ધૂળેટી ખેડૂતો માટે લાવી ધમાકેદાર ખબર, ગુજરાત સરકારે જગતના તાત માટે લીધો મોટો નિર્ણય

નાફેડ દ્વારા ગુજરાતમાં તા. ૯મી માર્ચથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે, જેના પરિણામે ખેડૂતોને સારા ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડુતોને તેનો વિશેષ લાભ થશે.

ધૂળેટી ખેડૂતો માટે લાવી ધમાકેદાર ખબર, ગુજરાત સરકારે જગતના તાત માટે લીધો મોટો નિર્ણય

ઝી બ્યૂરો, ગાંધીનગરઃ રંગોત્સવનો આ પર્વ ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર લઈને આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોના હકમાં મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારને કરેલી રજુઆતને મળ્યો આવકાર. કૃષિમંત્રીએ વિધાનસભામાં ડુંગળી સહાયની જાહેરાત કર્યા ઉપરાંત રાજ્યના ખેડુતોને વધુ રાહત અપાવવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાથે કરેલ પરામર્શને મળી સફળતા.

નાફેડ દ્વારા ગુજરાતમાં તા. ૯મી માર્ચથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે, જેના પરિણામે ખેડૂતોને સારા ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડુતોને તેનો વિશેષ લાભ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય મંત્રી શ્રી પિયુષ ગોયલનો રાજયના ખેડૂતો વતી આભાર માનતા કૃષિમંત્રી રાધવજી પટેલ. કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરીને ડુંગળી પકવતા ખેડૂતોને રૂ.૭૦ કરોડની સહાય આપવાની ગઈકાલે જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડુતોની ચિંતા સતાવતી હતી. જેનો ઉકેલ સાધવા ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા પણ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંકલનમાં રહીને કૃષિ મંત્રીએ ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ સાથે પરામર્શ કર્યો હતો. જેના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લઈને આગામી તા.૯મી માર્ચથી નાફ્રેડ દ્વારા ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પિયુશ ગોયલનો રાજયના ખેડૂતો વતી આભાર માનતા કૃષિ મંત્રીશ્રી રાધવજી પટેલે ઉમેર્યું કે, ભારત સરકારના નિર્દેશ પર નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ) ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. તેમજ ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે. 

કૃષિ મંત્રીની રજૂઆતને પગલે રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ વિભાગ (DOCA) એ નાફેડ દ્વારા  ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરેલ છે. નાફેડ દ્વાર ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં તા. ૯મી માર્ચથી ડુંગળીની ખરીદી શરૂ કરશે.

મંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા ખરીદી કરવાના લીધે ખેડૂતોને રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી તાત્કાલિક રાહત અને સારા ભાવનો લાભ મળશે. આ કેન્દ્રો ઉપર ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે. આ બાબતે ભારત સરકાર સાથે સંકલન સાધવામાં રાજ્યના ખેડુતોના હિતમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી દ્વારા મહત્વપૂર્ણ ભુમિકા ભજવવામાં આવી હોવાનું જણાવી કૃષિ મંત્રીએ તેમની સરાહના કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news