આપણું ગુજરાત: આ 2 ગામમાં માણસો તો છોડો...કૂતરાઓ પણ છે કરોડપતિ, વિગતો જાણી ખુશ થઈ જશો
Gujarat News: સામાન્ય રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કૂતરાંઓ પણ કરોડપતિ હોય. જી હા... આ વાત એકદમ સાચી છે. વધુ વિગતો માટે ખાસ વાંચો આ અહેવાલ.
Trending Photos
Gujarat News: સામાન્ય રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કૂતરાંઓ પણ કરોડપતિ હોય. જી હા... આ વાત એકદમ સાચી છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુશકલ ગામ અને મહેસાણા જિલ્લાના પંચોટ ગામમાં કૂતરાઓ પણ કરોડપતિ છે. બનાસકાંઠાના આ ગામમાં કૂતરાંના નામે કરોડોની જમીન છે. આ જમીનના ભાવ દિવસેને દિવસે વધતા આ ગામના કરોડપતિ કૂતરાઓ દિવસેને દિવસે વધુ માલદાર થતા જાય છે. જ્યારે પંચોટ ગામમાં કૂતરાઓના નામે 22 વિઘા જમીન છે.
શું છે કૂતરાઓનું ‘કરોડપતિ' પાછળનું કારણ
બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું 7000 જેટલી વસ્તી ધરાવતું કુશકલ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે. અહીં મોટાભાગના સમાજ સમાજના પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે. આ ગામમાં આશરે 600 જેટલા મકાનો આવેલા છે. આ ગામના લોકો પાસે જમીન જાગીરી હોવાથી ગામના અનેક લોકો કરોડપતિ હશે. પરંતુ નવાઈની વાત એ છે કે આ ગામમાં કૂતરાંઓ પણ કરોડપતિ છે. કારણ કે આ ગામમાં કૂતરાંઓના નામે 20 વીઘા જેટલી જમીન આવેલી છે અને જેનો ભાવ આજની કિંમત પ્રમાણે 5 કરોડથી પણ વધારે થાય છે. જે જમીન ઉપર ફક્ત કુશકલ ગામના કૂતરાંઓનો માલિકી અધિકાર છે.
નવાબોના રાજમાં 20 વિધા જમીન આપી હતી
કહેવાય છે કે વર્ષો પહેલાં જયારે નવાબો રાજ કરતા હતા, ત્યારે નવાબોએ પાઘડી તરીકે 20 વિઘા જમીન ગામના લોકોનો ખેતી કરવા માટે આપી હતી. પરંતુ આ ગામ પહેલેથી દયા-ભાવના અને ધર્મમાં માનનારું હોવાથી ગામના વડવાઓને વિચાર આવ્યો કે આપણે તો ગમે ત્યાં મહેનત કરીને પેટ ભરી લઈએ છીએ, પણ ગામના રખડતાં કૂતરાંઓનું શુ તેમના માટે આપણે કંઈક વિચારવું પડશે. જેને લઈને ગામના લોકોએ નવાબે આપેલી 20 વિધા જમીન ગામના કૂતરાંઓના હસ્તક કરી દીધી. જે જમીન હાલ કુશકલ ગામે રોડ ટચ આવેલી છે, જે હાલ કૂતરિયા નામે ઓળખાય છે. આ જમીન ગામના લોકો દરવર્ષે ગામમાં જ હરાજી કરીને ગામના ખેડૂતોને હરાજી કરીને વાર્ષિક ઉઘડ વાવેતર કરવા માટે આપી દેશે. તેમાંથી જે વર્ષ દરમિયાન વળતર મળે છે તે તમામ રૂપિયા ગામના કૂતરાંઓ પાછળ ખર્ચે છે. જેમાં ગામના લોકો વાર-તહેવારે કૂતરાંઓને શિરો, લાડુ,સુખડી,ખવડાવે છે તો રોજેરોજ કૂતરાઓને ખાવાનું બનાવીને આપે છે.
20 વિધા જમીન લાખોની કિંમત કરોડો થઈ
આ વિશે સ્થાનક લોકોનું કહેવું છે કે અમારા ગામમાં 20 વિધા જમીન કૂતરાંઓ માટેની છે. કૂતરાંઓ જ તેના માલિક છે. આ જમીનમાંથી જે રકમ મળે છે તે કૂતરાંઓ પાછળ જ ખર્ચાય છે. અમારા ગામના કૂતરાંઓ પણ કરોડપતિ છે. તેમના નામે કરોડોની જમીન છે અમે તેમને શિરો,લાડુ જેવી વાનગીઓ ખવડાવીએ છીએ. અમારા ગામમાં કૂતરાંઓ પ્રતેય લોકોને ખુબજ દયાભાવ છે તેમને ખાવા માટે ભટકવું નથી પડતું. લોકો નિયમિત પણે રોજ રોટલા બનાવી આપે છે અને તહેવારોમાં શિરો, સુખડી, લાડુ બનાવી આપીએ છીએ.
કૂતરાંઓ ઘરે -ઘરે ભટકીને ખાતા નથી, રાજાશાહીથી જીવે છે
સામાન્ય રીતે મોટાભાગના ગામોમાં ગામના કૂતરાંઓ ઘરે -ઘરે ભટકીને ખાતા હોય છે. પરંતુ કુશકલ ગામે પહેલેથી જ કૂતરાંઓ પ્રતેય દયા ભાવના જોવા મળી રહી છે. જેથી કૂતરાંઓને તેમની જમીનમાંથી મળતી ઉપજમાંથી ખાવાનું મળે તેવું નથી. પણ ગામના તમામ લોકો એકએક દિવસ પોતાના ઘરેથી 5 થી 10 કિલો લોટના બાજરાના અને ઘઉંના રોટલા બનાવીને નિયમિત કૂતરાંઓને ખવડાવે છે. આવી રીતે આખું વર્ષ કૂતરાંઓને લોકો પોતાના ઘરના રોટલા બનાવીને આપે છે. આ ગામના કૂતરાંઓ કરોડપતિમાં ગણના થતી હોવાથી તેમને ખોરાક માટે ઘરે-ઘરે ભટકવું પડતું નથી. ગામ લોકોએ ગામની વચ્ચે કૂતરાંઓ માટે એક જાળીવાળો ઓટલો બનાવી સુંદર વ્યવસ્થા કરી આપી છે. જ્યાં ગામ લોકો કૂતરાંઓને ખોરાક આપે છે. કૂતરાંઓ પણ તેમની ઈચ્છા થાય ત્યારે તેમાંથી ખાવાનું ખાઈ લે છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિના હેસિયતની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ગર્વથી કહેતા હોય છે કે અમે કે અમારા સગા કરોડપતિ છીએ. જોકે પાલનપુરના કુશકલ ગામના લોકો કરોડપતિ હોવું કોઈ મોટી વાત માનતા નથી એટલે જ તેવો ગર્વ ભેર વટથી કહે છે કે અમારા ગામના કૂતરાય કરોડપતિ છે.
ગુજરાતના આ ગામના માણસો જ નહીં કૂતરાઓ પણ છે ‘કરોડપતિ',#Gujarat #Dogs #ZEE24Kalak pic.twitter.com/K2cVWYOSpV
— Zee 24 Kalak (@Zee24Kalak) June 28, 2023
મહેસાણાનું પંચોટ ગામ
કુશકલની જેમ મહેસાણાથી લગભગ 15 કિમી દૂર આવેલું પંચોટ ગામ પણ આ બાબતે જાણીતું છે. આ ગામમાં પણ લગભગ દરેક કૂતરા કરોડ રૂપિયાના માલિક છે. ગામમાં મોટાભાગે લોકો ખેતી અને કૃષિ વેપાર કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ પંચોટ ગામે 'કૂતરિયા' માટે 22 વિઘા જમીન પોતાના 300 કૂતરા માટે અનામત રાખી છે. તેના પ્રત્યેક વિઘાની કિંમત હવે 60 લાખ રૂપિયા છે. કૂતરાઓ માટે રોટલા ઘર પણ બનાવવામાં આવ્યું છે. આ જમીન ભલે કૂતરાંના નામ પર નથી પરંતુ તેનાથી થનારી આવકનો ભાગ અલગથી કૂતરા માટે પણ રાખવામાં આવે છે.
દાનમાં મળી હતી જમીન
ગામના Madh ni Pati Kutariya નામના ટ્રસ્ટીનું આ અંગે કહેવું છે કે ગામમાં જાનવરો પ્રત્યે પ્રેમભાવનો ઈતિહાસ લાંબો છે. તેમના જણાવ્યાં મુજબ ટ્ર્સ્ટની શરૂઆત ધનિકો દ્વારા જમીનના ટુકડાને દાન કરવાની પરંપરાથી થઈ. ત્યારે જમીનના ભાવ આટલા નહતા. જો કે કેટલાક કેસોમાં ટેક્સ ન ચૂકવી શકવાની સ્થિતિમાં લોકોએ પોતાની જમીન દાન કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે વર્ષો પહેલા પાટીદાર ખેડૂતોના એક સમૂહે જમીનની કાળજી રાખવાની શરૂ કરી. ત્યારબાદ જમીન ટ્રસ્ટ પાસે આવી. પરંતુ રેકોર્ડમાં જમીન હજુ પણ મૂળ માલિકોના નામ છે. જો કે કોઈએ હજુ જમીન પર ક્લેમ કર્યો નથી. લોકોનું માનવું છે કે જાનવરો કે સામાજિક કાર્યો માટે દાનમાં અપાયલી જમીનને પાછી લેવી સારું ન કહેવાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે