ગાંધીનગરમાં થયું ફાયરિંગ, સચિવાલયના ગૃહ વિભાગના પટાવાળાને ગોળીથી વીંધી નાંખ્યો

Firing In Gandhinagar : ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ પાસે ફાયરીંગનો બનાવ... ગોળી વાગવાથી એક યુવાનનું મોત... સ્થાનિકોએ જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી...

ગાંધીનગરમાં થયું ફાયરિંગ, સચિવાલયના ગૃહ વિભાગના પટાવાળાને ગોળીથી વીંધી નાંખ્યો

આશ્કા જાની/ગાંધીનગર :રાજધાની ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી.  ધોળા દિવસે થયેલા ફાયરીંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર 10 ખાતે થયેલા ખાનગી ગોળીબાર વિશે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. 
 
રાજ્યના પાટનગરમાં ધોળા દિવસે ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર સેક્ટર-10 માં આવેલી બિજ નિગમની કચેરી બહાર ફાયરીંગ કરાયુ હતું. અજાણ્યા બાઇક સવાર દ્વારા સાયકલ પર પસાર થઈ રહેલા કિરણ મકવાણા નામના શખ્સ પર એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં ઈન્દ્રોડા ગામના રહેવાસી 40 વર્ષીય કિરણ મકવાણા મોત થયું છે. કિરણ મકવાણા સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળાની નોકરી કરી કરતા હતા. તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની સાયકલ પર નોકરીમાં જઈ રહ્યા હતા. ત્યારે બિજ નિગમ પાસે તેમના પર ફાયરીગ કરવામાં આવ્યું હતું.

પોલીસે હાલ આ મામલે તપાસ ચાલુ કરી છે. અંગત અદાવતના કારણે ફાયરિંગ કરાયું કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં તપાસ આરંભાઈ છે. મૃતક કિરણ મકવાણા પરિવારમાંના 3 ભાઈઓમાં એક છે. જેમાં કિરણ મકવાણા મોટા હતા. કિરણ મકવાણાના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ સમગ્ર પરિવાર અને ઈન્દ્રોડા ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news