બટાટા નગરી તરીકે જાણીતા બનાસકાંઠાના ડીસામાં વાવેતર ઘટ્યું, ખેડૂતોને ખેતીથી થયો મોહભંગ

આ વર્ષે ખ્યાતિ બટાટાના મણે 90 થી 100 રૂપિયા તો બાદશાહ બટાટાના 100 થી 130 રૂપિયા અને પુખરાજના 70થી 100 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જોકે ગતવર્ષે વેપારીઓ ખેડૂતોના ખેતરોમાં બટાટા ખરીદવા આવતા હોવાથી ખેડૂતોને કોઈ વધારાનો ખર્ચ ચડતો ન હતો.

બટાટા નગરી તરીકે જાણીતા બનાસકાંઠાના ડીસામાં વાવેતર ઘટ્યું, ખેડૂતોને ખેતીથી થયો મોહભંગ

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી બટાટા કાઢવાની શરૂઆત કરી છે. પરંતુ બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષ કરતા બટાટાના ભાવ 50 % જેટલા ઘટી જતાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર કોઈ સહાય આપે નહિ તો ખેડૂતોએ બટાટા રસ્તાઓ ઉપર ફેકવાનો વારો આવશે.

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે બટાટાના ખુબજ સારા ભાવ મળતાં આ વર્ષે 58902 હેકટરમાં ખેડૂતોએ 1000 થી 1500 રૂપિયાના ભાવનું મોંઘુ બિયારણ લાવીને બટાટાનું વાવેતર કર્યું હતું. જોકે આ વર્ષે બટાટાનો પાક સરસ થતાં ખેડૂતોએ હોંશેહોંશે પોતાના ખેતરો માંથી બટાટા કાઢવાના શ્રીગણેશ કર્યા હતા. જોકે બટાટાનું ઉત્પાદન વધતા જ અચાનક બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. ગત વર્ષે ખેડૂતોને બટાટાના મણે ખુબજ ઊંચા ભાવ મળ્યા હતા. જેમાં ખ્યાતિ બટાટાના મણે 200 થી 251 રૂપિયા તો બાદશાહ બટાટાના 250 થી 300 રૂપિયા અને પુખરાજના 200 થી 230 રૂપિયા જેટલો સારો ભાવ મળ્યો હતો. 

આ વર્ષે ખ્યાતિ બટાટાના મણે 90 થી 100 રૂપિયા તો બાદશાહ બટાટાના 100 થી 130 રૂપિયા અને પુખરાજના 70થી 100 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જોકે ગતવર્ષે વેપારીઓ ખેડૂતોના ખેતરોમાં બટાટા ખરીદવા આવતા હોવાથી ખેડૂતોને કોઈ વધારાનો ખર્ચ ચડતો ન હતો, પરંતુ આ વર્ષે કોઈ જ વેપારીઓ ખેડૂતોના ખેતર સામે ફરકતા નથી અને દિવસેને દિવસે બટાટાનો ભાવ ગગડી રહ્યો છે. જેમાં ખેડૂતોને માર્કેટમાં બટાટા લઈને વેચવા જવું પોષાતું નથી તો બીજી બાજુ કોલ્ડસ્ટોરેજના ભાડા વધી જતાં ખેડૂતોને કોલસ્ટોરેજનું ભાડું મોંઘુ પડતું હોવાથી ખેડૂતોની સ્થતિ દયનિય બની છે. જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

બનાસકાંઠાના ડીસા પંથકના ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ બટાટાનું મોંઘા બિયારણ અને ખાતર અને દવાઓ લાવીને વાવેતર કર્યું હતું. પરંતુ બટાટા નીકળતાની સાથે જ ભાવ ગગડી ગયા છે. ખેડૂતો બટાટા લઈને સારા ભાવ મળવાની આશાએ ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. પરંતુ બટાટાના કિલોએ 2 થી 4 રૂપિયા જ ભાવ મળતાં ખેડૂતોને ભાડાના પૈસા અને મજૂરી પણ નીકળતી નથી. જેથી ખેડૂતોએ માર્કેટયાર્ડમાંથી બટાટા પાછા લઈ જવા પોષતા નથી. જેથી ભાડું પણ માથે ન પડે તે માટે ખેડૂતો ન છૂટકે સસ્તા ભાવે બટાટા વેચી રહ્યા છે અને પોતે દેવવાર બની જશે તેવું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર કોઈ સહાય આપે નહિ તો ખેડૂતોને બટાટા રસ્તાઓ ઉપર ફેંકી દેવાનો વારો આવશે.

બનાસકાંઠાના ડીસામાં મોટા પ્રમાણમાં ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે આ વર્ષે ફક્ત ડીસામાં 30784 હેકટરમાં બટાટાનું વાવેતર કર્યું હતું.દર વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની મબલખ આવક થાય છે જેથી ખેડૂતો અને વેપારીઓને ફાયદો થતો હોય છે આ વર્ષે પણ બટાટાની ડીસા માર્કેટયાર્ડમાં રોજની 7 હજાર બોરીથી પણ આવક થઈ રહી છે. પરંતુ આ વર્ષે બટાટામાં ભયંકર મંદી આવતા ખેડૂતોને મણે 70 થી 100 રૂપિયો ભાવ ઘટાડો મળી રહ્યો છે. જેથી ખેડૂતો મંદીનો માર સહન કરી રહ્યા છે. જે બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે પંજાબ ,ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોમાં બટાટાની આવક શરૂ થઈ છે અને આપણા બટાટાની ડિમાન્ડ ઘટતા ભાવ ઓછા મળી રહ્યા છે.

બટાટામાં ભાવોમાં ભયંકર મંદી આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને હવે ઓછા ભાવના કારણે માર્કેટયાર્ડમાં બટાટા વેચવા જવું કે કોલ્ડસ્ટોરેજમાં બટાટા મુકવાનું પણ પોષાય તેમ નથી જો બટાટાના ભાવ નહિ વધે તો ખેડૂતોએ બટાટા રસ્તાઓ ઉપર ફેંકી દેવાનો વારો આવશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને બટાટાના સારા ભાવ મળે છે કે ખેડૂતો પાયમાલ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news