Gujarat Election: ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરી મહત્વની રજૂઆત

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણીની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કેટલીક મહત્વની રજૂઆત પંચ સમક્ષ કરી છે. 

Gujarat Election: ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરી મહત્વની રજૂઆત

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પણ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચમાં કેટલીક રજૂઆત કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી અંગે દિવાળીની આસપાસ જાહેરનામુ બહાર પડી શકે છે, તો ડિસેમ્બરમાં મતદાન અને ચૂંટણી પરિણામ જાહેર થઈ શકે છે. 

ભાજપે ચૂંટણી પંચમાં કરી રજૂઆત
ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચને કેટલીક રજૂઆત કરી છે. ભાજપે ચૂંટણી જાહેર થયા બાદ રોકડ અને અન્ય ચૂંટણી લક્ષી સામગ્રીની બાબતમાં એસઓપીનું પાલન ચૂંટણી પંચ કરાવે તે રજૂઆત કરી છે. તો રોકડ મામલે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવાની રજૂઆત પણ પંચમાં કરી છે. ભાજપે કહ્યું કે રોકડ મામલે માત્ર રાજકીય પક્ષોના કાર્યકરો કે હોદ્દેદારોની તપાસ થવી જોઈએ. 

નોંધનીય છે કે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ઘણા નિયમો લાગૂ થાય છે. ક્યારેક આવા નિયમોમાં સામાન્ય જનતાએ પણ મુશ્કલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ભાજપે પંચમાં સામાન્ય નાગરિકોને બિનજરૂરી ન અટકાવવાની રજૂઆત કરી છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદીમાં સુધારાની છુટ આપવાની રજૂઆત પણ કરી છે. તો સ્ટાર પ્રચારકનો ખર્ચ ઉમેદવારના બદલે રાજકીય પક્ષોના ખર્ચમાં ગણવાની રજૂઆત પણ કરવામાં આવી છે. 

ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચને કહ્યું કે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચકાસણી માટે ઓછામાં ઓછો એક દિવસનો સમય મળવો જરૂરી. તો વેબસાઇટ પર નામાંકન પત્ર અપલોડ કરવા સમયે નોમિનેશન ફોર્મ અપલોડ કરવાની રજૂઆત ભાજપે કરી છે. ભાજપે પોલીંગ એજન્ટ મામલે તેજ વિધાનસભાના મતદાન મથકની આસપાસ એજન્સની નિમણૂંક મામલે પહેલાથી દિશા-નિર્દેશ જાહેર કરવાની રજૂઆત કરી છે. મતદાન મથકથી રાજકીય પક્ષનું કાર્યાલય 200ના બદલે 100 મીટરના અંતરે રાખવાની રજૂઆત કરી છે. 

ભાજપે માંગ કરી છે કે 11 કલાકમાં મતદાન પૂર્ણ કરાવવા અને એક મતદાન કેન્દ્ર પર 1000થથી વધુ મતદાર ન હોવા જોઈએ. 1 હજારથી વધુ મતદાતા હોય તેવા કેન્દ્રો પર વ્યવસ્થા કરવાની રજૂઆત પણ કરી છે. તો મતદાતાઓને પોતાના ઘરની આસપાસ મતદાન મથક મળે તેવી માંગ ભાજપે કરી છે. ભાજપે કહ્યું કે પ્રચાર માટેની સામગ્રીનો ખર્ચ પક્ષના ખર્ચમાં ગણવામાં આવે. 

ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચને કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન ગાળો હોવાથી તેને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવે. તો પ્રધાનમંત્રીના ચૂંટણી પ્રસાવના ખર્ચ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરવાની રજૂઆત પણ ભાજપે કરી છે. ભાજપે કહ્યું કે પ્રધાનમંત્રી સ્ટાર પ્રચારકોથી અપવાદ છે અને તેમના પ્રવાસનો ખર્ચ ઉમેદવારને બદલે રાજકીય પક્ષમાં ગણવો જોઈએ. 

ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ભૂતકાળ વિશે મીડિયામાં વ્યાપક જાહેરાત કરવી જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના આદેશના પાલન કરવામાં ખર્ચ વધી જાય છે. ભાજપે કહ્યું કે આ ખર્ચની ગણતરી ચૂંટણી ખર્ચમાં ન થવી જોઈએ. ભાજપે રાજકીય પક્ષોને જિલ્લા-શહેર માટે 3 વાહનો સુધી મંજૂરી આપવાની રજૂઆત પણ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news