બીજીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો

Rathyatra 2023 : સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો... સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને પાઠવી શુભેચ્છાઓ

બીજીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો

Ahmedabad Rathyatra 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત બીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. 

આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૬મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે બીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે. મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને  નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે.

આ અવસરે મહંત દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ - શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news