GANDHINAGAR: કતારનાં ગુજરાતી નાગરિકો સાથે CM રૂપાણીએ કર્યો સંવાદ
Trending Photos
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કતાર ગુજરાતી સમાજના આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે, કોરોના મહામારી અને તાઉ’તે વાવાઝોડા જેવા કપરાકાળમાં વતનનો સાદ સાંભળીને માતૃભૂમિની સેવા માટે કતાર ગુજરાતી સમાજે મદદની પહેલ કરી છે તે તમારો વતન પ્રેમ અને વતન પ્રત્યે આત્મીયતાની પ્રતિતી કરાવે છે. ગુજરાત સહિત ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ખૂબ લોકો સંક્રમિત થયા હતા. ગત ૩૦ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ૧૪-૧૫ હજાર કોરોના કેસ આવતા હતા એ જે આજે ઘટીને ૨૮૦૦ થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ પણ ૯૧ ટકાએ પહોંચ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આરબ દેશ કતારના ગુજરાતી સમાજના હોદ્દેદારોનો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી સંવાદ યોજાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અંદાજે ૨૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા તાઉ’તે વાવાઝોડું ગુજરાતને ૨૫ કલાક ઘમરોળતું રહ્યું છતાં પણ રાજ્ય સરકારના માઇક્રોપ્લાનિંગથી આપણે મોટી જાનહાનિ ટાળી શક્યા. દરિયાકાંઠાના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં થયેલ નુકસાનીના પુન:વર્સન- રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર, મેઇક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાન થકી ભારત પુન: વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત પણ તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓના સુખ દુ:ખમાં અમે સહભાગી છીએ, તેમનું ગુજરાત સાથે જોડાણ, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત થકી આપણા સંબંધો વધુ જીવંત બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ કતાર ગુજરાતી સમાજ તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં મળેલ રૂ. ૧૦ લાખના યોગદાન બદલ સાડા છ ગુજરાતીઓ વતી કતાર ગુજરાતી સમાજનો આભાર માન્યો હતો. કતાર ગુજરાતી સમાજના પ્રમુખ દેવાંગ પટેલ, અગ્રણી ચેતન તલાટી, સંજય મલહોત્રા, દુષ્યંત બારોટ અને રાજીવ ગાંધી સહિતના આગેવાનો કતારથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંવાદમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે