ભાજપનો સપાટો, વાઘોડિયા-પાદરાના 51 બળવાખોરો સસ્પેન્ડ, મધુ શ્રીવાસ્તવની દીકરીને પક્ષ બહારનો રસ્તો બતાવ્યો

Gujarat Elections 2022 : આ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે ભાજપે લાલ આંખ કરી છે, એક પછી એક બળવાખોરોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે

ભાજપનો સપાટો, વાઘોડિયા-પાદરાના 51 બળવાખોરો સસ્પેન્ડ, મધુ શ્રીવાસ્તવની દીકરીને પક્ષ બહારનો રસ્તો બતાવ્યો

Gujarat Elections 2022 રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે એક સાથે 51 લોકોને સસ્પેન્ડ કર્યાં છે. જેમાં મોટાભાગના પાદરા અને વાઘોડિયાના બળવાખોરો સામેલ છે. પાદરા નગરપાલિકાના 10 સભ્યોને સસ્પેન્ડ કર્યાં છે. તો દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ સસ્પેન્ડ કર્યાં છે. 

વડોદરા જિલ્લા ભાજપાએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનાર પાદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે પ્રદેશ ભાજપે લાલ આંખ કરીને એકસાથે 51 લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમા પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને પણ સસ્પેન્ડ કરાયા છે. જ્યારે વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે સસ્પેન્ડ કરી છે. દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામાએ પક્ષથી વિરોધમાં જઈને અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે ભાજપે ગત અઠવાડિયે જ આ બંને બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે તેમના સમર્થકોને પક્ષ બહાર રસ્તો બતાવ્યો છે. 

વડોદરાની 10 બેઠકોના સમીકરણ 
વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર હવે 72 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વડોદરાની અકોટા બેઠક પર સૌથી વધુ 11 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ થશે. સયાજીગંજ બેઠક પર સૌથી ઓછાં 5 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. વડોદરા સિટી બેઠક પર 7, રાવપુરા પર 7 અને માંજલપુરમાં 8 ઉમેદવાર વચ્ચે જંગ થશે. વડોદરામાં શહેર કરતાં જિલ્લાની પાંચ બેઠકો પર રસપ્રદ ચુંટણી જંગ જોવા મળશે. ડભોઇમાં 9, વાઘોડિયામાં 7, જ્યારે પાદરામાં, સાવલી અને કરજણમાં 6-6 ઉમેદવારો સામસામે ટકરાશે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો, વાઘોડિયા, ડભોઇ અને પાદરા બેઠક પર આરપારનો જંગ છે. વાઘોડિયામાં ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ થશે. બે મજબુત અપક્ષ ઉમેદવારો તરીકે મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાનમાં છે. તો સામે ભાજપનાં અશ્વિન પટેલ અને કોંગ્રેસનાં સત્યજીત ગાયકવાડને અપક્ષ ઉમેદવારો હંફાવશે તેવુ લાગી રહ્યું છે. 

તો સામે પાદરામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દિનુમામા વચ્ચે ત્રિકોણીયો જંગ છે. ડભોઇ બેઠક પર ભાજપનાં શૈલેષ મહેતા અને કોંગ્રેસનાં બાલુ ઢોલાર વચ્ચે કાંટે કી ટક્કર છે. સાવલીમાં ભાજપનાં કેતન ઇનામદાર અને કોંગ્રેસનાં કુલદીપસિંહ રાઉલજી વચ્ચે જંગ છે. તો કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ અને કોંગ્રેસનાં પિન્ટુ પટેલ સામસામે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news