દર્દીઓને મરઘો સમજીને હલાલ કરતી ખાનગી હોસ્પિટલો પર લગામ મૂકો, ચાર્જ ઘટાડવાની ઉઠી માંગ
Trending Photos
- કોવિડ હોસ્પિટલ દ્વારા ખોટા ચાર્જ લગાવી મસમોટા બિલો અપાતા હોવાની સતત ફરિયાદો મળી રહી છે.
- સરકાર હાલની પરિસ્થિતિ મુજબ કોરોનાની સારવારના ચાર્જ નક્કી કરે તો અનેક નાગરિકોને આર્થિક લાભ થઈ શકે છે
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતભરની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ સોનાની મરઘી જેવી બની ગઈ છે. દર્દીઓ પાસેથી લાખોના બિલ વસૂલવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે કોરોના દર્દીઓના સારવારનો ચાર્જ ઘટાડવા માંગ ઉઠી છે. કોરોનાના RTPCR ટેસ્ટના ચાર્જમાં ઘટાડા બાદ હવે કોવિડની ખાનગી હોસ્પિટલ દ્વારા લેવાતો ચાર્જ ઘટાડવા માંગ ઉઠી છે. અમદાવાદના જાણીતા તબીબ વસંત પટેલ દ્વારા આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો : અમદાવાદ ST ડેપો પર કોરોના ટેસ્ટ કરાવવામાં તમારો વારો 76મો હોય તો ચેતી જજો
હવે વસ્તુઓ સસ્તી થઈ છતાં હોસ્પિટલના તોતિંગ બિલ અપાય છે
કોરોનાના કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલને મંજૂરી અપાઈ હતી. કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીની સારવારનો રકમ નિશ્ચિત કરવામાં આવી હતી. પરંતુ 6 મહિના પહેલા નક્કી કરાયેલા ભાવમાં હવે સરકાર ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે. જે તે સમયે PPE કીટ, સેનેટાઇઝર, ઓક્સિજન, સર્જીકલ આઈટમ, કેટલીક જરૂરી દવાની અછત હતી. સાથે જ જરૂરી ચીજોના ભાવમાં અચાનક વધારો નોંધાયો હતો. પરંતુ હવે PPE કીટ, જરૂરી દવાઓ, સેનેટાઇઝર, સર્જીકલ આઈટમ સરળતાથી અને અગાઉ કરતા ખૂબ જ નજીવી કિંમતોમાં મળી રહી છે. તે હાલ ગુજરાતની પ્રજા આર્થિક ભીંસમાં પણ છે. તેમજ કોવિડ હોસ્પિટલ દ્વારા ખોટા ચાર્જ લગાવી મસમોટા બિલો અપાતા હોવાની સતત ફરિયાદો મળી રહી છે.
આ પણ વાંચો : એન્કાઉન્ટરમાં મરાયો દાહોદનો સાયકો કિલર દિલીપ, રતલામ પોલીસે ઓપરેશન પાર પાડ્યું
સરકાર કોરોનાની સારવારના ચાર્જ હાલની પરિસ્થિતિ મુજબ નક્કી કરે
કોવિડ હોસ્પિટલોના મસમોટા બિલોથી સરકારની પણ છબી બગડી રહી છે. હાલ અમદાવાદમાં AMC તરફથી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે 98 ખાનગી હોસ્પિટલમાં 3204 જેટલા બેડ ફાળવીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સરકાર હાલની પરિસ્થિતિ મુજબ કોરોનાની સારવારના ચાર્જ નક્કી કરે તો અનેક નાગરિકોને આર્થિક લાભ થઈ શકે છે, મસમોટા બિલોથી શહેરીજનોને રાહત મળી શકે છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના કારણે પરેશાન છે. મોટા ભાગના ધંધા રોજગાર અર્ધ ઠપ્પ જેવી સ્થિતીમાં છે. જો કે તેવામાં ખાનગી હોસ્પિટલો માટે જાણે કોરોના કમાણીનું માધ્યમ બનીને આવ્યો છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓને મુરઘા સમજીને હલાલ કરી રહ્યા છે. આ મુદ્દો તંત્રના ધ્યાને પણ આવી ચુક્યો છે. જેના કારણે તંત્ર દ્વારા પણ અનેક ચિમકીઓ ઉચ્ચારવામાં આવી હોવા છતા પણ હોસ્પિટલો પોતાની કમાણી બમણી કરવામાં મશગુલ છે. ફ્રંટલાઇન વોરિયર અને સેવાના નામે ખાનગી હોસ્પિટલો માટે કોરોનાના દર્દીઓ સોનાના ઇંડા આપતી મરઘીઓ સાબિત થઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે