વિપક્ષ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરાઇ રહ્યા છે, રાહત અને ટેકાના ભાવ બંન્ને મળશે
જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી. તે વાત તદન ખોટી : કૃષિ મંત્રી આર.સી.ફળદુ
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે, ત્યારે કેટલાક ખેડૂત હિત વિરોધી તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે તે અત્યંત નિંદનીય છે. જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી એ વાત તદન ખોટી અને પાયાવિહોણી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. અને ખરીફ-૨૦૨૦ની સીઝનમાં કેન્દ્ર સરકારની નાફેડ એજન્સી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે તા. ૦૧-૧૦-૨૦૨૦થી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. જેમાં આજદિન સુધીમાં ૩,૭૧,૩૯૫ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલ છે. અને જે ગત વર્ષની સરખામણીમાં ૭૯ ટકા નોંધણી થયેલ છે. હજી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. તા.૨૧-૧૦-૨૦૨૦થી નાફેડ દ્વારા નિયુક્ત રાજયની નોડલ એજન્સી, ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમ મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. તેમજ મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, અડદ, મગ, બાજરી અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયેલ છે.
મંત્રીએ ઉમેર્યુ કે ચાલુ સાલે ખરીફ-૨૦૨૦ માં ઓગષ્ટમાં ભારે વરસાદને કારણે થયેલ પાકોમાં નુકશાન માટે સહાય આપવા માટે રૂા. ૩૭૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે. જેમાં એસ.ડી.આર.એફ. હેઠળ પાક નુકશાનીમાં જે ખેડુતોને ૩૩% અને તેથી વધારે નુકશાન થયેલ છે તે ખેડુતોને હેટકર દિઠ રૂા.૧૦,૦૦૦ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવનાર છે.
ગુજરાત પોલીસ હવે સાચા અર્થમાં બનશે સિંઘમ, ગૃહમંત્રીએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ
સરકારની ખેડૂતલક્ષી નીતિને સહન ન કરી શકનાર કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવા અને સરકારને બદનામ કરવા માટે અપ્રચાર કરી રહ્યા છે કે જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી. આ પ્રકારની વાતો ખેડૂતોને ગેરમાર્ગે દોરનાર છે.
મંત્રીએ ઉમેર્યુ કે કૃષિ રાહત પેકેજ હેઠળ એસ.ડી.આર.એફ. હેઠળ પાક નુકશાનીમાં જે ખેડુતોને ૩૩% અને તેથી વધારે નુકશાન થયેલ છે તે ખેડુતોને સહાય ચુકવવામાં આવનાર છે. જ્યારે આ નુકશાન બાદ પણ ખેડુતોને જે તે પાકનું ઉત્પાદન પણ મળનાર છે. જેથી ખાસ કરીને જે ખેડુતોને ૩૩% અને તેથી વધારે નુકશાન થયેલ છે તેને એસ.ડી.આર.એફ હેઠળ સહાય પણ મળશે અને તેમને ત્યાર બાદ થયેલ ઉત્પાદનનું ટેકાના ભાવે વેચાણ પણ કરી શકશે. આ બન્ને યોજના જુદી હોઇ ખેડુતો બન્ને યોજનાનો લાભ મેળવી શકે છે. તેથી કેટલાક ખેડૂત વિરોધી અને સરકાર વિરોધી તત્વો દ્વારા ગેરસમજ ફેલાવી રહ્યા છે તેથી ખેડૂતોને આ જાણકારી આપવામાં આવેલ છે જેથી ખેડૂતોએ ગેરમાર્ગે ન દોરાવવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે