શું તમે રાજકીય કારકિર્દી બનાવવા માંગો છો? સર્વ સમાજના યુવાનોને આ સંસ્થા આપશે ટ્રેનિંગ
કહેવાય છે કે સૌથી સારામાં સારું સેવા કરવા માટેનું અને દેશના હિત કાજે કાર્ય કરવાનું ક્ષેત્ર હોય તો એ રાજકારણ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની અંદર તમે પ્રવેશી અને ન‘તો માત્ર સમાજ, શહેર પરંતુ સમગ્ર રાજ્યનો અને દેશનો સર્વાંગી વિકાસ કરી શકો છો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: તાજેતરમાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જેની પાછળ કારણ હતું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ. તમામ રાજકીય પક્ષો નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે તલ પાપડ હતા. પરંતુ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ નહિ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે તેમણે આ નિર્ણયની સાથે રાજકીય ક્ષેત્રે કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તે માટે યુવકોને ટીચિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. હવે ખોડલધામ પોતાની યશકલગીમાં એક નવીનતમ પીછું ઉમેરશે અને 'રાજકીય કારકિર્દી' ના માધ્યમથી યુવાનના સ્વપ્નને સાકાર કરશે.
"રાજકીય કારકિર્દી" ના માધ્યમથી યુવાનના સ્વપ્નને કરશે સાકાર
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અનેક વખત કહી ચૂક્યા છે કે, ‘ખોડલધામ એ એક સંસ્થા નથી, ખોડલધામ એ એક વિચાર છે‘ અને એ પણ એક મજબૂત વિચાર. ત્યારે ખોડલધામના નેજા હેઠળ મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ સહિત અનેક સમિતિઓ ચાલી રહી છે અને અનેક વિવિધ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાઈ રહી છે. ત્યારે સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશન અને ખોડલધામના નેજા હેઠળ એક અદકેરું અને નવું જ પીછું પોતાની યશકલગીમાં ઉમેરવા માટે જઈ રહ્યા છે. જે છે રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે (KYPLI) એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે. જ્યારે એક સામાન્ય વ્યક્તિ સરપંચથી લઈને સંસદ સભ્ય સુધી બનવાનું લક્ષ્યને સેવે છે. એ યુવાનમાં જોમ અને જુસ્સો છે, રાષ્ટ્ર ભક્તિ સાથે સેવા ભાવનાની એમના હૈયે આશ છે માતૃભૂમિના હિત માટે રાજકારણમાં જવાની ત્યારે આ લક્ષ્ય અને સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે ખોડલધામ તેમને પૂર્ણ રીતે સહયોગ કરશે. એમના લક્ષ્યને આંબવા અને એ સ્વપ્નને હાંસલ કરવા એમને મજબૂત બનાવશે.
સર્વ સમાજના યુવાનો માટે રાજકીય કારકિર્દી ઘડવાની ઉત્તમ તક
કહેવાય છે કે સૌથી સારામાં સારું સેવા કરવા માટેનું અને દેશના હિત કાજે કાર્ય કરવાનું ક્ષેત્ર હોય તો એ રાજકારણ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની અંદર તમે પ્રવેશી અને ન‘તો માત્ર સમાજ, શહેર પરંતુ સમગ્ર રાજ્યનો અને દેશનો સર્વાંગી વિકાસ કરી શકો છો. આ એક સક્ષમ રાજકારણીની દીર્ઘદ્રષ્ટિ પર આધારિત હોય છે. ત્યારે આગામી તારીખ 6 ઓગસ્ટ ને શનિવાર ના રોજ બપોરે 3 થી 6, સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, પાણીના ટાંકાની સામે, માલવિયા પોલીસ સ્ટેશન વાળી શેરી, મવડી રોડ, રાજકોટ ખાતે આ રાજકીય કારકિર્દી સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સર્વ સમાજના યુવાનોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. વ્યવસ્થાના ભાગ રૂપે રજિસ્ટ્રેશન મો. 70699 29297 કરાવવું જરૂરી છે. રાજકારણ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા યુવાનો માટે એક ઉત્તમ તક રાજકોટના દ્વારે ખોડલધામ લઈને આવ્યું છે.
ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાની પહેલ
અગ્રગણ્ય ફેકલ્ટી, અનુભવી વ્યક્તિઓ અને વિષયના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વ્યક્તિ પાસે તમામ રાજકીય પાસાઓની સમજ સાથે પરિણામ લક્ષી કામની સમજ આપવામાં આવશે. ત્યારે આવનારા સમયમાં ખોડલધામના નેજા હેઠળ ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા (KYPLI) અંતર્ગત અનેક પ્રકલ્પ સાકાર થવાના છે.
આગામી સમયમાં ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધીના વ્યક્તિઓના સંવાદો ગોઠવવામાં આવશે. જેમાં સફળ થયેલા ધારાસભ્યો અને સાંસદ સભ્યો યુવાનોને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કરશે અને એમના માધ્યમથી આ શહેરને, રાજ્યને અને દેશને એક સરદાર વલ્લભભાઈ પટેલની પરંપરાને આગળ વધારે તેવા મજબૂત ને કદાવર નેતાઓ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે