ગુજરાતમાં અહીં ઊજવાયો હતો એશિયાનો સૌપ્રથમ ગણેશોત્સવ, દોઢ સદી પહેલાં શરૂ થઈ હતી અનોખી પરંપરા

અહીં 10 ના બદલે કુલ 11 દિવસ સુધી ગજાનન ગણપતિદાદાની પૂજા કરવામાં આવે છે. અને ત્યાર બાદ વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ ગજાનનનું વિસર્જન કરવામાં આવે છે. અંદાજે છેલ્લાં 150 વર્ષથી ગુજરાતમાં ચાલી આવે છે આ પરંપરા. 

  • 145મો ગણેશોત્સવ ઊજવી રહી છે ગજાનંદ મંડળી સ્થાપિત ગણેશવાડી

  • દાદાની મૂતિને પાલખીમાં બેસાડી ગણેશવાડીમાં સ્થાપના કરવામાં આવી

    એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવ પાટણમાં ઊજવાયો હતો

    વર્ષ 1878થી શરૂ થયેલી પરંપરા આજે પણ યથાવત્

Trending Photos

ગુજરાતમાં અહીં ઊજવાયો હતો એશિયાનો સૌપ્રથમ ગણેશોત્સવ, દોઢ સદી પહેલાં શરૂ થઈ હતી અનોખી પરંપરા

ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં કહેવાય છેકે, દરેક શુભકાર્યની શરૂઆત વિધ્નહર્તાની પૂજા-અર્ચના અને તેમના આર્શીવાદ લઈને કરવામાં આવે છે. આની પાછળ પણ એક દંતકથા છૂપાયેલી છે. જોકે, આજે ગણેશ ચતુર્થીના પર્વ પર વાત કરીશું ગુજરાતમાં અંદાજે 150 વર્ષથી ચાલી આવતી પરંપરાની. શું તમે જાણો છોકે, એશિયામાં જ નહીં પણ દુનિયાભરમાં પહેલીવાર ગણેશ મહોત્સવ ક્યારે ઉજવાયો હતો? ઈતિહાસના પન્નાઓમાંથી જાણકારી આપવામાં આવી છેકે, સમગ્ર એશિયા પહેલીવાર ગણેશ મહોત્સવ ગુજરાતમાં યોજાયો હતો.

સમગ્ર રાજ્ય અને દેશભરમાં ભાદરવા સુદ ચોથના દિવસથી, એટલે કે આજથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે. 10 દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પણ અહીં વાત કરીશું સૌથી પહેલાં ગણેશ મહોત્સવ અને તેની સાથે જોડાયેલાં ઈતિહાસ અને યાદોની. ગુજરાતના પાટણમાં સૌથી પહેલીવાર ગણેશોત્સવની સામુહિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવની વિશેષતાએ છે કે આની શરૂઆત એશિયામાં સૌપ્રથમ, એટલે કે 1878માં મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા પાટણથી કરવામાં આવી હતી. આજે પાટણ ખાતે ભદ્ર સ્થિત ગણેશવાડીમાં ચાલુ વર્ષે 145મા ગણેશોત્સવની ઉજવણી માટે વડોદરાથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવામાં આવી છે, જેની સ્થાપના ગણેશવાડીમાં કરવામાં આવી છે. અહીં 10 ના બદલે કુલ 11 દિવસ સુધી ગજાનન ગણપતિદાદાની પૂજા કરવામાં આવે છે. અને ત્યાર બાદ વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ ગજાનનનું વિસર્જન કરવામાં આવે છે.

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં વર્ષ 1878માં સૌપ્રથમ મહારાષ્ટ્રિયન પરિવાર દ્વારા પાટણના નગરજનોને સાથે રાખી સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા રામજી મંદિરની સામે મરાઠી સ્કૂલ હતી એમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ બે-ચાર વર્ષ રામજી મંદિર ખાતે અને ત્યાર બાદ બાદ આજ વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિર ખાતે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિને ભદ્ર વિસ્તારમાં જ પોતાની જગ્યા મળતાં ગણેશવાડીની સ્થાપના કરી ત્યારથી જ ગણેશ વાડી ખાતે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે.

વર્ષ 1878માં ગણેશ મહોત્સવ શરૂ થયો હતો-
મંદિરો અને ધાર્મિક સ્થળોથી શોભાયમાન પાટણ નગરમાં ભદ્ર વિસ્તારમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા સ્થાપિત ગણેશવાડી આવેલી, જે શહેર વાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર 140 વર્ષ ઉપરાંતથી બની રહી છે. ગણેશવાડી મહોત્સવના આયોજક સુનીલભાઈ પાગેદાર જણાવ્યા મુજબ, સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનો આરંભ 1893માં લોકમાન્ય ટિળકે કરાવ્યો હતો એવું માનવામાં આવે છે. પાટણમાં એ પૂર્વેથી એટલે કે 1878થી મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા ગણેશ મહોત્સવ શરૂ કર્યો હતો. ત્યારથી આજ સુધી ગણેશ મહોત્સવ પરંપરાગત ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા પૂજા, આરતી, હરિકિર્તન, પુરાણ, મંત્ર, જાગરણ અને નાટક જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.

પાટણમાં 25 જેટલા મહારાષ્ટ્રિયન પરિવારો-
પાટણમાં 25 જેટલા મહારાષ્ટ્રિયન પરિવારો વસે છે. દરેક મરાઠી પરિવારોમાં કોઈપણ સભ્યના ઘરે ગણેશજીની સ્થાપના કરાય છે, એટલે દર વર્ષે ગણેશવાડીમાં સાર્વજનિક અને 25થી વધુ ઘરોએ માટીના ગણેશ સ્થાપિત કરી મહોત્સવ ઊજવાય છે. ગણેશપૂજનમાં શ્રીનો અથર્વાભિષેક સૌથી વધારે મહાત્મ્ય ધરાવે છે. લોકમાન્ય ટિળકે ગણેશ મહોત્સવ શરૂ કરાવ્યો એના પહેલાંથી પાટણમાં ગણેશોત્સવ ઊજવાય છે.

શરૂઆત થઈ ત્યારે 11 દિવસનો હતો આ ઉત્સવ-
પાટણ શહેરમાં ગાયકવાડી રાજમાં વહીવટદાર ગોવિંદરાવ યશવંતરાવના હસ્તે ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પાટણના રામજી મંદિર, કૃષ્ણ મંદિર અને મરાઠી શાળામાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. પાટણથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ત્યારે ઉત્સવ 11 દિવસનો હતો. સુરતના પાલિકા સાયન્સ સેન્ટરમાં રાખેલી પ્રતિમાની માહિતી સાથે આ ઉલ્લેખ કર્યો છે.

શતાબ્દી વખતે વહેંચાયા હતા ચાંદીના સિક્કા-
1878માં શરૂ થયેલી ભગવાન ગણેશજીની ઉજવણીનાં 50 વર્ષ પૂર્ણ થતાં એટલે 1928માં સુવર્ણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ વખતના સંસ્થાના અધ્યક્ષ ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોષીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરી મહારાષ્ટ્રિયન તમામ પરિવારોને, જેઓ સંસ્થામાં સભ્ય હતા તેમજ દાનવીર શ્રેષ્ઠીઓને ચાંદીના સિક્કા પાટણ ગજાનન મંડળી દ્વારા ભેટ આપવામાં આવ્યા હતા તેમજ 1978માં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એમાં ભગવાનના ફોટાવાળા ચાંદીના સિક્કાની વહેંચણી કરવામાં આવી હતી.

બે વખત સાવ સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી-
વર્ષ 1942માં મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા શરૂ કરાયેલી ભગવાન મહોત્સવની ઉજવણી, એટલે કે ગણેશચતુર્થીની ઉજવણી 75 વર્ષ પૂર્ણ થતાં હોઈ, એની ઉજવણીની તૈયારી હાથ ધરાઈ હતી, પરંતુ એ સમયે દેશની આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી અને લોકો આઝાદીની ચળવળમાં હતા, જેને પગલે છેવટે ભગવાન ગણેશચતુર્થીની 75 વર્ષની ઉજવણીનો કાર્યકમ ધામધૂમથી કરવાનો મોકૂફ રાખી સાદગીથી ઉજવણી કરાઈ હતી. તો 2020 કોરોના મહામારીને કારણે પણ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. જ્યારે 2021માં પણ સાદગીપૂર્ણ રીતે મહોત્સવ ઊજવાયો હતો, જ્યારે 2022માં 11 દિવસ ધામધૂમથી 145મા ગણેશ મહોત્સવની ઉજવણી કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news