વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર વિવાદ: કરોડોની કિંમતના 25 મેદાનો 1 રૂપિયાના ટોકન ભાડેથી આપ્યા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા કોર્પોરેશનમાં પ્લોટને એક રૂપિયાના ટોકન ભાડે લઈને ગરબા આયોજકો કમાણીની સાથે રાજકીય લાભ પણ લઈ રહ્યા છે. વડોદરા કોર્પોરેશને કરોડોની કિંમતના 25 મેદાનો 1 રૂપિયાના ટોકન ભાડેથી આપી દીધા છે.
વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબાના આયોજનમાં ગરબા આયોજકો કોર્પોરેશન પાસેથી મફતમાં ગરબા મેદાન મેળવીને લાખોની કમાણી કરવા ઉપરાંત રાજકીય લાભ પણ મેળવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન પાસેથી એનજીઓ કે કલ્ચરલ સંસ્થાના નામે મેદાન એક રૂપિયાના ટોકન ભાડાથી મેળવી આયોજન કરી રહ્યા છે, વડોદરા કોર્પોરેશને આવા 25 મેદાન એક રૂપિયા ટોકન ભાડેથી આપ્યા છે ત્યારે ગરબા આયોજકો મફતમાં જમીન મેળવી રમવા આવતા ખેલૈયાઓ પાસેથી પાસના નાણાં અને ખાણી પીણીના સ્ટોલનું ભાડું ઉઘરાવે છે. આ ઉપરાંત જે તે વિસ્તારમાં પોતાનો રાજકીય હોલ્ટ ઊભો કરવા ગરબાના આયોજન કરે છે તેનો વિરોધ ઉઠ્યો છે.
વડોદરા મહાનગર પાલિકા પાસેથી એક રૂપિયાના ટોકનથી પ્લોટ આપવાની ભલામણ પણ નેતાઓ જ કરતા હોય છે અથવા તો ગરબા આયોજન સાથે જોડાયેલા હોય છે. શહેરમાં ભાજપ પ્રમુખ વિજય શાહ, કોર્પોરેટર મનોજ પટેલ,ભાજપ નેતા રાજેશ આયરે, દિનેશ યાદવ, જીતેન્દ્ર રાય, ઉમંગ બ્રહ્મભટ્ટ, કમલેશ પટેલે એક રૂપિયાના ટોકન ભાડાથી મેદાન મેળવીને ગરબા કરી રહ્યા છે. જોકે આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન વર્ષોની પરંપરા મુજબ મેદાન આપતા હોવાનું જણાવે છે.
મફતના ભાવે મેદાન મેળવીને ખેલૈયાઓ પાસેથી પાસના નાણાં મેળવવા, સ્ટોલ ભાડે આપી ભાડું લેવું તેમજ 9 દિવસ રાજકીય પાર્ટીના નેતાઓને બોલાવીને પ્રચાર પણ કરવામાં આવે છે. જોકે આ બાબતે ગરબા આયોજકો કહે છે કે કોર્પોરેશન વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબા અને હિન્દુ સાંસ્કૃતિનું જતન કરવા આવી રહ્યું છે અને આયોજકો પોતાના નાણાં નાખીને પણ આ ઉત્સવ કરતા હોય છે. સાથે જ બહેનોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવે છે અને વ્યવસ્થા જળવાય તે માટે ખેલૈયા ભાઈઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.
નવલા નોરતાનામાં ગરબાની આયોજન એ ખુબ જ અઘરું કામ છે, જોકે તેની સાથે સાથે એક રૂપિયાની નજીવી કિંમતે મેદાન મેળવીને ગરબા યોજી વિસ્તારમાં લોકો સાથે જોડાઈ રહેવાનું એક માંધ્યમ પણ છે અને રોજ નેતાઓને બોલાવી આરતી કરાવી રાજકીય રીતે પણ તેનો લાભ લેવાનો પ્રયાસ પણ જરૂર કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે