Dwarka Rain: દ્વારકા પર કુદરત ઓળઘોળ, શુક્રવારે બપોર સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

Dwarka Rains : દ્વારકાના ખંભાળિયામાં મૂશળધાર વરસાદ... એક કલાકમાં 2થી 3 ઈંચ વરસાદથી મુખ્ય બજારો પાણીમય બન્યા... વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો...    

Dwarka Rain: દ્વારકા પર કુદરત ઓળઘોળ, શુક્રવારે બપોર સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

દ્વારકા :મેઘરાજા દ્વારકા પર ઓળઘોળ થયા હોય તેવુ લાગી રહ્યુ છે. સતત ચાર દિવસથી દ્વારકા પર અવિરત વરસાદ વરસી રહ્યો છે. થોડી બ્રેક બાદ દ્વારકામાં ફરી વરસાદ શરૂ થઈ જાય છે. ત્યારે શુક્રવારે પણ દ્વારકા જિલ્લામાં સવારથી મેઘરાજાની અવિરત તોફાની બેટિંગ જોવા મળી છે. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, દ્વારકા તાલુકામાં 80 મિમી, ખંભાળિયા 62, કલ્યાણપુરમાં 75 મિમી, ભાણવડમાં 43 મિમી વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં સમયાંતરે ભારેથી અતિ ભારે ઝાપટા આવી રહ્યાં છે. વરસાદ અવિરત વરસી રહ્યો છે, પરંતુ વરસાદની તીવ્રતામાં સતત વધઘટ થઈ રહી છે. 

તો બીજી તરફ, ખંભાળિયા શહેરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. માત્ર એક કલાકના ગાળામા 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર ખંભાળિયા શહેર પાણી પાણી થયુ છે. ખંભાળિયાના નગરગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર, લુહાર શાલ સહિતના મુખ્ય માર્ગ પર ગોઠણસમા પાણી ભરાયા છે. અવિરત વરસાદના પગલે ખંભાળિયા વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયુ છે.

રાજપરા ગામ બેટમાં ફેરવાયું
દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે રાજપરા ગામ બેટમાં ફેરવાયું છે. આખા ગામમાં પાણી ફરી વળ્યુ છે. રાજપરા ગામે ઘરો તેમજ દેવાલયોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. રાજપરા ગામે આવેલ લુનાઈ માતાના મંદિર પણ કેડસમા પાણી ભરાયા છે. આ કારણે ગામના લોકોને ભરાયેલા પાણીમાંથી પસાર થઈને જવુ પડી રહ્યુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news