'જો પ્રજાનાં કામ નહીં થાય તો ગુજરાતમાં થશે કર્ણાટકવાળી', ગુજરાતના માજી મંત્રી અને હાલના MLA એ વ્યક્ત કર્યો 'ડર'
પૂર્વ મંત્રી અને ઉમરગામથી ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે દહેશત વ્યક્ત કરી છે કે જો પ્રજાનાં કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ કર્ણાટકવાળી થશે. રમણ પાટકરે અધિકારીઓ અને કાર્યકરોને જનતાનાં કામ કરવાની ટકોર કરી છે.
Trending Photos
નિલેશ જોશી/ ઉમરગામ: કર્ણાટકમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસનું બુલડોઝર એવું ચાલ્યું છે કે ભાજપના બજરંગબલી જેવા હિન્દુત્વના મુદાઓ સાફ થઈ ગયા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી જ નહીં પાર્ટી 135થી વધુ સીટો પર અને ભાજપ 63 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબર પર છે. ત્યારે પૂર્વ મંત્રી અને ઉમરગામથી ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે દહેશત વ્યક્ત કરી છે કે જો પ્રજાનાં કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ કર્ણાટકવાળી થશે. રમણ પાટકરે અધિકારીઓ અને કાર્યકરોને જનતાનાં કામ કરવાની ટકોર કરી છે.
કર્ણાટકના વિધાનસભાના નિર્ણયને ધ્યાનમાં રાખતા ગુજરાતના માજી મંત્રી અને હાલના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પોતાનો ડર વ્યક્ત કર્યો છે. તેમણે દહેશત વ્યક્ત કરીને અધિકારીઓ અને કાર્યકરોને ટકોર કરી હતી કે, જો પ્રજાના કામ સમયસર ન થશે તો ગુજરાતમાં કર્ણાટક વાળી થશે. અધિકારીઓને ટાંકતા તેઓએ વધુમાં જણાવ્યું કે જો પ્રજાના કામ સમયસર ન કરવામાં આવશે તો નેતા અને પદાધિકારીઓનું પ્રજાથી અંતર વધી જશે જેને લઈને કર્ણાટક જેવું પરિણામ ગુજરાતમાં આવી શકે.
કર્ણાટકની નહીં ગુજરાતની રણનીતિની હાર
નોંધનીય છે કે, ભાજપે કર્ણાટકમાં ત્રિશંકુ સ્થિતિ રચાય તો પણ સરકાર બનાવવાની તૈયારીઓ કરી હતી પણ ભાજપના તમામ આયોજનો ફેલ ગયા છે. કહેવાય છે કે આ કર્ણાટકની નહીં પણ ગુજરાતની રણનીતિની હાર છે. દક્ષિણના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં અસંતોષના માહોલ વચ્ચે ભાજપે ગુજરાતની રણનીતિ અને નેતાઓની ફૌજ ઉતારી હતી. જે તમામ ફૌજના આઈડિયા ફેલ ગયા છે. ચાલુ સરકારના 12 મંત્રીઓ હાર્યા છે.
મહિનો અડીંગા નાખનાર ભાજપના નેતાઓની ચૂપકીદી
કોંગ્રેસના ચાલેલા બુલડોઝરમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. કર્ણાટકમાં ભાજપે જીતવા માટે ગુજરાત મોડેલ ઉતાર્યું હતું. ગુજરાતમાંથી કમલમ અને સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યોની ફૌજ મોકલી હતી. જેઓએ કર્ણાટકમાં છેલ્લા એક મહિનાથી અડીંગા નાખીને પાર્ટીના પ્રચારની જવાબદારી સંભાળી હતી.
ભાજપના નેતાઓ કર્ણાટકમાં બેઠા બેઠા કન્નડમાં Tweet કરવા લાગ્યા હતા. જેઓ ચૂંટણીના આગળના દિવસે જ રિટર્ન થયા છે. કર્ણાટકમાં સરકારના અસંતોષના માહોલ વચ્ચે ગુજરાત જેવો ઈતિહાસ રચવાની જવાબદારી હાઈકમાને ગુજરાત ભાજપને સોંપી હતી. ગુજરાત ભાજપના નેતાઓ પેજ પ્રમુખ જેવીસફળ રણનીતિને કર્ણાટકમાં પણ અજમાવી હતી. જોકે, આજે જાહેર થયેલા રિઝલ્ટે આ તમામ આયોજનોના સૂપડાં સાફ કરી દીધા છે. આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ એ કહેવાના મૂડમાં નથી કે અમે કર્ણાટકમાં એક મહિનો રહીને આવ્યા છે. આ કર્ણાટક કરતાં ગુજરાત ભાજપની રણનીતિની પણ મોટી હાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે