બરવાળાની સ્કૂલમાં કમ્પાઉન્ડ વોલનો સળિયો વિદ્યાર્થીના હાથમાં આર-પાર નિકળી ગયો

કંપારી છુટી જાય એવી આ ઘટનામાં વિદ્યાર્થીઓ પણ હિંમત રાખી અને સળીયો કાપીને ખાનગી હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ઓપરેશનથી સળીયો હાથમાંથી દૂર કરાયો

બરવાળાની સ્કૂલમાં કમ્પાઉન્ડ વોલનો સળિયો વિદ્યાર્થીના હાથમાં આર-પાર નિકળી ગયો

રઘુવીર મકવાણા/ બોટાદઃ બરવાળાની ઝબૂબા હાઈસ્કૂલમાં આજે સમય પ્રમાણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા. સવારે સ્કૂલ શરૂ થવાનો બેલ વાગતાં મેદાનમાં રમી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવા માટે દોડ્યા હતા. એક વિદ્યાર્થી પણ તેણે કમ્પાઉન્ડ વોલના સળિયામાં લટકાવેલું દફ્તર ઉતાવળે લઈને સ્કૂલમાં જવા દોડ્યો હતો. એ સમયે દફ્તર કાઢતા સમયે હાથ લપસી જતાં અણીદાર સળિયો તેના હાથની આરપાર નિકળી ગયો હતો. જેના કારણે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ સળિયો કાપીને વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. 

બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં રહેતા અને ઝબૂબા હાઈસ્કૂલ ધોરણ 10માં અભ્યાસ કરતો ધવલ મુકેશભાઈ ચાવડા આજે તેના સમય અનુસાર સ્કૂલે ગયો હતો. સવારે સ્કૂલ શરૂ થવાને થોડી વાર હોવાથી તે સ્કૂલના મેદાનમાં આવેલી કમ્પાઉન્ડ વોલના સળિયામાં દફ્તર લટકાવીને રમતો હતો. 

સ્કૂલ શરૂ થવાનો બેલ વાગતાં તે દફતર કાઢવા ગયો. ઉતાવળમાં તેનો હાથ લપસી જતાં ધારદાર સળિયો તેની હથેળીની આર-પાર નિકળી ગયો હતો. હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. જોકે, ધોરણ-10માં ભણતા ધવલે ઘણી જ હિંમત દાખવી હતી. શિક્ષકોને આવીને જોયું તો વિદ્યાર્થી સળિયામાં ફસાયેલા હાથ સાથે ઊભો હતો. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. 

108ના કર્મચારીઓ પણ આ ઘટના જોઈને અવાચક થઈ ગયા હતા. તેમણે સળિયો કાપવા માટે વેલ્ડરને બોલાવ્યો હતો. કમ્પાઉન્ડ વોલનો સળિયો કાપી લીધા બાદ વિદ્યાર્થીને સળિયા સાથે જ 108માં બેસાડવામાં આવ્યો હતો અને ત્યાં તેનું સૌ પ્રથમ ડ્રેસિંગ કરીને લોહી બંધ માટે પાટા બાંધવામાં આવ્યા હતા. 

ત્યાર બાદ સળિયાવાળા હાથ સાથે જ વિદ્યાર્થીને બોટાદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં, ઓપરેશન કરીને વિદ્યાર્થીના હાથમાંથી સળિયો કાઢી નાખવામાં આવ્યો છે. હાલ બાળકની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news