અસભ્યતાનો પરચો આપતા વાહનચાલકો ચેતજો! ગુજરાતનાં કયાં કયાં શહેરોમાં હવેથી જાહેરમાં થૂંકવું પડશે ભારે?
હવે શહેરોમાં સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે જાહેરમાં થૂંકનારાઓ પર તવાઈ આવી છે. રાજકોટ, સુરત અને વડોદરામાં સીસીટીવી કેમેરાના નેટવર્કના માધ્યમથી જાહેરમાં થૂંકનારાઓ પર નજર રખાય છે અને તેમને દંડ ફટકારવામાં આવે છે. કેવી રીતે આ સમગ્ર કામગીરી ચાલે છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રસ્તા પરથી પસાર થતાં ઘણા વાહનચાલકો કે રાહદારીઓને તમે પાનમસાલા ખાઈને થૂંકતા જોયા હશે. રસ્તા પર અમુક દ્રશ્યો એવા જોવા મળે છે કે કોઈને પણ જોવા ન ગમે, પણ થૂંકનારાઓને કોઈની ચિંતા નથી. આ જ કારણ છે કે હવે શહેરોમાં સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે જાહેરમાં થૂંકનારાઓ પર તવાઈ આવી છે. રાજકોટ, સુરત અને વડોદરામાં સીસીટીવી કેમેરાના નેટવર્કના માધ્યમથી જાહેરમાં થૂંકનારાઓ પર નજર રખાય છે અને તેમને દંડ ફટકારવામાં આવે છે. કેવી રીતે આ સમગ્ર કામગીરી ચાલે છે.
જાહેરમાં થૂંકવું અસભ્યતાની નિશાની છે. પાનમસાલા, માવા અને તમ્બાકુ ખાઈને જગ્યા જોયા વિના બિંદાસ્ત રીતે થૂંકી દેતા લોકો તો નિર્લજ્જતાની હદ વટાવે છે. આ લોકો ન તો જાહેર જગ્યાએ સ્વચ્છતાની ચિંતા કરે છે કે ન તો આસપાસથી પસાર થતાં અન્ય લોકોની. તેઓ કોઈ પણ જગ્યાને પોતાની માલિકીની સમજી લે છે. જો કે હવે તંત્ર આ દૂષણ સામે જાગી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મનપા સીસીટીવી કેમેરાના નેટવર્કથી આવા તત્વો પર નજર રાખીને દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.
રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકતા કે થૂંકનારા વાહનચાલકો પર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમથી સતત નજર રાખવામાં આવે છે. જો કોઈ વાહનચાલક જાહેરમાં થૂંકતા CCTV કેમેરામાં કેદ થાય તો તેને દંડ ફટકારવામાં આવે છે. 2017થી અત્યાર સુધી નવ હજાર લોકોને જાહેરમાં થૂંકવા બદલ 23 લાખ રૂપિયાનોનો દંડ કરવામાં આવ્યો છે. જો કોઈ વાહનચાલક પહેલી વાર જાહેરમાં થૂંકતા પકડાય તો તેને 250 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. બીજી વખત ઝડપાય તો વાહન ચાલકની વિગત RTOને આપવામાં આવે છે, જ્યાં તેનું લાયસન્સ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.
સુરત મનપાએ પણ પાનમસાલા કે માવા ખાઈને જાહેરમાં થૂંકનારા લોકો સામે ઝુંબેશ હાથ ધરી છે. શહેરમાં જુદી જુદી જગ્યાએ લગાવેલા 3250 સીસીટીવી કેમેરાની મદદથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર આવા વાહનચાલકો પર નજર રાખે છે. થૂંકનારા વાહનચાલકોને 100 રૂપિયાનો દંડ કરાય છે. અત્યાર સુધી 155 લોકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે, જેમાંથી ફકત 40 લોકોએ જ ઈ ચલણ ભર્યા છે. જે વ્યક્તિ દંડ નહીં ભરે કે પછી દંડ ભરવામાં વિલંબ કરશે તો તેને 100 રૂપિયાના બદલે 250 ભરવા પડશે. વાહનચાલકનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે. આવા લોકોને તંત્ર કોર્ટ સુધી પણ ઢસડી જશે. એટલે કે પાનની પિચકારી મોંઘી પડી શકે છે.
વડોદરા શહેરમાં પણ જાહેરમાં થૂંકતા અને ગંદકી કરતા લોકો સામે છેલ્લા 6 મહિનાથી મનપા કાર્યવાહી કરી રહી છે. શહેરમાં લગાવેલા 1600 સીસીટીવી કેમેરાની મદદથી લોકો પર રાખવામાં આવે છે. વાહનના નંબરના આધારે જાહેરમાં થૂંકનારાઓને ઈ-મેમો મોકલવામાં આવે છે. રસ્તા, ફૂટપાથ, જાહેર દિવાલો અને જાહેર ઈમારતોને થૂંકનીને બગાડવાનો અધિકાર કોઈને નથી. આ એક એવી કુટેવ અને અસભ્યપણુ છે, જેને દૂર કરવા જરૂરી છે. પછી તેનું માધ્યમ દંડાત્મક કાર્યવાહી હોય કે સજા, વ્યક્તિમાં સમજ અને નાગરિક તરીકેની જવાબદારી ન હોય તો કાયદાની કઠોરતા જરૂરી છે. તંત્રએ આ કાર્યવાહીને વધુ વ્યાપક અને આકરી બનાવવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે