ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું, ચારેતરફ ભયાનક સ્થિતિ

Gujarat Flood : ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું, 12 ઈંચ વરસાદથી ઘરો, બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું... નદી-નાળાં છલોછલ થયાં, લોકોને હાલાકી

ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું, ચારેતરફ ભયાનક સ્થિતિ

Gujarat Weather Update : ગુજરાતમાં આજે પણ મેઘાની જમાવટ યથાવત છે. સવારે બે કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો. તો ભરૂચના નેત્રંગમાં 3 ઈંચ વરસ્યો. ગઈકાલે 12 ઈંચ ખાબક્યા બાદ આજે પણ 3 ઈંચ વરસાદ નોંધાયો. સવારે પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળ્યો. સુરતના માંગરોળ, ઉમરપાડામાં 2થી અઢી ઈંચ પડ્યો. નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યાં છે. પરંતું ભરૂચના વાલિયા પંથકમાં 11.88 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી જ પાણી છે. 

વાલિયામાં આફ ફાટ્યું
ભરૂચના વાલિયા પંથકમાં 11.88 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ બની. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર થયું છે. આખેઆખું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ભરૂચના વાલિયા પંથકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ટોકરી નદીના ક્રોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે. તો વાહન વ્યવહાર બંધ કરાયો છે. 

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ

  • 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસ્યો વરસાદ
  • રાજ્યના 90 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો
  • રાજ્યના 27 તાલુકામાં વરસ્યો 4 ઈંચથી વધુ વરસાદ
  • સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ
  • તાપીના સોનગઢમાં 10, વ્યારામાં 9 ઈંચથી વધુ વરસાદ
  • સુરતના માંગરોળ અને ડાંગના વઘઈમાં 8 ઈંચ વરસાદ
  • ભરૂચમાં 7.5, નર્મદાના તિલકવાડામાં 7 ઈંચ  વરસાદ
  • તાપીના ઉચ્છલ અને ડોલવણમાં વરસ્યો 7 ઈંચ વરસાદ
  • નડિયાદ, વાંસદા, સુબીરમાં વરસ્યો 6 ઈંચથી વધારે વરસાદ
  • લુણાવાડા અને કપડવંજમાં 5થી સાડા 5 ઈંચ વરસાદ
  • મોરવાહડફ અને કરજણમાં વરસ્યો 5 ઈંચ વરસાદ
  • હિંમતનગર, મહેસાણા, બાયડમાં પણ 4 ઈંચથી વધારે વરસાદ
  • અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, આણંદમાં પણ વરસાદ

અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ
અમદાવાદ શહેરમાં સતત વરસાદી માહોલ યથાવત છે. મોડી રાતથી વરસી રહેલા હળવા વરસાદે હાલ વિરામ લીધો છે. સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમ્યાન શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ નરોડામાં 8 ઇંચ, ઓઢવ 4.5 ઇંચ અને નિકોલમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં ઓન દોઢથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. પાછલા 24 કલાકમાં અલગ અલગ સમયે ભારે વરસાદી ઝાપટા વરસતા રહ્યાં. હાલ વાસણા બેરેજના 7 ગેટ ખોલી 11000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં હાલ સંત સરોવર માંથી 5000 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. દહેગામમાં સૌથી વધુ 4 ઈંચ તો માણસા-કલોલમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. ગાંધીનગર શહેરમાં 2 ઈંચ વરસાદ પડ્યો. ગાંધીનગર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા જ અંડરપાસમાં પાણી ભરાયા. ગાંધીનગરના વાવોલ અંડર પાસ અને ઘ રોડ ઉપર આવેલા અંડર પાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. 

સુરતમાં ધોધમાર વરસાદ
ગત રાત્રીએ સુરત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા. મંગરોલની ટોકરી નદીમાં ભારે પાણીની આવક થઈ. માંગરોળના વડોલી ગામે ટોકરી નદીમાં ભારે પાણીની આવક થતા ગામ સંપર્ક વિહોણુ બન્યું. માર્ગ બંધ થતાં લોકો ઘરેમાં રહેવા મજબૂર બન્યા છે. માંગરોળ તાલુકામાં 24 કલાકમાં સાત ઇંચ વરસાદ વરસ્યો. તંત્ર દ્વારા કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ.

બનાસકાંઠામાં પણ આગાહી
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં પાલનપુર -અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઢીંચણ સમાં પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડે છે, જેને લઈને અનેક વાહનો બંધ પડી રહ્યા છે. તો અનેક વાહન ચાલકો અટવાયા છે. જોકે પાલનપુર થી અંબાજી તેમજ વડગામ તરફ જતા આ મુખ્ય હાઇવે ઉપર રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. જોકે દર વર્ષે આ હાઇવે ઉપર આજ પરિસ્થિતિ સર્જતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને વાહન ચાલકોએ હાઇવે ઉપર ભરાયેલ પાણીના નિકાલની માંગ કરી હતી.

નર્મદા ડેમના દરવાજા ફરી ખોલાયા
નર્મદા ડેમ ની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધીને 380275 ક્યુસેક થઈ છે. આવક વધતા ફરી 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. દરવાજા મારફતે 2 લાખ ક્યુસેક અને પાવર હાઉસ મારફતે 45000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા નદીમાં 245000 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થતાં કાંઠાવાળા વિસ્તારને સાવધ કરાયા છે. 

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા પર વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમા પણ સામન્ય કરતા વધારે વરસાદની આગાહી છે. વરસાદના આ રાઉન્ડમા અતિભારે વરસાદ નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news