ગુજરાત સરકારના કેટલાં મંત્રી કરોડપતિ? કેટલાં મંત્રી ઓછું ભણેલાં? જાણો કેટલાં મંત્રીઓ સામે છે ગુનો દાખલ
ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાંથી 4 મંત્રીઓ વિરૂદ્ધ ગુનાકિય કેસ નોંધાયેલા છે. જ્યારે આ ચારમાંથી એકની સામે ગંભીર ગુના હેઠળ FIR દાખલ છે.
ગુજરાત સરકારમાં 4 મંત્રી ગુનાકિય પૃષ્ઠભૂમિવાળા
17માંથી 16 મિનિસ્ટર્સ કરોડપતિ
અડધો ડઝનથી વધારે મંત્રીઓ અંડર ગ્રેજ્યુએટ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની જનતાએ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો જીતાડીને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. આજે ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રી મંડળના સભ્યોએ સત્તાવાર રીતે પોતાનો પદભાર પણ સંભાળી લીધો છે. ત્યારે આ મંત્રીઓમાં કેટલાં મંત્રીઓ કરોડપતિ છે? કેટલાં મંત્રીઓ ઓછું ભણેલાં છે અને કેટલાં મંત્રીઓ સાથે પોલીસ કેસ થયેલો છે અને ગુનો દાખલ થયેલો છે આ તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જોકે, અહીં આપવામાં આવેલી તમામ માહિતી આ ધારાસભ્યોએ પોતે જ પોતાના એફિડેવિટમાં આપેલી વિગતોના આધારે લેવામાં આવી છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે જ 16 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. આ નવનિયુક્ત મંત્રીમંડળમાં લગભગ 24 ટકા ગુનાકિય પૃષ્ઠભૂમિવાળા મંત્રીઓ છે. આ મંત્રીઓમાંથી એકની સામે ગંભીર ગુનાઓનો આરોપ છે. આ ઉપરાંત મંત્રીઓમાંથી 16 એટલે કે 94 ટકા કરોડપતિ મિનિસ્ટર્સ છે. ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાંથી 4 મંત્રીઓ વિરૂદ્ધ ગુનાકિય કેસ નોંધાયેલા છે. જ્યારે આ ચારમાંથી એકની સામે ગંભીર ગુના હેઠળ FIR દાખલ છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા મંત્રીઓ-
ભૂપેન્દ્ર પટેલ સરકારના 17 મંત્રીમાંથી 4 મંત્રી એટલે કે 24% મિનિસ્ટર્સ સામે ગુના દાખલ થયેલા છે. આ વિગત તેમના સોગંદનામા મુજબ જણાવવામાં આવી છે. આ મંત્રીઓમાં હર્ષ સંઘવી, પરષોત્તમ સોલંકી, રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર ગુના ધરાવતા મંત્રી 1 છે એટલે કે 6% છે. આ યાદીમાં એકમાત્ર પરષોત્તમ સોલંકનું નામ આવે છે જેમની સામે IPC 420, IPC 467 અને IPC 477 હેઠળ કેસ નોંધાયેલા છે. જૂના મંત્રીમંડળમાં 7 મંત્રીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા જેમાંથી 3 લોકો ઉપર ગંભીર ગુનાઓ દાખલ હતા.
શૈક્ષેણિક વિગત-
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શિક્ષણની વાત કરીએ રિપોર્ટ મુજબ 17માંથી 6 મંત્રી એટલે કે 35% મંત્રીઓ 8થી 12 ધોરણ સુધી પાસ છે. જ્યારે મંત્રીમંડળના 47 ટકા એટલે કે 8 મંત્રી ગ્રેજ્યુએટ છે, અથવા તેથી વધુ શિક્ષણ ધરાવે છે. જ્યારે માત્ર 3 મંત્રી જ એટલે ક 18% મિનિસ્ટર્સ ડિપ્લોમા હોલ્ડર છે.
17માંથી 16 મંત્રીઓ કરોડપતિ-
આ રિપોર્ટમાં મંત્રીઓની ગુનાકિય વિગત ઉપરાંત આર્થિક પૃષ્ભૂમિની વિગત પણ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ મંત્રીઓમાંથી 16 એટલે કે 94 ટકા કરોડપતિ મિનિસ્ટર્સ છે. મંત્રીઓની સરેરાશ સંપત્તિ 32.70 કરોડ છે. જેમાંથી સૌથી માલદાર મંત્રી બળવંતસિંહ રાજપૂત છે, જેમની પ્રોપર્ટીની કિંમત 372 કરોડ 65 લાખથી વધુ છે. માત્ર એક મંત્રી અને દેવગઢબારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડની મિલકત સૌથી ઓછી છે. મંત્રીની અચલ સંપત્તિ 92.85 લાખ છે.
નામ મતક્ષેત્ર શિક્ષણ વિગત
હર્ષ સંઘવી મજુરા 9 પાસ ટી એન્ડ વી હાઈસ્કૂલ, નાનપુરા સુરતથી વર્ષ 2001માં 9મું પાસ
મુળુભાઈ બેર ખંભાળિયા 10 પાસ ગ્રામ પંચાયત સ્કૂલ, ભાણવડથી વર્ષ 1983માં 10મું પાસ
ભીખુસિંહજી પરમાર મોડાસા 10 પાસ જુનું (ssc) ગુજરાત સેકન્ડરી બોર્ડમાંથી વર્ષ 1974માં પાસ કર્યું
બચુભાઈ ખાબડ દેવગઢબારિયા 10 પાસ જુુુનું (ssc) સાર્વજનિક હાઈસ્કૂલ ધાનપુરથી વર્ષ 1973માં પાસ
જગદીશ વિશ્વકર્મા નિકોલ FYBA ગુજરાત યુનિવર્સિટીથી FYBA 1993માં પાસ કર્યું
મુુકેશભાઈ પટેલ ઓલપાડ 12 પાસ GSEBથી 12મું વર્ષ 1992માં પાસ કર્યું
બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ગ્રેજ્યુએટ બરકત યુનિવર્સિટી ભોપાથી BA વર્ષ 2013માં પાસ કર્યું
ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય ગ્રેજ્યુએટ કણસાગરા કોલેજમાંથી BA કર્યું. LLBનું પ્રથમ વર્ષ કર્યું
પ્રફુલભાઈ પાનસુરીયા કામરેજ ગ્રેજ્યુએટ વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાંથી વર્ષ 2022માં MA પાસ કર્યું
કનુભાઈ દેસાઈ પારડી LLB સ્પેશિયલ ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 1977માં પાસ કર્યું
કુંવરજી બાળવિયા જસદણ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ બીએડ ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કર્યું
કુંંવરજી હળપતિ માંડવી ગ્રેજ્યુએટ પ્રોફેશનલ DBED ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ 1991માં પાસ કર્યું
રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય ગ્રેજ્યુએટ પ્રોફેશનલ LLB વર્ષ 1989માં, MA પાર્ટ-1 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 1993માં
ડૉ. કુબેરભાઈ ડિંડોર સંતરામપુર ડોક્ટરેટ વર્ષ 2012માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી PhD કર્યું
ઋષિકેશ પટેલ વિસનગર ડિપ્લોમા કેડી પોલીટેક્નિક પાટણથી સિવિલ એન્જિનિયરિંગ 1982માં પાસ
ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ડિપ્લોમા સરકારી પોલીટેક્નિક અમદાવાદથી સિવિલ એન્જિનિયરિંગ પાસ
પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય ડિપ્લોમા સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલ, મુંબઈથી ઈલેક્ટ્રિકલ એન્જિ.માં ડિપ્લોમા
ઉંમરની વિગત-
આ ઉપરાંત મંત્રીમંડળમાં 3 મંત્રી એટલે કે 18%ની ઉંમર 31થી 50 વર્ષ ઉંમરની છે, જ્યારે 14 મંત્રી એટલે કે 82% મંત્રીઓની ઉંમર 51થી 80 વર્ષની વચ્ચે છે. એટલે કે મંત્રીમંડળમાં અનુભવી અને વૃદ્ધ બંનેનો સમાવેશ કરાયો છે.
(નોંધઃ આ વિશ્લેષણ ઉમેદવારોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પંચ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામામાં આપેલી માહિતીના આધારે છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે