સમલૈગિંક હત્યાનું સસ્પેન્સ ‘દ્રશ્યમ’ કરતા પણ ખતરનાક નીકળ્યું, 59 વર્ષના શખ્સે અડધી ઉંમરના યુવકને રહેંસી નાંખ્યો
Murder Mystery : સમલૈંગિક સંબંધોની માંગણીમાં ૫૯ વર્ષના આધેડે ૩4 વર્ષીય મિત્રની હત્યા કરી... લાશને ખેતરમાં દાટી દીધી... મૃતક યુવક વૃદ્ધને સમલૈંગિક સંબંધ બનાવવા દબાણ કરતો હતો... ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
Trending Photos
Crime News જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ : હળાહળ કળિયુગની સાક્ષી પૂરતો અને સમાજ માટે લાલબત્તી સમાન હત્યાનો ચકચારી કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પોતાના પ્રૌઢ મિત્ર પાસે એવી માંગણી કરી કે પ્રૌઢે યુવકની ઘાતકી હત્યા કરી નાંખી. ફિલ્મ ‘દ્રશ્યમ’ના સસ્પેન્સને પણ ટક્કર મારે તેવી હત્યાનો આ ચકચારી કિસ્સો પંચમહાલમાં બન્યો છે.
પંચમહાલના રવાલિયાના મોટા ફળિયામાં રહેતા સુમનભાઇ ચંન્દ્રસિંહ પરમાર (ઉં.વ. ૩૪) ના મોટાભાઈ એ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કે, તેમના ભાઈ સુમન પરમાર 7 જાન્યુઆરીથી ગુમ થયેલ છે. સુમન પરમાર છેલ્લા પાંચ છ દિવસથી ગુમ હોવા અંગે ૧૦ જાન્યુઆરીના રોજ ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે પાવાગઢ પોલીસની સાથે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે ગુમ યુવકને શોધી કાઢવા પ્રયત્નો શરૂ કર્યા હતાં. બીજી તરફ પરિવારજનો પણ પોતાની રીતે યુવકને શોધવાના પ્રયત્નોમાં લાગ્યા હતા. પરિવારજનોએ સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ ગુમ યુવકને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
બીજી તરફ સાતથી આઠ દિવસ વીત્યા હોવા છતાં યુવકનો પત્તો લાગ્યો ન હતો. પોલીસે પરિવારજનો અને યુવકના મિત્રવર્તુળના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. નિવેદનો લેતી વેળાએ પોલીસને એક પ્રૌઢની હીલચાલ ખૂબ જ શંકાસ્પદ જણાઈ હતી. જેથી પોલીસે ગુમ થયેલ યુવકના પ્રૌઢ મિત્ર રણછોડભાઈ ભીમાભાઈ રાઠવા (ઉ.વ ૫૯) રહે. નવાગામ, રાઠવા ફળિયું, તા. હાલોલની ઊંડાણ પૂર્વક પૂછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચો :
પોલીસની આકરી પૂછપરછથી ભાંગી પડેલા રણછોડે પોતાના ૩૪ વર્ષીય મિત્ર સુમનભાઇ ચંન્દ્રસિંહ પરમારના ગુમ થવા અંગે જે હકીકત જણાવી તે જાણી પોલીસ સહિત પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. રણછોડે જણાવ્યું કે, ગુમ થયેલ યુવક સુમન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેની સાથે કરવા દબાણ કરતો હતો. પોતે આવા દબાણને વશ નહોતું થવુ અને સુમનની અવારનવાર આવી માંગણીઓથી કંટાળીને યોજના બનાવી તેને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. યોજના મુજબ જ રણછોડે પોતાના યુવાન મિત્ર સુમનને નવાગામ ખાતે આવેલા પોતાના ખેતરે બોલાવ્યો હતો, જ્યાં ખેતરમાં આવેલ ઝૂંપડીમાં લઇ ગયો હતો. સુમન જેવો ઝુંપડીમાં પ્રવેશ્યો અશક્ત દેખાતા 59 વર્ષીય રણછોડે ધારદાર કુહાડીથી સુમનને માથા પર તથા શરીરના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યાને અંજામ આપી હતી. અશક્ત દેખાતા રણછોડના મનનો શેતાન આટલેથી તૃપ્ત થયો ન હતો. પોતાના કૃત્યની ખબર પડી જવાના ડરે લોહીલુહાણ પડેલા સુમનની લાશને રણછોડે પોતાના જ ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી.
હત્યારો રણછોડ પોતાના કૃત્યને છુપાવી સુમનના પરિવાર સાથે શોધખોળમાં પણ લાગેલો રહ્યો અને થોડા થોડા સમયે પોતાની પાસે રહેલો સુમનનો મોબાઈલ ચાલુ કરી ફરી પાછો સ્વીચ ઓફ કરતો હતો. જેથી તે પોલીસ અને પરીવારજનોને પણ ગુમરાહ કર્યા કરતો હતો. તેમજ તેણે મૃતક સુમનની બાઇક પણ નર્મદા કેનાલ પર મૂકી આવ્યો હતો.
આ પણ વાંચો :
જો કે પોલીસે મૃતક સુમનના કોલ ડિટેલ અને હત્યારા આરોપી રણછોડની શંકાસ્પદ હિલચાલ લાગી હતી. જેના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આમ ઘટનાનો પર્દાફાશ કરી આરોપી રણછોડની ધરપકડ કરાઈ. તેના બાદ સુમનની દટાયેલી લાશ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી. હાલોલ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોપીએ બતાવેલ જગ્યાએ ખોદકામ કરાવતા એકાદ ફુટે દટાયેલ ડિકમ્પોઝ હાલતમાં સુમનની લાશ મળી આવી હતી.
સમગ્ર મામલે હાલોલ રૂરલ પોલીસે મૃતક સુમનના મૃતદેહને પીએમ કરાવવા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આરોપી રણછોડની ધરપકડ કરી તેની સામે આઇપીસી ૩૦૨, ૨૦૧ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે