ગાંધીનગર આંદોલન છાવણીમાં ફેરવાયું, વિરોધની આગને કેવી રીતે ઠારશે સરકાર?

મહેસૂલ કર્મીઓ, વનરક્ષકો, VCE, શિક્ષકો અને માજી સૈનિકોએ પડતર માગણીઓ સાથે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં કર્મચારીઓ સરકાર પર ભીંસ વધારવાની કોશિશ કરી રહ્યા છે. દરરોજ કોઈ નવો સરકારી વિભાગ વિરોધ માટે આગળ આવે છે.

ગાંધીનગર આંદોલન છાવણીમાં ફેરવાયું, વિરોધની આગને કેવી રીતે ઠારશે સરકાર?

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી પહેલા જુદા જુદા કર્મચારી સંગઠનો પડતર માગણીઓ પૂરી કરાવવા સરકાર સામે મેદાને પડ્યા છે. ગાંધીનગર આંદોલનની છાવણીમાં ફેરવાઈ ગયું છે...ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં આંદોલનની સીઝન જામી છે...એક બાદ એક સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર માગણીઓ સાથે સરકાર સામે મોરચો માંડી રહ્યા છે...મહેસૂલ કર્મીઓ, વનરક્ષકો, વીસીઈ, શિક્ષકો અને માજી સૈનિકો સહિતના વર્તમાન અને પૂર્વ કર્મીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે...આંદોલનનો રેલો સચિવાલય સુધી પહોંચી જતાં હવે સૌની નજરો સરકાર તરફ મંડાઈ છે...

મહેસૂલ કર્મીઓ માસ CL પર
સોમવારે રાજ્યભરનાં મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા...જુદી જુદી 17 માગણીઓ સાથે મહસૂલી કર્મચારીઓએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા. પોસ્ટર બેનરો સાથે પોતાની માગોન સરકાર સુધી પહોંચાડી. મહેસૂલ કર્મીઓએ ચીમકી આપી છે કે જો તેમની માગો પૂરી નહીં કરાય તો 27મીથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે...મહેસૂલી કર્મચારીઓની માસ સીએલની અસર સમગ્ર રાજ્યની કલેક્ટર કચેરીઓમાં જોવા મળી. જનસેવા કેન્દ્રો સૂમસામ જોવા મળ્યા. લોકોનાં કામ અટકી પડ્યા.. ફક્ત કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ફરજ પર હતાં.

શું છે મહેસૂલ કર્મીઓની માગ? 
મહેસૂલ વિભાગના કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર પ્રથા દૂર કરવી, 2010ના મહેસૂલી તલાટીને પ્રમોશન આપવું, 2012ના ક્લર્કને નાયબ મામલતદારનું પ્રમોશન આપવું તેમજ 2016ની મહેસૂલી તાલીમ અને પરીક્ષા યોજવાની માગનો સમાવેશ થાય છે.

VCE પણ આંદોલનના માર્ગે
તો આ તરફ ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE પણ આંદોલનના મૂડમાં છે. હજારો VCE કર્મીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા. આંદોલન દરમિયાન કેટલાકની અટકાયત પણ કરાઈ. VCEની માગ છે કે કમિશન પ્રથા બંધ કરી તેમને કાયમી નોકરી સાથે ફિક્સ પગાર આપવામાં આવે. અનેક રજૂઆતો વચ્ચે સરકાર તરફથી ફક્ત બાંહેધરી મળતા VCEમાં ઉગ્ર રોષ જોવા મળ્યો.

STના પૈડાં થોભાવી દેવાની ચીમકી
ST વિભાગના કર્મચારીઓએ પણ પડતર માગણીઓ સાથે સરકાર સામે બાંયો ચડાવી છે. સુરતમાં એસટીના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. એસટી કર્મીઓની મુખ્ય માગણીઓ પર નજર કરીએ તો તેમાં સાતમા પગારપંચના લાભ  આપવા, બે વર્ષ સુધી અટકાવેલું બોનસ આપવું અને રાજ્ય સરકારના કામદારો મુજબનાં ભથ્થાંની માગનો સમાવેશ થાય છે...કર્મચારીઓએ સરકારને ચીમકી આપી છે કે જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો 27મીથી એસટીના પૈડા થંભી જશે.

વનરક્ષકોના ગાંધીનગરમાં ધામા
આટલું ઓછું હોય તેમ ત્રણ હજાર જેટલા વનરક્ષકો પડતર માગણીઓ સાથે 15 દિવસથી અચોક્કસ મુદ્દતની રજાઓ પર છે... ગાંધીનગરમાં તેઓ સૂત્રોચ્ચાર કરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડી રહ્યા છે..તેમની માગ છે કે વનરક્ષકોને 2800 અને વનપાલને 4200 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે. રજા પગાર ઉપરાંત નોકરીના કલાકો ફિક્સ કરવાની પણ માગ કરાઈ છે...એટલે કે કર્મચારીઓ સરકાર પર ચારેય તરફથી ભીંસ વધારી રહ્યા છે. હવે જોવું એ રહેશે કે સરકાર આ તમામ આંદોલનોની આગને કેવી રીતે ઠારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news