અમિત શાહ બાદ ચૂંટણીના ચાણક્ય સાબિત થયા મનસુખ માંડવિયા, ગુજરાતી નેતાનું દિલ્હીમાં કદ વધ્યું

ભાજપનો કોઈ પણ નેતા એમ ના કહી શકે કે છત્તીસગઢમાં ભાજપની જીતનો શ્રેય અમિત શાહ, ઓમ માથુર અને મનસુખ માંડવિયાને ના આપી શકાય. આ ત્રિગડીએ કોંગ્રેસના તમામ પ્લાનિંગોને ખોટા ઠેરવ્યા છે અને કોંગ્રેસની ભૂપેશ બઘેલ સરકારને ઘરભેગી કરી દીધી છે.

અમિત શાહ બાદ ચૂંટણીના ચાણક્ય સાબિત થયા મનસુખ માંડવિયા, ગુજરાતી નેતાનું દિલ્હીમાં કદ વધ્યું

Mansukh Mandaviya: એકદમ સીધો સાદો માણસ, સાયકલ પર સાંસદ પહોંચતા આ વ્યક્તિને જોઈને કોઈ એમ ના કહે કે આ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. મનસુખ માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છે, બિલકુલ લાઈમ લાઈટમાં ના રહેતા માંડવિયાને કોરોના સમયે આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી મોદીએ કરેલી કસોટીમાં એ સૂપેરે પાર પાડતાં 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પહેલાં પીએમ મોદીએ સૌથી અઘરો ટાસ્ક આપ્યો હતો. જે ટાસ્કને સફળતા પૂર્વક પાર પાડી મનસુખ માંડવિયાએ એ સાબિત કરી દીધું છે કે પીએમ મોદી શા માટે આટલો ભરોસો મૂકે છે. દિવાળી પણ પરિવાર વિના છત્તીસગઢમાં ઉજવી માંડવિયાએ કોંગ્રેસની બગાડી નાખી છે. આ એકમાત્ર ગુજરાતીની રણનીતિએ એક્ઝિટ પોલને પણ ખોટા સાબિત કર્યા છે. મનસુખ માંડવિયાએ સાબિત કર્યું છે કે દિલ્હીએ એમ જ દેશના આરોગ્યમંત્રી જેવું કદાવર પદ આપ્યું નથી. એક સમયે ગુજરાતના સીએમ પદ માટે ચર્ચાતા મનસુખ માંડવિયાનું છત્તીસગઢમાં ભાજપની જીત બાદ કદ વધી ગયું છે. 

ભાજપનો કોઈ પણ નેતા એમ ના કહી શકે કે છત્તીસગઢમાં ભાજપની જીતનો શ્રેય અમિત શાહ, ઓમ માથુર અને મનસુખ માંડવિયાને ના આપી શકાય. આ ત્રિગડીએ કોંગ્રેસના તમામ પ્લાનિંગોને ખોટા ઠેરવ્યા છે અને કોંગ્રેસની ભૂપેશ બઘેલ સરકારને ઘરભેગી કરી દીધી છે. કોંગ્રેસને અહીં રીપિટ થવાનો પૂરો ચાન્સ હતો પણ ઓમ માથુર સાથે મળીને મનસુખ માંડવિયાએ એવા સમીકરણો ગોઠવ્યા કે ભાજપે અહીં સીટોની અડધી સદી ફટકારી છે. અમિત ભાઈની જેમ મનસુખભાઈ માંડવિયા દર દિવાળીના તહેવારો ભાવનગરમાં ઉજવે છે. આ વખતે ચૂંટણીની તૈયારીઓના કારણે તેઓએ છત્તીસગઢમાં દિવાળી ઉજવીને કોંગ્રેસની બગાડી દીધી છે. છત્તીસગઢમાં 2018 પછી ભાજપ સત્તામાં નહોતો. કોંગ્રેસનો દબદબો આ રાજ્યમાં હતો. 

દિલ્હી હાઈકમાન્ડે એડવાન્સમાં જ પ્લાનિંગ કરીને સાત મહિના પહેલાં જ સ્ટ્રેટેજી બનાવવાનું શરૂ કરી દીઘું. ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવ્યા તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાને સહપ્રભારી બનાવ્યા હતા. એ સમયથી મનસુખભાઈ અને ઓમ માથુરે છત્તીસગઢમાં ધામા નાખ્યા હતા. આ બંને નેતાઓ સંગઠનમાં માહેર છે. જેઓએ ગ્રાઉન્ડ લેવલનો તાગ મેળવીને બૂથવાઈઝ સ્ટ્રેટેજી ગોઠવવાની શરૂ કરી હતી. ગુજરાતની જેમ જ જિલ્લા અને તાલુકાવાઈઝ મિટિંગો કરી અને ભાજપના કાર્યકરોને રોડમેપ આપ્યો. આખરે રિઝલ્ટ સામે જ છે કે 54 સીટ સાથે છત્તીસગઢમાં ભાજપની સરકાર બની છે. 

કોણ છે મનસુખ માંડવિયા.....

2016માં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા
મનસુખ માંડવિયાને સૌપ્રથમ 5 જુલાઈ, 2016ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. 30 મે, 2019 ના રોજ તેમણે ફરીથી સ્વતંત્ર હવાલો સાથે રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા.

માંડવિયા એક ખેડૂત પરિવારમાંથી આવે છે
મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ 1972ના રોજ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં થયો હતો. તેમના પિતા સીમાંત ખેડૂત હતા. મનસુખ માંડવિયા પાટીદાર સમાજના લેઉઆ પટેલ સમુદાયમાંથી આવે છે.

સરકારી શાળામાં અભ્યાસ કર્યો
મધ્યમ-વર્ગીય ખેડૂત પરિવાર (પાટીદાર-પટેલ-કુર્મી જાતિ)માંથી આવતા મનસુખ માંડવિયા ચાર ભાઈઓમાં સૌથી નાના છે. તેમણે પ્રાથમિક શિક્ષણ હનોલની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે સોનગઢ ગુરુકુળમાંથી હાઈસ્કૂલ પૂર્ણ કરી.

2012 માં પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા
મનસુખ માંડવિયા પ્રથમ વખત 2012માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2018માં ફરી ચૂંટાયા હતા. માંડવિયાના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ પશુ ચિકિત્સા વિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થયા છે.

ભાજપ હરિયાણા-મહારાષ્ટ્રની જેમ નવા ચહેરાની કરી શકે છે જાહેરાત
છત્તીસગઢમાં સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને સમગ્ર રાજ્યથી પરિચિત રમણ સિંહ ફરી એકવાર ભાજપ હાઈકમાન્ડની પહેલી પસંદગી બનશે કે પછી પાર્ટી કોઈ આદિવાસી પર દાવ મુકી શકે છે. આ ઉપરાંત ભાજપ એવા કોઈપણ સાંસદ અથવા સરકારી અધિકારીને પણ તક આપી શકે જેઓ નોકરી છોડીને રાજકારણમાં જોડાયા હોય. આ સિવાય રાજ્યમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે ભાજપ હરિયાણા તેમજ મહારાષ્ટ્રના મોડલની જેમ એવું નામ જાહેર કરી શકે છે. હાલ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પૂર્વ સીએમ રમણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ, પૂર્વ સરકારી અધિકારી ઓપી ચૌધરી તેમજ આદિવાસી નેતા રામ વિચાર નેતામના નામની ચર્ચા થઈ રહી છે. આ મામલે મનસુખ માંડવિયા અને ઓમ માથુર સતત બેઠકો કરી રહ્યાં છે. આ પાટીદાર નેતાએ એ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં બીજા નેતાઓ કરતાં કદ વધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news