મોજશોખ માટે આખા ગુજરાતમાં તરખાટ મચાવનાર મહાઠગ ઝડપાયો, લક્ઝુરિયસ કારનો છે શોખીન
Surat Crime News : સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી... અનેક ગુનાઓને અંજામ આપનારો આરોપી પકડાયો
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : જમીન તથા લક્ઝરિયસ કારની લે-વેચ ના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરી સુરત સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા છેતરપિંડીના ત્રણ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. મહાઠગ દ્વારા હમણાં સુધી રાજ્યભરમાં કુલ 33 ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે. જ્યાં હમણાં સુધી ચાર કરોડથી પણ વધુની છેતરપિંડી અલગ અલગ લોકો સાથે આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહી છેતરપિંડી આચરી મેળવેલા રૂપિયા પોતાના મોજ-શોખ પાછળ વાપરતો હોવાની કબૂલાત આરોપીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક એવા મહાઠગને ઝડપી પાડવામાં આવ્યો છે કે જે લોકોને લક્ઝરીયસ કાર અથવા જમીન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતો હતો. જે છેતરપિંડી આચરી મેળવેલા રૂપિયાથી પોતાના મોજશોખ પુરા કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ લલિત વાગડીયા પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં બનતા ગુનાઓને ડામવા અને પોલીસ ચોપડે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સુચના આપવામાં આવી છે. જે સૂચના અન્વયે વર્કઆઉટમાં રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે. જમીન તેમજ લક્ઝરીયસ કાર અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.
ગાડીના બહાને 16 લાખ લઈ ફરાર થયો
સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મળેલી માહિતીના આધારે સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી બીએમડબલ્યુ ફોર વ્હીલ કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન,સેમસંગનો એક મોબાઈલ મળી કુલ 8.55 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે આરોપીની પૂછપરછ પણ જાણવા મળ્યું છે કે આજથી છ સાત મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા અને મેક વ્હીલરનો ધંધો કરતા અઝરૂદ્દીન ભાઈ તથા તેના ભાગીદારોનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા ટ્રક, આઇસર ટેમ્પો, મીની બસ અને એક છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાનો છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સ્થળ ઉપર જ રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે તેમ કહી વેપારીને રૂપિયા લઈ બોલાવ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારી પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈ સુરત આવ્યો હતો. સુરત આવેલા વેપારી અને તેની સાથેના ભાગીદારોને કામરેજ ટોલનાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનના કાગળો નોટોરાઈઝ કરવા માટે કડોદરા જવું પડશે કહી પોતાની ફોર વ્હીલ કારમાં વેપારી અને તેના ભાગીદારોને બેસાડી જોડે લઈ ગયો હતો. જે બાદ કાર સરથાણા જકાતનાકા પાસે અટકાવી હતી. જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડા રૂપિયા 16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગાડીના સોદામાં લોકોને લૂંટતો
વધુમાં આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આજથી છ મહિના પહેલા પણ રાજકોટ ખાતે રહેતા અને ગાડીનું લે વેચનો ધંધો કરતા વિશાલ વાડોદરિયા નામના વેપારીનો આરોપીએ સંપર્ક કર્યો હતો. આરોપી ઈકો ગાડી ખરીદી કરવાના બહાને વિશાલ વડોદરિયાની ઓફિસે પહોંચ્યો હતો. ઓફિસે પહોંચેલા આરોપીએ ઈકો ગાડીના કાગળો વેરિફાઇ કરી રૂપિયા ચાર લાખમાં ગાડીનો સોદો નક્કી કર્યો હતો. જે બાદ નક્કી કરેલા ગાડીના વેચાણના રોકડા રૂપિયા ત્રણ લાખ લઈ નાસી છૂટ્યો હતો. જે અંગે ભોગ બનનારે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
જમીન દલાલની ઓફિસમાં ચોરી કરી
આ સિવાય આરોપી ઇમરાન ઉર્ફે દુરી હનીફભાઈ ડેલાએ વીસ દિવસ અગાઉ અમદાવાદ સોલા એસ જી રોડ ઉપર આવેલા બિઝનેસ હબમાં જમીન લે વેચ ની ઓફીસ ધરાવતા હર્ષદ પટેલનો સંપર્ક કર્યો હતો. જ્યાં પણ જમીન દલાલને પોતાની સુફિયાની વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઈ લીધો હતો. જ્યાં ઓફિસમાં ગયેલા આરોપીએ જમીન દલાલને ધાક ધમકીઓ આપી લાત મારી હતી. જેના કારણે જમીન દલાલ ખુરશી પરથી નીચે પડી ગયો હતો. જ્યાં જમીન દલાલની ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 42 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જે ઘટના અંગે પણ અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભોગ બનનારે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
અનેક ચોરીને અંજામ આપ્યો
આમ આરોપી દ્વારા છેલ્લા વિતેલા છ થી સાત મહિનાની અંદર સુરત, રાજકોટ અને અમદાવાદ શહેરમાં લક્ઝુરીયસ કાર અને જમીન લે-વેચના બહાને ત્રણ જેટલા છેતરપિંડીના ગુનાઓને અંજામ આપ્યો હતો. વધુમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સૌથી મોટી ચોંકાવનારી બાબત એ બનીને સામે આવી હતી કે, હમણાં સુધી આરોપી દ્વારા રાજ્યભરમાં 33 થી વધુ ગુના આચરી ચૂક્યો છે. જેમાં વર્ષ 2018 થી વર્ષ 2023 સુધીમાં કુલ 33 જેટલા ગુનાઓ આરોપી આચરી ચુક્યો છે. જેમાં રાજકોટ, સુરત ,પોરબંદર ,ગોવા અને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. જ્યાં હમણાં સુધી આરોપીએ અલગ અલગ લોકો જોડે 4 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી ચૂક્યો છે. જ્યાં પોલીસ ચોપડે વધુ ગુનાઓ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. આરોપી અગાઉ પણ રાજકોટના અલગ અલગ ત્રણ પોલીસ મથકોમાં નોંધાયેલ છેતરપિંડી અને ધાક-ધમકીના કેસમાં ઝડપાઈ ચુક્યો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની એમ.ઓ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી સાત વર્ષ પહેલા ફોર વ્હીલ સહિત અન્ય વાહનોની લે-વેચનો ધંધો કરતો હતો. જેના કારણે ગુજરાત ભરના અલગ અલગ લોકો જોડે તેનો સંપર્ક થયો હતો.જે રાજ્યભરના શહેરોમાં રહેતા લોકોને પોતાની વાતોમાં ફસાવી ગાડી અથવા જમીન અપાવવાના બહાને પોતાની ગાડીમાં બેસાડતો હતો. ત્યારબાદ કોઈક ના કોઈક બહાને અધ્ધ રસ્તા વચ્ચે ગાડી અટકાવી લાખોની રોકડ રકમ લઈ ફરાર થઈ જતો હતો
આરોપીની પૂછપરછ માં બીજી મહત્વની બાબત એ બનીને સામે આવી છે કે, આરોપી પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવાનો શોખીન છે. પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે છેતરપિંડી આચરતો અને તે રૂપિયા લઈ તુરંત શહેર છોડી ફરાર થઇ જતો હતો. જે રૂપિયાથી ગોવા,દિવ, અને દમણ ખાતે અવારનવાર આવતો-જતો હતો.જ્યાં છેતરપિંડથી મેળવેલા રૂપિયા વડે કેસીનોમાં જુગાર રમતો હતો. જે રૂપિયા જુગારમાં હારી ગયા બાદ ફરી પોતાના ગુનાને અંજામ આપવા માટે નીકળી પડતો હતો. ત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.જ્યાં રિમાન્ડ દરમિયાન વધુ ગુના ઉકેલાવાની શક્યતા સુરત ક્રાઈમ બ્રાંચે વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે