અમરેલીની શાંતા બા હોસ્પિટલની ગંભીર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ ચાર લોકોએ આંખની રોશની ગુમાવી
અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 25 જેટલા લોકોને ઇન્ફેક્શનની ગંભીર અસર થઈ હતી. આ ઓપરેશન બાદ ચાર મહિલાઓએ આંખની રોશની ગુમાવી દીધી છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી દીધી છે. શાંતા બા હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 25 જેટલા દર્દીઓને અસર થઈ હતી. આ ઘટના બાદ દર્દીઓને સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીમાં આવેલી શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી દીધી છે. નવેમ્બર મહિનામાં કરવામાં આવેલા આ ઓપરેશનમાં 25 જેટલા દર્દીઓને અસર થઈ હતી. ત્યારબાદ 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર મહિલા દર્દીઓની આંખની રોશની જતી રહી છે.
આરોગ્ય મંત્રિ ઋષિકેશ પટેલનું નિવેદન
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમરેલીની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શાંતા બા મેડિકલ કોલેજમાં 17 ઓપરેશન થયા હતા. જેમાં 12 લોકોને બેક્ટેરિયાને કારણે અસર થઈ હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેટલાક લોકોને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અમુક લોકોને રજા આપી દેવામાં આવી છે.
આ ચાર મહિલાઓએ આંખની રોશની ગુમાવી
1. લાભુબેન 60 વર્ષ
2. શારદાબેન 60 વર્ષ
3. આશુબેન 60 વર્ષ
4. રોશનબેન બેલીમ 88 વર્ષ
અમરેલીની શાંતા બા હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 6 દર્દીઓને 22 નવેમ્બર આસપાસ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમરેલીમાં ઓપરેશન બાદ આંખમાં ઈન્ફેક્શન થતાં તમામને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં દાખલ કરવામાં આવેલ ચાર મહિલાઓ સહિત કુલ છ લોકોને આંખના ઇન્ફેક્શનની સારવાર કરીને રજા આપી દેવામાં આવી છે. પરંતુ ચાર મહિલાઓને હજુ સુધી કંઈ દેખાતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે