સસ્પેન્સ થ્રીલરને પણ ટક્કર મારે તેવું કોંગ્રેસનું રાજકારણ... ઉત્તરથી દક્ષિણ સુધી જ્યાં જુઓ ત્યાં કકળાટ જ કકળાટ
Trending Photos
- અરવલ્લીમાં અડધી રાત્રે કોંગ્રેસ તૂટી છે. મોડાસા પાલિકામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું
- વડોદરામાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના વોર્ડ 16 માં જ કોંગ્રેસમાં ગાબડું પડયું
- પ્રદેશના નેતાઓએ આ ડેમેજ કન્ટ્રોલ કરવા યોજના બનાવી
ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસની હાલત હાલ ઉકળતા ચરુ જેવી છે. ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થતા જ અંદરોઅંદર ડખ્ખા ઉભા થયા છે. ઉત્તરથી દક્ષિણ ગુજરાત, અને કચ્છથી સૌરાષ્ટ્ર સુધીમાં જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે, ક્યાં પક્ષપલટો થઈ રહ્યો છે. જેથી ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યા છે. ચૂંટણી સમયે સપાટી પર આવેલા કકળાટને ડામવા હાઈકમાન્ડે ચૂંટણી ઇન્ચાર્જને દોડાવ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી, સંગઠનમાં કકળાટ અને રોજ પડતા રાજીનામાના પગલે સાહુ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. આજે પણ સવારથી કોંગ્રેસમાં ક્યાં ક્યાં કકળાટ ચાલી રહ્યો છે તેના પર એક નજર કરીએ...
રાજકોટમાં વાજતેગાજતે ઉમેદવારી કરનાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચ્યું
રાજકોટમાં ફોર્મ પરત ખેંચ્યા બાદ પ્રથમ વખત વિજય જાની મીડિયા સમક્ષ આવ્યા છે. વિજય જાનીએ કોંગ્રેસની નેતાગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પેનલ યોગ્ય ન મળતા ફોર્મ પરત ખેંચ્યું છે. પ્રદેશ નિરીક્ષક નરેશ રાવલ સમક્ષ પેનલમાં મારી સાથે માનસુરભાઈ વાળાને ઉભા રાખવાનું વચન આપવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ મેન્ડેટ માનસુર વાળાની જગ્યાએ અન્ય ઉમેદવારને ફાળવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, વિજય જાનીએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસની નેતાગીરીએ દગો કર્યો છે. તો બીજી તરફ, રાજકોટમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યાં છે. વિજય જાનીએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસની છાવણીમાં સોપો પડ્યો છે. તો પ્રદેશના નેતાઓએ આ ડેમેજ કન્ટ્રોલ કરવા યોજના બનાવી છે. કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક ભાજપના નેતાઓ ના કરી શકે તે માટે રણનીતિ બનાવી છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં રોજ પડતા રાજીનામાને પગલે સાહુને દોડતા પગે ગુજરાત આવવું પડ્યું
મોરબીમાં કોંગ્રેસનું પત્તુ સાફ કરવા AIMIM મેદાને આવ્યું
અરવલ્લીમાં અડધી રાત્રે કોંગ્રેસ તૂટી છે. મોડાસા પાલિકામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. વોર્ડ-૮માં કોંગ્રેસ વિચારધારાવાળા 200 કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસમાંથી AIMIM પાર્ટીમાં 200 થી વધુ યુવાનો જોડાયા છે. બુરહાનભાઈ ચગન અને લાલાભાઇ વાયરમેન AIMIM વોર્ડ નં 8 માંથી ઉમેદવારી કરશે. આમ, મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં નવાજુનીના એંધાંણ દેખાઈ રહ્યાં છે. મોરબીમાં કોંગ્રેસનું પત્તુ સાફ કરવા AIMIM મેદાને આવ્યું છે.
વડોદરામાં વિપક્ષના નેતાના વોર્ડમાં 200 કાર્યકર્તાનું ગાબડું પડ્યું
વડોદરામાં ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ગાબડું છે. પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના વોર્ડ 16 માં જ કોંગ્રેસમાં ગાબડું પડયું છે. કોંગ્રેસનાં 2 ટર્મ કોર્પોરેટર રહેલા સરસ્વતી દેસાઈ 200 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા છે. શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ પ્રવક્તા અને ઉમેદવારોની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. અગાઉ સરસ્વતી દેસાઈને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો : બુલેટના ફટ ફટ અવાજથી રોલો પાડતા નબીરાઓ ચેતી જજો... 21 બુલેટ જપ્ત કરાઈ છે
સુરતમાં એક પછી એક રાજીનામા પડી રહ્યાં છે
સુરતમાં એક પછી એક કોંગ્રેસ ઉમેદવાર સામે આવી રહ્યા છે. સુરતમાં પાસના કાર્યકર્તાઓ એક થયા છે અને ઉમેદવારી પરત ખેંચી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાસ (PAAS) અને કોંગ્રેસ (congress) વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, કોંગ્રેસના 12 જેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે. ત્યારે આ વચ્ચે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. પાસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાસા (jignesh mevasa) એ રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું. ત્યારે રાજીનામુ આપતા તેમણે કહ્યું કે, સમાજ માટે હું રાજીનામું આપું છું. પાટીદારો સાથે ખોટું થઈ થયું છે. પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસ પાટીદારો (patidar) નું ઋણ ભૂલી ગયું છે. પાટીદાર સમાજને કોંગ્રેસે દોષિત ગણાવી છે. કોંગ્રેસમાં પાટીદાર સમાજનું મહત્વ ભૂલાયું છે. કોંગ્રેસના નેતાઓ પાછલા બારણે ભાજપ સાથે મળી ગયા છે. આ દોરમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસન ઉમેદવાર પાયલ બોઘરાએ ચેતવણી આપી કે, પાટીદાર પરના કેસો ખેંચશે તો હું ફોર્મ પરત ખેંચીશ. અમે સમાજ સાથે છીએ.
આ પણ વાંચો : પાટીદાર અને કોંગ્રેસનું રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું, જીજ્ઞેશ મેવાસાએ આપ્યું રાજીનામુ
અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં સગાવાદ દેખાયો
અમદાવાદ કોંગ્રેસમાં પાર્ટીએ 50 ટકા કોર્પોરેટરની ટિકિટ કાપી છે. 48 કોર્પોરેટરમાંથી 24 ને જ રિપીટ કરાયા છે. કોંગ્રેસે 24 કોર્પોરેટરને રિપીટ ના કર્યા. નવા સીમાંકનમાં ફિટ ના બેસતાં તેમજ કોંગ્રેસના સર્વેમાં ઉત્તીર્ણ ના થતા આ તમામની ટિકિટ કપાઈ છે. નવા ચહેરાઓ ન મળતાં કોંગ્રેસે સંગઠનના લોકોને ટિકિટ આપી છે. 16 વોર્ડ પ્રમુખ કે તેમના પત્ની-પુત્રને ટિકિટ આપી. 10 વોર્ડ પ્રમુખને કોંગ્રેસે અમદાવાદમાં ટિકિટ આપી. ઘાટલોડિયા, થલતેજ, ખાડિયા, વેજલપુર, સરખેજ વોર્ડ પ્રમુખના પત્નીઓને ટિકિટ અપાઈ છે. તો મણિનગરમાં વોર્ડ પ્રમુખના પુત્રને ટિકિટ અપાઈ છે. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ અધ્યક્ષ હેતા પરીખને પણ ટિકિટ આપી છે. કુબેરનગર વોર્ડમાં એનસીપી સાથે ગઠબંધન કરતા નિકુલ તોમરને ટિકિટ અપાઈ છે.
આ પણ વાંચો : 21 વર્ષે ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરનાર મનીષાએ કહ્યું, સમય આવી ગયો છે કે યુવા સક્રિય રાજકારણમાં આવે
મોરબીમાં આપના શહેર પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
મોરબી નગરપાલિકાના રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર જાહેર થાય ત્યાર પહેલાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તેના ઉમેદવારો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. અગાઉ કોંગ્રેસ પ્રમુખ તરીકે કામગીરી કરતા મહેશભાઈ રાજ્યગુરુએ આપ સાથે છેડો ફાડ્યો છે. હવે આમ આદમી પાર્ટીને ઉમેદવાર શોધવા મુશકેલ બની રહેશે. ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની ટક્કર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે