રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું : 3 જિલ્લા પરથી વરસાદની ઘાત ટળી, પણ 5 જિલ્લાઓ હજુ રેડ એલર્ટ પર

Gujarat Rain Update : મુખ્યમંત્રીએ પણ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહિ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું : 3 જિલ્લા પરથી વરસાદની ઘાત ટળી, પણ 5 જિલ્લાઓ હજુ રેડ એલર્ટ પર

ગાંધીનગર :મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું છે. જો કે રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સજજ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં પડી રહેલા વરસાદની સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરીને તંત્રને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ પણ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહિ. 

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. સરકારના આદેશો અને અપીલને નાગરિકો માન આપી તે મુજબ સહયોગ આપી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. હજુ પણ આવો સહયોગ નાગરિકો તરફથી મળતો રહે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની ટીમ અને 18 એસડીઆરએફની પ્લાટુન ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા નર્મદા જિલ્લામાં કરાયેલું સફળ રેસ્ક્યુ ઓપરેશન અભિનંદનને પાત્ર છે. ગઈકાલે નર્મદા જિલ્લાના કરજણ નદીના પટ પર રાજપીપળા સ્મશાન ઘાટ નજીક એક સાથે ૨૧ વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા હતા અને રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની માંગણી કરાઈ હતી. જો કે વહીવટી તંત્રએ સમય સૂચકતા દાખવીને એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમોની મદદ લઈને ફસાયેલા તમામ લોકોને શૌર્ય અને વીરતા દાખવીને બચાવી લેવાયા છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૭,૮૯૬ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૮,૨૨૫ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે. જ્યારે કે, ૯,૬૭૧ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે. 

એસટી બસ બંધ
રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી માત્ર ૭૩ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ ૧૧ રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે ૬૨ રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી માત્ર ૧૨૪ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તેમાં પણ આજ સાંજ સુધીમાં ૧૦૫ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. માત્ર ૧૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થતા બે દિવસ લાગે તેવી શક્યતા છે. આ માટે પણ ઉર્જા વિભાગ અને તેના અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે, ૧૨ પંચાયત કે અન્ય માર્ગો તેમજ ૪૩૯ માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરાયો છે તે આજ સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે.

31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ
રાજ્યમાં ૧ જુનથી ૩૧ જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ હોય છે, તેમ છતા માછીમારો ફિશિંગ પ્રવૃત્તિ માટે દરિયામાં જતા હોવાનું ધ્યાને આવે છે. જોકે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ આપી દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત લાવવાની કામગીરી અગાઉથી જ કરી દેવાઈ છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના પરિણામે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. એટલું જ નહીં, વરસાદનું જોર ઘટતાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે

મંત્રીએ રાજ્યના નાગરિકોને ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ તંત્રની સૂચનાનું પાલન કરવા તેમજ પૂરતો સહયોગ આપવા અપીલ કરી વિનંતી કરી છે કે પાણીના વહેણ તરફ વાહન લઈને કે ચાલીને જવું નહીં કે તેને ઓળંગવાનો પ્રયત્ન પણ કરવો નહીં. પાણી સાથેની રમત ભારે પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news