ગુજરાતમાં ભારે વરસાદથી મોંઘામૂલા પાકનો થયો સફાયો, ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ઓગસ્ટમાં સતત પડેલા વરસાદને કારણે ખેડૂતો પર ખરાબ અસર થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાક ધોવાયો છે. એટલે કે ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે. 

ગુજરાતમાં ભારે વરસાદથી મોંઘામૂલા પાકનો થયો સફાયો, ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો

અમદાવાદઃ મેઘ તારાજી બાદ હવે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેલ્લા થોડા દિવસથી મેઘરાજા તો એવો તાંડવ કરી રહ્યા છે કે જેમાં ખેડૂતોના મોંઘામૂલા પાકનો તો સફાયો જ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, દક્ષિણ હોય કે મધ્ય હોય, કે પછી ઉત્તર હોય કે પૂર્વ... દરેક વિસ્તારના ખેડૂતોના પાકને મેઘરાજાએ સોથ વાળી દીધો છે. 

રાજકોટના ઉપલેટામાં મેઘ તારાજી સર્જાતા ખેડૂતો લાચાર બન્યાં છે. કપાસ હોય કે તુવેર હોય દરેક પાક ખેતરમાં જ ઊંધો વળી ગયો છે. મોટી પાનેલીના ખેડૂતનો તુવેરનો પાક નાશ થતાં ખેડૂતે કંટાળીને પોતાના પાકને ઉખાડીને ફેંકી દીધો છે. 

ઉપલેટા વિસ્તારમાં માત્ર તુવેર જ નહીં કપાસના પાકનો પણ સોથ બોલી ગયો છે. ખેડૂતોના ખેતરોમાં જાણે કપાસનો પાક ધોવાઈ જ ગયો છે. એટલું જ નહીં પૂરના પાણીએ તો ફળદ્રુપ જમીનનું પણ ધોવાણ કરી નાંખ્યુ છે. 

જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતોનો પણ અનોખો વિરોધ કરી રહ્યા છે. ઉપલેટાના ખેડૂતોએ નાશ પામેલા પાકનું બેસણું જ રાખી દીધું. આ બેસણું ફક્ત દેખાડાનું નહોતું પરંતુ સરકાર આ નિસહાય બનેતા ખેડૂતોની વ્હારે આવે એ માટેનું હતુ. 

સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ જિલ્લાની સાથે સાથે વડોદરા જિલ્લાના ખેડૂતોની પણ એવી જ હાલત છે. વડોદરામાં તો મેઘરાજા અનરાધાર વરસ્યા છે. પાદરાનું કોઠવાળા મેઢાદ ગામમાં તો હજુ પણ પાણી ઓસર્યા નથી. તો પાદરાના 12 ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળતાં ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક પણ સંપૂર્ણ ધોવાઈ જ ગયો છે. એટલું જ હજારો હેક્ટરમાં વાવેલા કપાસ, તુવેર સહિતના પાકને પણ પારાવાર નુકસાન થવા પામ્યું છે. 

વડોદરા જિલ્લામાં વરસાદી પૂરના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ ખેડૂતોને વધુ સહાય આપવા માંગ કરી છે.  મેઘરાજાએ તો ખેડૂતોના પાકને ધોઈ નાંખ્યો છે. હવે સર્વેની કામગીરી થશે, પ્રજાના પ્રતિનિધિઓ પણ રજૂઆત કરશે. પરંતુ આ બધાની વચ્ચે જગતના તાતની એક જ માગ છે કે સરકાર પાક નુકસાન સામે યોગ્ય વળતર આપે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news