ગુજરાતની આ દીકરીના સાહસને સલામ છે! 22 વર્ષની ઉંમરે બની ગામની સરપંચ

youngest sarpanch in gujarat : ગુજરાતની એક દીકરી કોલેજ પાસઆઉટ થઈ સીધી બની ગામની સરપંચ... વડોદરા નજીક દુમાડ ગામના કલ્પનાબેન ચૌહાણ ગુજરાતના સૌથી યુવાન સરપંચ બન્યા... આને કહેવાય સરપંચ:સરપંચ બનતાની સાથે પંચાયતની આવકમાં કરી વૃદ્ધિ, ગામને ચોખ્ખુ ચણાક કરતા રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં આમંત્ર્યા 

ગુજરાતની આ દીકરીના સાહસને સલામ છે! 22 વર્ષની ઉંમરે બની ગામની સરપંચ

Vadodara News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોથી પ્રેરાઇને વડોદરાની ૨૪ વર્ષીય વિદ્યાર્થિની ગામની સરપંચ બની છે. હાલમાં સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ છાત્રા માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ પદ ધારણ કરી, ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે. સરપંચ બનતાની સાથે તેમણે ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી દીધી છે. 

વડોદરાની ભાગોળે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પના ચૌહાણને જૂઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે, પણ આ હકીકત છે. ગામની આ દલીત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે. 

ડિસેમ્બર – ૨૦૨૨ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલા કલ્પનાબેને ૧૭-૦૧-૨૦ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ અને બીકોમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ તાજેતાજા બહાર આવ્યા હતા. 

કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું ? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, મારા પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. વળી, વડાપ્રધાન મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે નેતૃત્વનો એક સશક્ત અને સ્વચ્છ ચહેરો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો છે. તેનાથી પ્રેરાઇને સરપંચ બનવાનું નક્કી કર્યું. પિતાનો સહયોગ મળ્યો. ગામ લોકોનો ટેકો મળ્યો.

સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા આપતા કલ્પના ચૌહાણ કહે છે, અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂ. ૭૫ લાખ જેટલું છે. આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે રૂ. ૧૪થી ૧૫ કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે. 

તે કહે છે, અમે પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને ૨૬૦થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને ૫૦થી વધુ પરિવારોને એનએફએસએ યોજના હેઠળ અનાજ અપાવવામાં મદદરૂપ થયા છીએ. 

કલ્પનાની શૈક્ષણિક કારકીર્દિ પણ ઉજ્જવળ રહી છે. એમએસડબલ્યુના બે સેમેસ્ટરમાં ડિસ્ટિક્શન, કોલેજ, શાળામાં પણ પ્રથમ વર્ગ મેળવીને તેઓ ઉત્તીર્ણ થયા છે. 

દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે કછોટો વાળ્યો છે. ગામમાં ઘરેઘરે જઇને લોકોને સમજાવ્યા છે. શેરી બેઠકો કરી. તેનું પરિણામ મળ્યું. ગામ ચોખ્ખુ ચણાક થયું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું. બીજી ઓક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાં માત્ર કલ્પનાબેનને જ આમંત્રણ મળ્યું હતું. 

દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિક કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે. 

દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે.  ગામના તલાટી મંત્રી મિતા ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક પ્રયત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news