વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
Gujarat Rain : મેઘરાજાએ આ સ્માર્ટ સિટીની પાલિકાના પોકળ દાવાને ધૂળધાણી કરી નાંખ્યા છે, મેગા સિટી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં જ્યા ત્યાં ખાડા પડ્યા છે, શું ટેક્સ લઈને આવું કામ કરે છે સરકાર
Trending Photos
Gujarat Model : ચોમાસું નજીક હોય ત્યારે મહાનગર પાલિકાનું તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી દેતું હોય છે અને આ કામગીરી માટે લોકોના ટેક્સના કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જે બાદ પાલિકાના અધિકારીઓ પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરતા હોય છે. પરંતુ આ દાવા કેટલાં સાચા હોય છે, તેવી પોલ મેઘરાજાએ ખોલી નાંખી છે. રાજ્યની મહાનગર પાલિકોની કેવી છે કામગીરી અને કેવી રીતે ખૂલી ગઈ છે આ કામગીરીની પોલ, જોઈએ આ અહેવાલમાં.
- મહાનગર પાલિકાઓના પોકળ દાવા
- મેઘરાજાએ ખોલી પાલિકાના કામની પોલ
- ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા
રાજ્યની મહાનગર પાલિકાએ કરેલા પ્રિ-મોન્સૂન કામગીરીની વાત કરીએ તો કરોડો રૂપિયાના ટેક્સના પૈસા ક્યાં વપરાયા છે. ગાંધીનગરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે. પરંતુ મેઘરાજાએ આ સ્માર્ટ સિટીની પાલિકાના પોકળ દાવાને ધૂળધાણી કરી નાંખ્યા છે. અમદાવાદની તો વાત થાય એમ નથી કેમ કે પાલિકાએ અમદાવાદમાં એવી કામગીરી કરી છે કે રસ્તા પર ભૂવા નથી પડતાં. પરંતુ ભૂવામાં આખે આખા રસ્તા પડી જાય છે. આ બધાની વચ્ચે સંસ્કારીનગરી વડોદરા કેમ પાછળ રહી છે. કેમ કે વડોદરામાં પણ હળવા વરસાદમાં જ ક્યાં ભૂવા પડ્યા છે, તો ક્યાંક રસ્તા બેસી ગયા છે.
હવે સૌથી પહેલાં વાત કરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની.. આપણે ગાંધીનગર શહેરમાં પ્રવેશ કરીએ એટલે તે બહારથી ખૂબ જ સુંદર દેખાઈ છે. સ્વચ્છ રસ્તા, રસ્તા આજુબાજુની હરિયાળી તમારું મન મોહી લે. પરંતુ આ જ સુંદર શહેરની એક ગંદી તસવીર પણ છે. અને આ ગંદી તસવીર બીજા કોઈ નહીં, પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ જ બનાવી છે. કેમ કે ગાંધીનગર શહેર હળવા વરસાદમાં જ ભૂવાનગર બની ગયુ છે. રસ્તા પર એવા ભૂવા પડ્યા કે તેમાં કાર ગરકાવ થઈ. એટલું જ નહીં સાંસદ પરશોત્તમ રૂપાલાના ઘર સામે જ પડેલા ભૂવામાં વીજળીના થાંભલો પડ્યો. આટલાથી ઓછું સેક્ટર 2માં રસ્તા પર ખાડો પડતાં તેમાં મસમોટું ડમ્પર જ ફસાઈ પડ્યું.
તંત્રએ કરેલા ધૂળ જેવા કામની સમીક્ષા કરવા મેયર મીરાબેન પટેલ સેક્ટર 3માં પહોંચ્યા, પરંતુ તંત્રની કામગીરીથી અકળાયેલા લોકો મેયર પર જ વરસ્યા અને બધો જ ગુસ્સો ઠાલવી દીધો. મેઘરાજાએ જો સૌથી બદતર હાલત કોઈ શહેરની કરી હોય તો તે છે અમદાવાદ શહેર. કેમ કે અમદાવાદ મનપાએ એટલું બોગસ કામ કર્યુ છે કે હવે લોકોનું જીવવું હરામ થઈ ગયુ છે. હવે આ શહેર એવું થઈ ગયુ છે કે અહીં રસ્તા ખાડા નથી પડતાં, પરંતું ખાડામાં આખા રસ્તા ધસી પડે છે. તો પાલિકાના આશીર્વાદ છે કે જેવો વરસાદ થશે કે રસ્તા પર પાણી ભરાઈ જશે. રવિવારે પણ આવું જ થયું. એટલું જ નહીં વરસાદને 20 કલાક જેટલો સમય વીત્યો છતાં પણ પાણી ઓસર્યા નથી.
અમદાવાદના શેલા વિસ્તારમાં કરોડો રૂપિયામાં ફ્લેટ અને બંગલો વેંચાય છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ અહી એવી હાલત છે કે વરસાદ રોકાય છે, છતાં પાણી ઓસરતા નથી. અમદાવાદ માત્ર વરસાદના પાણીની સમસ્યા નથી, રસ્તા પણ માથાનો દુખાવો છે. કેમ કે ક્યારે ક્યો રસ્તો ધડામ થઈને બેસી જશે, તેનો કોઈ અંદાજ લગાવી શકાય નહીં.
હવે જુઓ વડોદરા મહાનગર પાલિકાની કામગીરી. સામાન્ય વરસાદે જ મહાનગર પાલિકાની પોલ ખોલી નાંખી છે. કેમ કે માત્ર અઢી ઇંચ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તો ક્યાંક આખો રસ્તો બેસી ગયો છે. પાલિકા ડ્રેનેજ લાઈનનું કામ બતાવવા માટે રસ્તા ખોદી દે છે. પરંતુ કામ પત્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરાતું નથી. બસ આ જ કારણે વડોદરાના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રવિવારે ધોધમાર વરસેલા વરસાદે મહાનગર પાલિકાના પોકળ દાવા ઉઘાડા પાડી દીધા છે. આપણી પાસેથી ટેક્સના કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ તંત્રએ કેવી કામગીરી કરી છે. તેની સાબિતી વરસાદ બાદની સ્થિતિ પરથી સ્પષ્ટ છે. ત્યારે હવે આશા રાખીએ કે તંત્ર આ સ્થિતિથી સબક લે અને જનતા માટે જાગે અને થોડી સારી કામગીરી કરે. આજ હાલત આજે જૂનાગઢની પણ છે. જૂનાગઢમાં જળબંબાકાર છે અને રોડ રસ્તા પર નદીઓની જેમ પાણી વહ્યાં છે અને સોસાયટીઓ ડૂબી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે