ગુજરાતમાં શું થઈ રહ્યું છે? હવે નકલી નિયામક...બનાસકાંઠામાં બેસીને અનેક શિક્ષકોને છેતર્યા! કેવી રીતે ફૂટ્યો ભાંડો?

બનાસકાંઠામાં બેસીને ગાંધીનગરના શિક્ષણ નિયામકના નકલી પત્ર અને સિક્કાનો ઉપયોગ કરી અનેક શિક્ષકોને છેતર્યા. જ્યારે તેનો ભાંડો ફૂટી ગયો તો બચાવમાં કહેવા લાગ્યો કે મને ફસાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં શું થઈ રહ્યું છે? હવે નકલી નિયામક...બનાસકાંઠામાં બેસીને અનેક શિક્ષકોને છેતર્યા! કેવી રીતે ફૂટ્યો ભાંડો?

અલકેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતમાં નકલીએ તો મજા મુકી છે. નકલી વસ્તુ, નકલી કચેરી, નકલી ખાદ્યપદાર્થ, નકલી કોર્ટ, નકલી જજ, પછી હવે નકલી નિયામક માર્કેટમાં આવ્યા છે. આ નકલી નિયામક બદલીના ઓર્ડર આપી પૈસા પડાવતા...પરંતુ કોઈની બદલી થતી નહતી. બનાસકાંઠામાં બેસીને ગાંધીનગરના શિક્ષણ નિયામકના નકલી પત્ર અને સિક્કાનો ઉપયોગ કરી અનેક શિક્ષકોને છેતર્યા. જ્યારે તેનો ભાંડો ફૂટી ગયો તો બચાવમાં કહેવા લાગ્યો કે મને ફસાવવામાં આવ્યો છે. કોણ છે નકલીનો ખેલ ખેલનારો આ નકલી નિયામક? શું કર્યા તેને કાંડ?

જે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થાય છે, બીજા રાજ્યોને ગુજરાતના વિકાસને પ્રેરણા લેવા માટે કહેવાય છે તે ગુજરાતમાં શું થઈ રહ્યું છે? એવી કોઈ સજીવ કે નિર્જીવ વસ્તુ નથી જે ગુજરાતમાં નકલી ન હોય. પછી તે ખાદ્યપદાર્થ હોય કે પછી રોજિંદા વપરાશમાં લેવાની વસ્તુ...બધુ જ નકલી છે. નકલી ઘી, નકલી ખાતર, નકલી એન્જિન ઓઈલ અને હવે આવી ગયા નકલી જજ સાહેબ...હા, નકલી કોર્ટના નકલી જજ સાહેબ. જે નકલી ઓર્ડર કરીને લોકોને છેતરતા હતા. અને પોતાના ખિસ્સા ભરતાં હતા. પણ હવે તેમનો ભાંડો ફૂટી ગયો તે જેલની હવા મનભરીને માણશે.

નકલી PMO અધિકારી અને નકલી CMO અધિકારીને તમે ઓળખતા જ હશો. આ બન્ને નકલી અધિકારી જેલમાં છે ત્યાં નકલી જજ આવ્યા. આ નકલી જજની સાહી હજુ સુકાઈ નથી, ત્યાં હવે નકલી નિયામક આવી ગયા છે. નામ છે બ્રિજેશ પરમાર. તેમનો નકલી હોદ્દો છે શિક્ષણ વિભાગના નિયામકનો. પરંતુ તેમનું અસલી કામ તો પ્રાથમિક શાળાના આચાર્યનું છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલી મજાદર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય બ્રિજ પરમાર શિક્ષણ વિભાગના નિયામક બનીને લોકોને છેતરતા હતા. તેમની છેતરપિંડીનો ભોગ સૌથી વધુ શિક્ષકો જ બનતા હતા.

આવા જ એક શિક્ષક એટલે મીનાબહેન પટેલ જેઓ આ નકલી નિયામકનો ભોગ બન્યા. ઘટના કંઈક એવી છે કે થરાદના ડુવા ગામમાં શિક્ષિકા મીનાબહેન પટેલ અમદાવાદ રહેતા હતા. પુત્ર બીમાર હોવાતી તેમણે અમદાવાદ બદલીની માગણી કરી. બદલી કરાવવા માટે તેમણે રેફરન્સથી આ નકલી નિયામકનો કોન્ટેક્ટ કર્યો. બ્રિજેશ પરમારે પૈસા લઈને મીનાબહેનને બદલીનો ઓર્ડર આપી દીધો. અમદાવાદ ગ્રામ્યમાં બદલી થતાં મીનાબહેન ખુશખુશાલ થઈ ગયા. પરંતુ જ્યારે તેઓ બદલીના સ્થળે પહોંચ્યા તો ખબર પડી કે બ્રિજેશ પરમાર નિયામક છે જ નહીં. તેમને છેતરવામાં આવ્યા છે.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

  • થરાદના ડુવામાં શિક્ષિકા મીનાબહેન પટેલ અમદાવાદ રહેતા હતા
  • પુત્ર બીમાર હોવાતી તેમણે અમદાવાદ બદલીની માગણી કરી
  • બદલી માટે તેમણે રેફરન્સથી નકલી નિયામકનો કોન્ટેક્ટ કર્યો
  • બ્રિજેશ પરમારે પૈસા લઈને મીનાબહેનને બદલીનો ઓર્ડર આપ્યો
  • અમદાવાદ ગ્રામ્યમાં બદલી થતાં મીનાબહેન ખુશખુશાલ થઈ ગયા
  • બદલીના સ્થળે પહોંચ્યા તો ખબર પડી કે બ્રિજેશ પરમાર નિયામક નથી

શિક્ષિકા પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેમણે તાત્કાલિક બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે ફરિયાદ કરી. શિક્ષણ વિભાગે પણ સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી દીધા. અને નકલી નિયામક બ્રિજેશ પરમાર સામે પોલીસ ફરિયાદ કરવા આદેશ કર્યો છે.

નકલી નિયામક બ્રિજેશ પરમારનો ઈતિહાસ કાવાદાવા વાળો જ રહ્યો છે. તે જ્યારે ઊંઝાના ટુંડાવ ગામની શાળામાં હતો ત્યારે પણ શાળાના બેંક ખાતામાં ઉચાપત કરી હતી. આ મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી. પરંતુ હવે જ્યારે તેની સામે નકલી નિયામકનો ગુનો નોંધાવવાની તૈયારી છે ત્યારે પોતાના બચાવમાં જાતભાતના નાટકો કરી રહ્યો છે. તે એવો દાવો કરી રહ્યો છે કે હું ગુજરાત રાજ્ય ટાટ હિત રક્ષક સમિતિનો મંત્રી છું. મારુ રાજકીય કદ વધી રહ્યું છે તેથી મને ખોટી રીતે ફસાવવા ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. કોઈ પણ સુનાવણી વગર મને સીધો જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. નકલી નિયામક હાલ તો ભલે પોતાનો બચાવ કરતો હોય પરંતુ તેણે જે કાંડ કર્યું છે તેનો વધારે ખુલાસો તો પોલીસ ફરિયાદ બાદ જ થશે. કારણ કે પોલીસની તપાસમાં જ સાચી વિગતો બહાર આવી શકશે. ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news