પહેલાં વરસાદી આફત, હવે રોગચાળાનો ખતરો, ઘરે-ઘરે જોવા મળી રહ્યાં છે બીમારીના ખાટલા

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળી હતી. શહેરોમાં પાણી ભરાયા હતા. પરંતુ હવે રોગચાળાનો ખતરો ઉભો થયો છે. ભારે વરસાદ બાદ હવે બીમારીઓ વધી રહી છે. 

પહેલાં વરસાદી આફત, હવે રોગચાળાનો ખતરો, ઘરે-ઘરે જોવા મળી રહ્યાં છે બીમારીના ખાટલા

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. તેમાં પણ સુરત અને વડોદરામાં થયેલા અનરાધારના કારણે હવે શહેરના રસ્તાઓ પર ગંદકીના થર જામ્યા છે. વડોદરામાં પૂરના પાણી અને સુરતમાં ખાડી પૂરના પાણી લોકોના ઘર સુધી ઘુસી ગયા હતા. ત્યારે વરસાદી આફત રોગચાળાએ માઝા મુકી છે. પાણી જન્યની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળો વકરતાં હવે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. 

વકરતા રોગચાળાથી સૌથી ખરાબ સ્થિતિ સુરત શહેરની થઈ છે. કેમ કે સુરતમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કારણે 4 દિવસમાં જ 7 દર્દીઓના મોત થયા છે. તો કાપોદ્રા વિસ્તારમાં એક 20 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. રોગચાળો એ હદે પહોંચી ગયો છે કે માત્ર સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ રોજના 150થી 200 જેટલા તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં પણ વકરતા રોગચાળાએ બાળકોને ચપેટમાં લેતા હોસ્પિટલોમાં પણ બીમાર બાળકોની લાઈનો જોવા મળી રહી છે.

જેવી સ્થિતિ હાલ સુરતની છે, તેવી જ સ્થિતિ વડોદરાની પણ થાય તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે. કેમ કે વરસાદી પૂર બાદ આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદગીના થર જામ્યા છે. ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સતત વડોદરાની મુલાકાત લઈ રહ્યા છે. તંત્રની કામગીરી પર સતત દેખરેખ રાખી રહ્યા છે. 

જે રીતે હર્ષ સંઘવી વડોદરામાં રોગચાળાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડોદરાના તબીબો પણ આ અભિયાનમાં સરકારની સાથે ખડેપગે ઉભા છે.

હાલ વારંવાર બદલાતા વરસાદી માહોલ અને વકરતા રોગચાળાના પગલે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે તબીબો પણ લોકોને ખૂબ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. જેમાં બહારનું ખાવાનું ટાળવા, વાસી ખોરાક ન ખાવા અને સતત હાથ ધોતા રહેવાની અપીલ તબીબો કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news