12 મહિનાના એક સાથે મસાલા ભરો છો તો સાચવજો, વેપારીઓ કરે છે આ બ્રાન્ડમાં ભેળસેળ : અહીં પડ્યા દરોડા

હળદર, મરચા જેવા મસાલામાં ઝેરી વસ્તુ ભેળસેળ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. આ કંપનીની બ્રાન્ડમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવતી હતી. 

12 મહિનાના એક સાથે મસાલા ભરો છો તો સાચવજો, વેપારીઓ કરે છે આ બ્રાન્ડમાં ભેળસેળ : અહીં પડ્યા દરોડા

ગાંધીનગરઃ ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડિયાદ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હળદર, મરચા પાઉડર, અથાણાના મસાલા અને ધાણા પાઉડર જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું હતું. નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડ પાસે આવેલ મે. દેવ સ્પાઇસિસ, કમલા ગામ ખાતે રેલવે ક્રોસિંગની બાજુમાં આવેલ મે. શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન અને નાની સીલોદ ખાતે આવેલ મે. ડી દેવ સ્પાઇસિસ પ્રા.લી.મા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જેથી તેના કુલ ૧૨ મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૬૧,૬૯૦ કિ.ગ્રા જથ્થાની અંદાજીત કિંમત રૂ. ૭૩,૨૭,૦૫૦ થાય છે. આ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

વધુમાં મે. દેવ સ્પાઇસિસ દ્વારા ઉપરોક્ત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવીને મે. ડી. દેવ સ્પાઇસિસને વેચવામાં આવતો હતો, જેને નિકાસ કરવામાં આવતો હતો તથા મસાલામાં વપરાતા હળદરની ઓલિયો રેઝિન મે. ડી. દેવ સ્પાઇસિસ દ્વારા Becarre Speciality Ingrdients, કોચીન, કેરલાથી મંગવવામાં આવતું હતું. મે. શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન દ્વારા લોકલ માર્કેટમાં એક્સટ્રા હોટ તેજ મરચા પાઉડર, અપ્પુ બ્રાન્ડ મિર્ચ પાઉડર, ટાઇગર બ્રાન્ડ તીખાલાલ મિર્ચ પાઉડર, તીખાલાલ, જ્યોતિ તેજા મરચું જેવા બ્રાન્ડનેમથી આ ભેળસેળ યુક્ત મસાલા વેચવામાં આવતા હતા.

ભૂતકાળમાં પણ સદગુરુ ટ્રેડીંગ ખાતે શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલા તપાસ દ્વારા મળી આવ્યા હતા. જેમાં તેને કુલ રૂ. ૬,૭૫,૦૦૦ નો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓની સામે નામદાર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલી રહી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરશ્રીની યાદીમાં જણાવાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news