અમદાવાદમાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, લેવાયા મોટા નિર્ણય, ખાસ જાણો
Trending Photos
અર્પણ કાયદાવાલા, અતુલ તિવારી, આશ્કા જાની/અમદાવાદ: રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય લીધો છે.
મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડ બફર ઝોન
મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ ટીમ મૂકવામાં આવશે. હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ થશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જો કે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
(નહેરુ બ્રિજ, અમદાવાદ)
આજથી નહેરુ બ્રિજ બંધ
વધતા કેસોને લઈને આજથી અમદાવાદનો નહેરુબ્રિજ બંધ કરાયો છે. બેરીકેટ્સ અને પતરા મારી બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. કોટ વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને જોતા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે નહેરુબ્રિજ બંધ કરાયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી નહેરુબ્રિજ બંધ રહેશે.
(એલિસબ્રિજ, અમદાવાદ)
એલિસબ્રિજ વનવે કરવામાં આવ્યો
આ બાજુ એલિસબ્રિજ વનવે કરાવી દેવાયો છે. આઈપી મિશન રોડથી આશ્રમ રોડ તરફ જતો એલિસબ્રિજનો માર્ગ અવર જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો. આશ્રમ રોડ તરફથી એલિસબ્રિજ તરફ આવતો માર્ગ બંધ કરાયો છે. આશ્રમ રોડથી એલિસબ્રિજ થઈને આવતા તમામનું સઘન સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. પોલીસકર્મીઓ સહિત ચાર અલગ અલગ પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા દિવસભર ચેકિંગ હાથ ધરાશે. ઇન્ફ્રારેડ થર્મોમીટરથી તમામ નાગરિકોનું તાપમાન ચેક કરાઈ રહ્યું છે. 100 ડીગ્રી પર આવતા તમામને હોસ્પિટલ રેફર કરાઈ રહ્યા છે સાથે જ તમામના નામ, સરનામાં અને મોબાઈલ નંબરની નોંધ પણ લેવાઈ રહી છે.
અલગ અલગ વિસ્તારોમાં સઘન સ્ક્રિનિંગ
કોરોના વાયરસ સામે ફાઈટ્સ આપવા માટે તંત્ર તૈયાર છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા પર પસાર થતા લોકોનું બોડી ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે અને જો કોઈનું ટેમ્પરેચર વધારે હોય તો તેને નામ એડ્રેસ લઈ સીધા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહયા છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે જે સવારે થી અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના સ્કેનિગ કરવામાં આવ્યા છે સદનસીબે હજુ એક પણ વ્યક્તિ નું બોડી ટેમ્પરેચર વધારે નથી આવ્યું.
ગુજરાતમાં કુલ 175 કેસ
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા મંગળવારે સાંજે પત્રકાર પરિષદ સંબોધીને ટુકમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં કુલ 9 કેસ નવા સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 175 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર અને વડોદરાનાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે પાટણમાં એક 47 વર્ષીય વ્યક્તિ અને 52 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 175 કુલ કેસ પૈકી 4 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 126 લોકો સ્ટેબલ છે. 25 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે.
જિલ્લાવાર કેસની વાત કરીએ તો અમદાવાદમાં 83 કેસ છે, સુરતમાં 22 કેસ, રાજકોટમાં 11, વડોદરામાં 12, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં કુલ 14, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટા ઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠામાં 1-1 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે