ગુજરાતમાં વિકરાળ બની શકે છે કોરોના, ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ ઘાતક બની શકે છે

ગુજરાતમાં વિકરાળ બની શકે છે કોરોના, ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ ઘાતક બની શકે છે
  • યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો ઊભો થયો, જે ઘાતક પણ બની શકે છે 
  • ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે તે જરૂરી બન્યું છે 

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના સંક્રમિતોને સંખ્યા રેકોર્ડ બ્રેક નોંધાઈ રહી છે. ગુજરાતમાં કોરોનાનો યુકે સ્ટ્રેન નોંધાયા પછી હવે નવા ડબલ વેરિયન્ટનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના બદલાતા સ્વરૂપની પુષ્ટિ કરી છે. આ સાથે પશ્ચિમ મહારાષ્ટ્રમાથી લેવાયેલા સેમ્પલ પૈકી 15-20% સેમ્પલમાં નવો પ્રકાર જોવા મળ્યો હતો. જેનો ખતરો ગુજરાત પર પણ મંડરાઈ રહ્યો છે. 

ગત ફેબ્રુઆરીએ ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા 249 કેસ નોંધાયા હતા. જો કે, તે બાદ રાજ્યમાં જાહેર કાર્યક્રમો યોજાતા કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. તેના કારણે છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાનો પ્રસાર વધવા પાછળ સામુહિક શિસ્તનો અભાવ ઉપરાંત વાયરસના બદલાતા સ્વરૂપને પણ કારણભૂત માનવામાં આવે છે. યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો ઊભો થયો છે. જો કે, પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.

આ પણ વાંચો : તંત્રના બહેરા કાને ન સંભળાયો આ મહિલાનો અવાજ, સસરાની સારવાર માટે દર દર ભટકી છતાં પણ....

વડોદરામાં અસંખ્ય શિક્ષકો પોઝિટિવ 
વડોદરામાં શિક્ષણ સમિતિમાં કોરોના વધુ વકર્યો છે. 18 શિક્ષકો સહિત 22 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. ડોર ટુ ડોર સર્વેમાં ગયેલા શિક્ષકોને પણ સંક્રમણ લાગ્યું છે. કુલ 170 શિક્ષકોને સરવેની કામગીરી સોંપાઈ છે. ત્યારે સરવેમાં જોતરાયેલા અન્ય શિક્ષકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પ્રથમ લહેર વખતે પણ શિક્ષણ સમિતિમાં કોરોનાનું સંક્રમણ વકર્યું હતું. 

ગુજરાતમાં રિકવરી રેટ ઘટીને 95.29 ટકા થયો
કોરોનાને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આજના દિવસે દેશભરમાં કોરોનાના નવા 59 હજાર કેસ આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં કુલ 1961 દર્દી નોંધાયા અને રાજ્યમાંથી 1405 દર્દીઓ સાજા થયા. આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.29 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,80,285 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 9372 કોરોનાના એક્ટિવ કેસ છે. 81 લોકો વેન્ટિલેટર પર છે. 9291 લોકો સ્ટેબલ છે. 2,80,285 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4473 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનનાં 4 અને મહીસાગરમાં 2 સહિત કુલ 07 લોકોનાં મોત નિપજ્યાં છે. 

આ પણ વાંચો : દુનિયાની સૌથી મોંઘીદાટ ગિફ્ટ, 2 માસના બાળક માટે ગુજ્જુ પિતાએ ચંદ્ર પર ખરીદી 1 એકર જમીન    

સંક્રમણ વધુ, મૃત્યુઆંક કન્ટ્રોલમાં 
તો બીજી તરફ, ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કહી ચૂક્યા છે કે, આગામી એક અઠવાડિયુ ગુજરાતમાં કેસ વધશે. અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સંક્રમણ વધુ છે, પરંતું મૃત્યુઆંક કંટ્રોલમાં છે. ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને વેક્સીન અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news