આજે સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરનો સ્થાપના દિવસ, જાણો જામનગરની જાણી અજાણી વાતો
જામનગરનો સ્થાપના દિવસઃ જામનગર...ગુજરાતનું એક એવું શહેર છે જેની સાથે સદીઓ જુનો વૈભવ, વારસો અને વિરાસત જોડાયેલી છે. ઈતિહાસની સાથો-સાથ ભવિષ્યની કેડી પણ અહીંથી નીકળે છે. જામનગરમાં દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી પણ આવેલી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે જામનગરનો 484મો સ્થાપના દિવસ છે. બરાબર આજના જ દિવસે એટલેકે, તિથિ મુજબ શ્રાવણ સુદ સાતમના દિવસે જામ રાવલે જામનગરની સ્થાપના કરી હતી. જેને છોટીકાશી પણ કહેવાય છે. એટલું જ નહીં આ શહેરની જાહોજલાલીના કારણે તેને સૌરાષ્ટ્રનું પેરિસ પણ કહેવામાં આવે છે. જામનગર એ નવાબો, રાજાઓ અને રાજવી પરિવારોનું શહેર છે. ત્યાં વર્ષો પહેલાં પણ વિદેશી મહેમાનોની અવરજવર રહેતી હતી. ગુજરાતના વિકાસમાં જામનગરનો પણ મોટો ફાળો છે. ત્યાંના રાજવી પરિવારોની પણ વિશેષ ભૂમિકા છે.
જામનગરની સ્થાપના કોણે અને ક્યારે કરી?
વિ.સં.1596ના શ્રાવણ માસની સુદ સાતમ અને બુધવારના રોજ સવારે સૂર્યોદય સમયે જામનગર રાજ્યના પ્રથમ રાજવી જામ રાવલજીના સ્વહસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખૂબ ધામધૂમથી ઉત્સવ મનાવી આ ભૂમિ પર થાંભલી રોપી આજના જામનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આ શહેરની સાથે સદીઓ પુરાણો ઈતિહાસ અને વારસો જોડાયેલો છે.
જામનગરનું નામ કઈ રીતે પડ્યું જામનગર?
જામ રાવલજી દ્વારા નવા સ્થપાયેલા નગરનું નામ નવાનગર નામે પ્રચલિત થયું હતું. જે પાછળથી તેના રાજવીઓની જામ તરીકેની ઓળખને કારણે જામનું નગર કે, જામનગર નામથી લોકબોલી દ્વારા હાલમાં આ શહેરનું જામનગર નામ અસ્તિત્વમાં આવ્યું હોવાનું જણાય છે. જામનગર શહેરની સ્થાપના રાજવી જામ રાવલજી દ્વારા રોપાયેલ થાંભલી સાથે શેષનાગની ફેણ અને પુછડીની વાત ઘણી પ્રચલિત થયેલી છે. જેની પાછળનું કારણ કદાચ આ ભૂમિ પર નાગદેવતાની પૂજાનું વિશેષ મહત્વ હોવાનું જણાય છે.
જામનગરને ક્યા કયા નામે ઓળખવામાં આવે છે?
ગુજરાતના મોટા શહેરોમાં જામનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરને છોટીકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ આ શહેરને નવાનગર કહે છે. તો કોઈ જામનગરને હાલાર તરીકે ઓળખે છે. કોઈ તેને હાલારની પવિત્ર ભૂમિ ગણે છે તો કોઈ જામનગરને ઈન્ડિયાના ઓઈલ સીટીના હુલામણા નામે ઓળખે છે. આ શહેરનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. આ શહેર આજે 483 વર્ષનું થયું.
કેમ અહીં બનાવવામાં આવી હતી રાજધાની?
આ ભૂમિ જામ રાવલજી દ્વારા તે સમયે કબ્જે કરાયેલા વિશાળ ભૂમિ વિસ્તારની મધ્ય ભાગમાં આવતી હોવાના કારણોસર અહીં આ નવી રાજધાની વસાવવામાં આવી હોવાનું જણાય છે. જામનગર શહેરની અહીં થયેલ આ સ્થાપના પહેલા પણ આ ભૂમિ ખાતે નાગની (નાગનેશ) નામે ધીકતું બંદરની ટાઉનશીપ હાલના નાગેશ્ર્વર વિસ્તારમાં અસ્તિત્વમાં હતી જ જે ઘુમલીના જેઠવા રાજવીઓની રાજસતાના કબજામાં આવતી હતી. જામ રાવલજીને અહીં જેઠવા રાજવીના લશ્કર સામે યુદ્ધ કરીને આ નાગની બંદરનો કબજો મેળવ્યો હતો.
આજે શહેરના સ્થાપના દિવસે રાજપૂત સમાજ દ્વારા જે સ્થાપનાની ખાંભી છે. તેની વિધિવત પૂજા કરવામાં આવે છે. જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે. જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટાકાશી નામથી ઓળખાય છે. તેમજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાર્ટ સહિત અનેક બાબતો માટે પ્રખ્યાત બન્યું છે.
જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવળ શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતું અને બાદ રાજ અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયામાં જામનગરને સ્થાન આપ્યુ. જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવુ આપીને અનોખી ઓળખ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે