અરવલ્લીમાં ભાજપે ખેલ પાડ્યો : 40 વર્ષથી જોડાયેલા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કર્યા
Gujarat Politics : અરવલ્લીના કોંગ્રેસના મોટા નેતાઓ જોડાયા ભાજપમાં..સી. આર. પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા..દાયકાઓ જૂના કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણી સમયે છોડ્યો કોંગ્રેસનો સાથે..
Trending Photos
Arvalli News સમીર બલોચ/અરવલ્લી : લોકસભા પહેલા કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. એક તરફ શક્તિસિંહ ગોહિલ પાર્ટીને મજબૂત કરવા મથી રહ્યાં છે અને આપમાં ગયેલા કોંગ્રેસીઓની ઘરવાપસી કરાવી રહ્યું છે, ત્યાં કોંગ્રેસના જ ઘરમાં મોટું ગાબડું પડ્યું. અરવલ્લીમાં આજે ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટીનું મોટું એન્કાઉન્ટર કરાયું. લોકસભાની ચૂંટણની પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 350 થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા ગયા છે. આ સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપમાં ફરીથી એન્ટ્રી મળી છે. તમામને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ખેસ પહેરાવ્યાં હતા. દાયકાઓ જૂના કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસનો સાથ છોડતા હવે અરવલ્લીમા કોગ્રેસ માટે કપરા ચઢાણ બની રહેશે.
અરવલ્લીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય તેનાથી કોંગ્રેસને મોટી અસર પડી શકે છે. અરવલ્લી જિલ્લાનું કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપ સાથે જોડાયું છે. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. તો કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ ભાજપમાં જોડાયા છે. અરવલ્લી કોંગ્રેસમાં મોટા માથા કહી શકાય તેવા બધા ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના પૂર્વ જિ.પં.કારોબારી ચેરમેન અને સાબરડેરી ડિરેક્ટર સચિન પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ધનસુરા યાર્ડના વા.ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. બાયડ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ ફરીથી ભાજપમાં જોડાયા છે. તો બાયડના કોંગ્રેસ નેતા દોલતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે.
આમ, ૩૦ થી ૪૦ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કર્યા છે. આપ પાર્ટીના ચૂંટાયેલા તાલુકા સદસ્ય રાહુલ સોલંકીએ ભાજપનો ખેસ પહેરીને પક્ષપલટો કર્યો. કાર્યક્રમની શરુઆતે જ ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, તમારાથી કાર્યકરો નારાજ છે. હવે ગુંદર ચોંટાડીને રહેજો. કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે કહ્યુ હતુ. બાયડના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટાયા હતા. જેને લઈ હવે આ નારાજગી કાર્યકરોમાંથી દૂર કરવા માટે ટકોર કરી હતી.
અરવલ્લી જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં મોડાસા, માલપુર અને ધનસુરાના તાલુકા કાર્યલયનું ઉદ્ઘાટન કરાયું હતું. સીઆર પાટીલ અને રજનીભાઈ પટેલના હસ્તે મોડાસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કાર્યાલયને શરૂ કરાયા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે