈલેશ ભંડારીને બચાવવા જે ખેલો પાડ્યા છે એની વિગતો જાણીને તમે પણ ચોંકી જશો. ઈલેક્ટ્રોથર્મના માલિક સામે અનેક કેસો હોવા છતાં પણ પોલીસ તંત્ર આ બિઝનેસમેન સામે ઘૂંટણીયે પડ્યું હોય તેમ કાર્યવાહી ન કરતાં આખરે 2015ના આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ થઈ છે. ફરિયાદી એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન ધક્કા ખાતા રહ્યો છે. એને ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કાવતરું પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિકોએ ઘડ્યું હતું હવે તેનો ખુલાસો થયો છે. આ તો માત્ર એક જ કેસ છે ગુજરાત પોલીસના અધિકારીઓ કેમ તોડ પાણીમાં રચ્યા પચ્યા રહે છે એ સૌથી મોટો સવાલ છે. તરલ ભટ્ટે કરેલા કાંડ ઓછા હોય તેમ આ કેસે ગુજરાત પોલીસ સામે સીધા સવાલો ઉભા કર્યા છે. 

કોની સામે ફરિયાદ?
શૈલેશ ભંડારી     ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક

અનુરાગ મુકેશ ભંડારી    ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક

સંજય જોષી        એચઆર જનરલ મેનેજર 

બલદેવ રાવલ        સિક્યુરિટી ઈન્ચાર્જ અમદાવાદ

અમિત પટવારિકા    અમદાવાદ
હિતેશ સોની        અમદાવાદ
શ્રીધર મુલચંદાણી    અમદાવાદ
અનિલ દ્રિવેદી    વડોદરા
બંક્ત સોમાણી     અમદાવાદ

મહેન્દ્ર પતીરા     દક્ષિણ બોપલ

પવનગૌર         દક્ષિણ બોપલ

શિવમ પોદાર      ગાંધીધામ

6 સિક્યુરિટીવાળા    ઈટી કંપની અમદાવાદ
PSI એન કે ચૌહાણ    આદીપુર
DYSP    વી. જે. ગઢવી        ગાંધીધામ
DYSP    ડીએસ વાઘેલા    અંજાર
DYSP આરડી દેસાઈ    ભચાઉ
DSP    જીવી બારોટ    ગાંધીધામ
DSP ભાવના બેન પટેલ    ગાંધીધામ સહિત 19 સામે આજે સીઆઈડીક્રાઈમ કચ્છમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે, પોલીસ સંત્રની ભૂમિકાનો આ ફરિયાદમાં ઉલ્લેખ નથી. આ તમામ તત્કાલિન અધિકારીઓ છે.

આ કેસની વિગતો આવી છે કે, પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણી ૪૮, ધંધો:- કન્સલટીંગ, રહે.બંગલો નંબર:- ૦૪. નવરત્ન ડ્રીમ, સર્વે નંબર:-૧૩૫, હોલીડે વિલેઝ રીસોર્ટની પાછળ, મેઘપર બોરીચી, તા. અંજાર, રૂબરૂમાં પૂછવાથી ફરિયાદ હકીકત લખાવું છું કે, હું મારા પરિવાર સાથે રહું છું. મારા પરિવારમાં બે પુત્રી અને પત્ની છે. જે બંને હાલે ધોરણ:-૧૨ અને ૧૧ માં અભ્યાસ કરે છે અને પત્ની નામે ખુશીબેન જ ઘર કામ કરે છે અને હું ધોરણ:- ૧૦ પાસ છું. 

પચ્ચાસવાર મારે નોકરી નથી કરવી તેવો ઈ-મેલ કરેલોઃ
હું તા ૦૧/૦૮/૨૦૧૧ થી હું સિનિયર લોજીસ્ટીકની પોસ્ટ પર ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં નોકરી પર કામ કરું છું જેમાં મારી કામગીરી કંડલા પોર્ટ, તુણા પોર્ટ, અદાણી પોર્ટ અને મુંદરા પોર્ટ તથા આજુ-બાજુની કંપનીમાંથી રો*મટીરીયલ કસ્ટમમાંથી કલીયર કરાવી અને માલ કંપનીમાં પહોંચાડવાનું હતું. તા.૦૩/૦૮/૨૦૧૧ ના રોજ મને કંપનીમાંથી ઈમ્પોર્ટ, એક્ષપોર્ટ, ઈનવાઇઝ, બીલ ઓફ એન્ટ્રી, શીપીંગ બીલ, ઓકટ્રાય, એક્સાઈઝ, ડી.જી.એફ.ટી., એડવાન્સ લેશનના સેન્ટ્રલ એકસાઇઝ લેટર અને કસ્ટમના ડોકયુમેન્ટ વિગેરે પર સહી કરવાની પાવર ઓથોરીટી આપેલ હતી. તા. ૨૩/૧૧/૨૦૧૧ ના કલાક ૧૧/૫૮ વાગ્યે સામખિયાળીના એચ.આર.મેનેજર હિતેન્દ્ર બિટસને ઈ-મેઈલથી તથા સી.સી.માં અવિનાશ ભંડારી ( જોઇન્ટ એમ.ડી.) અને આર.પી.સિંગ (એચ.આર. મેનેજર) તથા બંકત સોમાણી (લોજીસ્ટીક મેનેજર અમદાવાદ) ને જાણ કરેલ કે, હું મારા આ પદ પરથી રાજીનામું આપું છું. તે દિવસે બપોરના કલાક ૧૫/૨૫ વાગ્યના અરસામાં હિતેન્દ્ર બિટસનો ઈ-મેઇલ આવેલ કે, સામખિયાળી મધ્યે આવીને તમે આ બાબતે ચર્ચા કરો. બાદમાં તા.૨૬/૧૨/૨૦૧૧ ના સવારના કલાક ૧૧/૫૫ ના અરસામાં મેં ઈ-મેઈલ દ્વારા જાણ કરેલ કે, મારે નોકરી નથી કરવી તથા તા.૧૬/૦૧/૨૦૧૨ ના તમે કોઇ માણસ મોકલાવો. જેથી હું આ ચાર્જ તેઓને સુપ્રત કરી આપું. આ બાબતે મેં લગભગ પચાસેક વખત ઈ-મેઇલથી મને નોકરી નથી કરવી તેવું જણાવેલું હતું. 

કંપનીને જણાવેલ પરંતુ કંપનીએ મને મારી નોકરીમાંથી છૂટો કર્યો ન હતો. મને નોકરીમાંથી મુક્ત કરવા માટે જોઈન્ટએમડી અવિનાશ ભંડારીને વોટ્સએપ પર જાણ કરી હતી.  જેઓને કહ્યું હતું કે મને નોકરીમાંથી છૂટા કરો અથવા મારી ટ્રાન્સફર કરી આપો  મારી કંપની દ્વારા 4 મેઈલ આઈડી બનાવેલા હતા. કંપનીમાં આવતી ટ્રાન્સપોર્ટ ગાડીઓના ભાવ શૈલેશ ભંડારી દ્વારા નક્કી થતા મારી ફક્ત વર્ક ઓર્ડર પર સહી કરવાનું હતું. 

હું કં૫નીના નામે 400 કરોડની લોન લઉં છું...
જાન્યુઆરી ૨૦૧૫ માં શૈલેષ ભંડારીએ મને કહેલ કે, આપણી કંપનીને પૈસાની જરૂર છે અને હું કં૫નીના નામે 400 કરોડની લોન લઉં છું. તેમજ પરવાર ઇનવેસ્ટ ટેડ કંપની પ્રાઇવેટ લીમીટેડ પરવાર આદીપુર કચ્છમાં તમે અને તમારી પત્ની બંને ડાયરેક્ટર બની જાઓ તે પછી શૈલેશ ભંડારીએ જસવંત પંચાલને બોલાવેલા હતા. અને કહેલ કે તમે પ્રેમભાઈને લઈ જાઓ અને આપણે એમને એમની પત્ની ખુશીબેનને કંપનીમાં ડાયરેક્ટર બનાવીએ છીએ. તે પછી હું કંપનીમાં ડાયરેક્ટર બનવા તૈયાર છું એવો ફોન મારી હાજરીમાં મુંબઈના મેઈન ડિરેક્ટર પરેશ પટેલને કરેલ. તે પછી કંપનીમાંથી જસવંતભાઈનો ફોન આવેલો ત્યારે મેં કહેલ કે માર્ચમાં ઓફિસ તૈયાર થઈ જશે પછી હું ભાડા કરાર બનાવીને મોકલી આપીશ. હવે મને યાદ આવે છે કે આ ભાડા કરાર મારા પત્નીના નામે બનાવવા માટે શૈલેશ ભાઈ ભંડારીએ ના પાડી હતી. કંપનીમાંથી મને જાણવા મળેલ કે શૈલેષ ભાઈ લોન લેવાના છે તે કાગળો તમારા નામે બનાવી તે પછી લોન લઈ તમારી પૂરી ફેમિલીને મારી નાખશે જેથી હું ગભરાઈ ગયો હતો. પરંતુ આ લોકો મને નોકરી પરથી મુક્ત કરતા ન હતા. બાદ નવેમ્બર 2015માં શૈલશ ભંડારીએ મને ફોનથી કહેલ કે મને આવીને મળો... જેથી 30 નવેમ્બરના રોજ હું તેઓના પીએને ફોન કરીને સમય માગ્યો હતો. 

હું અમદાવાદ જવા નીકળ્યો પછી...
1 ડિસેમ્બરના રોજ હું સવારમાં મારા ડ્રાઈવર સીયાઝ ગાડીથી અમદાવાદ જવા નીકળ્યા હતા. ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ આદીપુર પાસે પહોંચતાં મારી ગાડીની આગળ ઈનોવા ગાડી આવી ગઈ હતી. જેમાંથી 2 અજાણી વ્યક્તિ જે ઈલેક્ટ્રોથર્મ કંપનીના જે સિક્યુપિટી ગાર્ડનો યુનિફોર્મ પહેરેલો હતો. જેઓએ બંદુક બતાવીને મને કહેલ કે અમને શૈલેશ ભંડારી અને અનુરાગ ભંડારીએ મોકલેલા છે. જેઓ મને અમદાવાદ લાવ્યા હતા. ઓફિસમાં મને શૈલેશ ભંડારીએ ઓફિસ બહાર બેસાડીને અને બાદમાં વાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મારું અપહરણ કરી મારઝૂડ કરાઈ હતી. આ સમયે એક સિક્યુરિટી ગાર્ડે મને મદદ કરતાં હું ત્યાંથી ભાગી ગયો હતો. અને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી પણ આ સમયે શૈલેશ ભંડારીના માણસો આવી જતાં હું ત્યાંથી પણ ભાગી ગયો હતો. આ સમયે મને લેવા માટે મારા કૌટુંબિક સગા નરેશ મુલચંદાણી અને મનોજ લખવાણી આવ્યા હતા. 

ફરિયાદ કરવા માટે હું આદીપુર પોલીસ સ્ટેશને ગયો હતો...
આ મામલે ફરિયાદ કરવા માટે હું આદીપુર પોલીસ સ્ટેશને ગયો હતો. જેઓ મારી ફરિયાદ ન લેતાં પીએસઆઈ એનકે ચૌહાણને મેં ફોન કર્યો હતો. જેઓએ મને 3 દિવસ બાદ આવવા માટે જણાવ્યું હતું. એ સમયે મને જાણવા મળેલ કે મને અને મારી પત્નીને હેરાન કરવા માટે કંપનીના માણસ હિતેન્દ્ર બિટ્સને ઉભો કરી મેં કંપનીના હિસાબમાં કોઈ ગોટાળો કર્યો છે તેવી મારી પર ખોટી ફરિયાદ કરી હતી.  મેં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પણ મારી ફરિયાદ ન લેવાતાં મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફોજદારી પચૂરણ અરજી નંબર 1373/ 2016 વાળી દાખલ કરાવેલ અને જેમાં ગુન્હો બનતો હોઈ મેં નામદાર હાઈકોર્ટે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ પોલીસે મારી ફરિયાદ દાખલ ન કરતાં અને આદીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન કે ચૌહાણે 18 માર્ચ 2016ના રોજ મારા ઘરે આવી મારી પત્નીને પિસ્તોલ દેખાડી આ ક્લોઝર રિપોર્ટમાં સહી કરવા ધમકી આપી હતી. જે ક્લોઝર રિપોર્ટમાં મારી પત્નીએ સહી કરી આપી હતી. જે રિપોર્ટ તેઓએ 5 દિવસમાં તૈયાર કરી આપી દીધેલો. તે પછી પણ ખુશીબેનના એમ કેસ નંબર 571/ 2015નો પણ પીએસઆઈ એને ચૌહાણે ક્લોઝર રિપોર્ટ બનાવી દીધો હતો. તેમજ મુકેશ ક્રિપલાણીએ કરેલ એમ કેસ નંબર 01/ 2015નો પણ એન કે ચૌહાણે ક્લોઝર રિપોર્ટ ભરી દીધો હતો. આ સમયે તપાસ કરતાં વિગતો જાણવા મળી હતી કે એન કે ચૌહાણના પુત્રને કંપનીમાં નોકરી રાખી દીધો છે. જેથી મેં અને મારી પત્નીએ 2016માં  નોટિસ આપી હતી. 

ક્લોઝર રિપોર્ટ કેમ ભરી દેવાતો હતો?
આ લીગલ નોટિસ બાબતે અલગ અલગ ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. આ કેસમાં ડીવાયએમસપી અંજાર વિભાગનાએ ડીએસ વાઘેલાએ પણ ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ સિવાય એસપી ભાવના પટેલ પૂર્વ કચ્છ ગાંધીધામે પણ ક્લોઝર રિપોર્ટ ભર્યો હતો. જેથી નારાજ થઈને મારી પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે કોર્ટના 2017ના રિપોર્ટમાં પણ પોલીસે કંઈ કર્યું ન હતું. ફોજદારી પરચૂરણ અરજી સામે પણ એન કે ચૌહાણે ક્લોઝર રિપોર્ટ આપતાં હું નામદાર હાઈકોર્ટમાં ગયો હતો. 2017માં પણ ગાંધીધામના ડીવાયએસપી વી. જે ગઢવીએ પણ ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. આ ક્લોઝર રિપોર્ટ સામે મેં 1500 પાનાના કાગળો જોડ્યા હતા. જેની અધિકારીને પણ જાણ કરી હતી. 

હું અને મારી પત્નીએ પીએસઆઈ આદિપુર પોસ્ટે અને જીવી બારોટ એસપી પૂર્વ કચ્છ ગાંધીધામને સીઆરીસી કલમ 197 મુજબની લિગલ નોટિસ આરપીએડી પોસ્ટ મારફતે ડીજીપી સાહેબ અને હોમ ડિપાર્ટમેન્ટને મોકલી હતી. તેમજ વિષ્ણુદાન ગઢવી પીએસક્યું, ડીવાયએસપી, એસપી ભાવના પટેલ અને ડીવાયએસપી અંજાર ડીએસ વાઘેલાએ હોમ ડિપાર્ટમેન્ટને ક્લોઝર રિપોર્ટ આપેલ હતો. નામદાર હાર્કોર્ટના જજ સોનિયાબેન ગોકાણીની કોર્ટનો ફરિયાદ દાખલ કરવાનો આદેશ હોવા છતાં મેં મોકલેલ રજીસ્ટર્ડ પોસ્ટ એડી મારફતે ડીજીપી સાહેબ અને હોમ ડિપાર્ટમેન્ટને મોકલેલ લીગલ નોટિસ મુજબની કામગીરી કરવા ઓર્ડરમાં હુકમ છતાં પણ છ પોલીસ અધિકારીઓએ મારી ફરિયાદ દાખલ કરી ન હતી અને તમામે ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. 2018માં ડીજીપી સાહેબને મેં કહેલ કે મને પોલીસ હેરાન કરે જેથી એક સીટની રચના કરાઈ હતી . જેનો પણ કોઈ નિવેડો આવ્યો ન હતો. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

આખરે સુપ્રીમ કોર્ટે કર્યો આદેશઃ
જેમાં આખરે સુપ્રીમે આદેશ કરતાં 3 ફેબ્રુઆરીના રોજ આ મામલે ફરિયાદ થઈ હતી. આમ 2015થી 2024 સુધી ન્યાય માટે લડતા એક વ્યક્તિને ગુજરાતના એક બિઝનેસ મેન અને પોલીસ કર્મીઓના ષડયંત્રમાં ન્યાય મળ્યો છે. આ કેસમાં સુપ્રીમ સુધી આ વ્યક્તિએ લડાઈ લડી હતી. ગુજરાતમાં પોલીસ પાસે હવે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખવી એ સૌથી મોટો સવાલ છે. આ કેસમાં ખંડણી, અપહરણ કોરા કાગળમાં સહીઓ કરાવી બળજબરી મિલકત લખાવી લઈ બળજબરીથી રોકડ પડાવી લેવાની પણ વિગતો છે. આ સિવાય સોનાના દાગીના 3 ડમ્પરો, 45 લાખ બેન્કમાંથી અને 10 લાખ રોકડા પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ છતાં યોગ્ય તપાસ ન કરી કાયદાની અવગણના કરી ગુનો કરવા બાબતે ફરિયાદ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news