ભાજપના સંકટમોચક હવે કોંગ્રેસના થયા, જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો ખેસ પહેર્યો
Gujarat Elections 2022 : મતદાનના બે દિવસ પહેલા ભાજપને મોટો ફટકો... દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા
Trending Photos
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે બે દિવસ બાકી રહી ગયા છે, ત્યારે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં જોડાયા છે. પોતાના કાર્યકરો સાથે જયનારાયણ વ્યાસ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. અગાઉ ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યુ હતુ, નારાજ નેતા કોંગ્રેસમાં જશે તેવું લાંબા સમયથી ચર્ચાઈ રહ્યુ હતું. એટલુ જ નહિ, ગઈકાલે સિદ્ધપુરમાં કૉંગ્રેસના ઉમેદવારને સમર્થનની જાહેરાત કરી હતી. ત્યારે જયનારાયણ વ્યાસના કોંગ્રેસમાં જવાથી ભાજપને મોટો ફટકો પડી શકે છે. સિદ્ધપુર બેઠક પરથી તેમની ટિકિટ કપાતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસમાં જોડાયા બાદ જયનારાયણ વ્યાસે કહ્યું કે, ગુજરાતની અત્યારની તમામ યોજનાઓનો પાયો કોંગ્રેસ સરકારમાં નંખાયો હતો. નર્મદા ડેમનો ઉકેલ ઈન્દિરા ગાંધીના પ્રયત્નોથી આવ્યો હતો. રાજીવ ગાંધીએ પ્લાનિંગ કમિટીમાં અપ્રુવલ આપવાનું કામ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ પણ રાજીવ ગાંધીએ કરાવ્યું હતું. નર્મદા ડેમનું મોટાભાગનું કામ કોંગ્રેસના સમયમાં થયું હતું. ગુજરાતના આજના રોડ બનાવવાનું કામ પણ કોંગ્રેસમાં જ થયું. જે પ્રોડક્ટ સારી નથી એનું પેકેજીંગ સારું કરી વેચાઈ રહી છે. ભાજપમાં મને કોઈનાથી ફરિયાદ ન હતી. ગુજરાતના હિતમાં જેને પણ જોડાવું હોય એને બોલવાની હિંમત રાખવી જોઈએ. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી એક્સ્ટ્રાબ્લિસ નેતા તરીકે ઉભર્યા છે. કોંગ્રેસ એવી પાર્ટી છે કે જ્યાં વ્યક્તિલક્ષી વાત કરવામાં નથી આવતી. મારી પાસે રહેલ તમામ ક્ષમતા રાષ્ટ્રહિતમાં જ હશે. કોંગ્રેસમાં જે પણ જવાબદારી આપવામાં આવશે એને નિભાવીશ.
70 વર્ષમાં કોંગ્રેસે ભારત દેશ બનાવ્યો છે, એનું ફળ તમે ભોગવી રહ્યા છો
જયનારાયણ વ્યાસ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. મલ્લિકાર્જુન ખડગેએ તેમને ગળામં ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ એપીએમસીના પુર્વ ચેરમેન સમીર વ્યાસ પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર વાર કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ માટે ખોટો પ્રચાર અહી કરવામાં આવે છે. અમારા નેતાઓ માટે ખોટો પ્રચાર કરાય છે. આ ચુંટણી ગુજરાતની જનતાની છે અને ગુજરાતની જનતા હોશિયાર છે. માટે જ દેશના દરેક ખૂણામાં ગુજરાતી ફેલાયેલા છે. કાશ્મીરથી કન્યા કુમારી સુધી ગુજરાતી વસેલા છે. ગુજરાતની જનતા કોંગ્રેસની ફેવરમાં નિર્ણય લઇ રહી છે, માટે ભાજપના રાષ્ટ્રીય નેતા વોર્ડ વોર્ડ ફરી રહ્યા છે. કેટલાક લોકો વારંવાર મહાત્મા ગાંધીનું નામ લઇને કોંગ્રેસને બદનામ કરવાનું કામ કરે છે, ગુજરાતની જનતા કોંગ્રેસ તરફી છે એવું ભાજપના ધ્યાને આવ્યું છે. એટલે જ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવી રહ્યા છે. ભાજપના નેતા વોટ માંગતા સમયે પણ પોતાના નામે વોટ માંગે છે, પાર્ટીના નામે નહિ. મોદી કહે છે આ ગુજરાત મેં બનાવ્યુ છે, પણ ગુજરાતના અન્ય લોકોનો પણ ફાળો છે. ગુજરાતને બનાવવમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓ અને મોરારજી દેસાઇની પણ ભૂમિકા છે. કોંગ્રેસે 70 વર્ષમાં કશું નથી કર્યું એ ભાજપનો કોમન ડાયલોગ છે, 70 વર્ષમાં કોંગ્રેસે ભારત દેશ બનાવ્યો છે, એનું ફળ તમે ભોગવી રહ્યા છો. અમારા નેતાઓ ફાંસીએ ચડ્યા, બલિદાન આપ્યાં ત્યારે દેશ આઝાદ થયો છે, આ બધી વાતોનો અમે વારંવાર ઉલ્લેખ નથી કરતા. મોદી-શાહથી સૌ કોઈ પરેશાન છે, અમારા લોકો ગામડે ગામડે, બુથ બુથ લડી રહ્યા છે. હું જ્યારે રેલવે મીનીસ્ટર હતો ત્યારે ગુજરાતને ઘણું આપ્યું પણ ક્યારે ઢોલ નથી પીટ્યા. એવુ નથી કહ્યું કે, મેં કર્યુ છે.
જયનારાયણ વ્યાસની રાજકીય કરિયર
જયનારાયણ ભાજપના સંકટમોચક રહ્યા
કેશુભાઈ પટેલ-નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા
2007થી 2012 સુધી મંત્રી તરીકે ફરજ બજાવી
ટીવી ડિબેટમાં સરકાર વતી ધારદાર દલીલો કરતા
2012માં પરાજય પછી જયનારાયણ વ્યાસ હાંસિયામાં ધકેલાયા
વિજય રૂપાણીની સરકારમાં સાઈડલાઈન થવા લાગ્યા
સિદ્ધપુર બેઠક પરથી 4 વખત જીત મેળવી
સિધ્ધપુરના કોંગ્રેસ ઉમેદવારને આપ્યો ટેકો
કોંગ્રેસમાં જોડાયા પહેલા રવિવારે પૂર્વ આરોગ્યમંત્રી ડૉ જ્યનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં દેખાયા હતા. ડૉ જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને જાહેરમાં સમર્થન આપ્યું હતું. વામૈયા ગામે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ડો.જયનારાયણ વ્યાસે હાજરી આપી હતી. ડો.જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. ત્યારે આ ઘટનાએ ભાજપના ખેમામાં ચર્ચા જગાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે